Friday, 20 September, 2024

આધ્યાત્મિક સંદર્ભ

262 Views
Share :
આધ્યાત્મિક સંદર્ભ

આધ્યાત્મિક સંદર્ભ

262 Views

સમુદ્રમંથનની એ કથા શ્રીમદ્ ભાગવતમાં ખૂબ જ રસમય રીતે વિસ્તારપૂર્વક વર્ણવેલી છે તથા જનતામાં જાણીતી પણ થયેલી છે. પરંતુ એના આધ્યાત્મિક સંદર્ભનો વિચાર પણ આવશ્યક છે અને એવો વિચાર કરનારા માનવો-પંડિતો, વિદ્વાનો, કથાકારો કે કથારસિક શ્રોતાઓ બહુ ઓછા મળે છે. એવી પરિસ્થિતિ કોઇક વિરલ અપવાદને બાદ કરતા લગભગ સર્વત્ર દેખાય છે. એ આશીર્વાદરૂપ અથવા અભિનંદનીય નથી. કથાઓમાંથી જીવનોપયોગી સારસંદેશને ઝીલવાની કે ગ્રહણ કરવાની આવશ્યકતા સૌથી મોટી છે. એને સમજીને એનો લાભ લેવાની પદ્ધતિ આવકારદાયક અને આદર્શ લેખાશે.

એ દૃષ્ટિએ સમુદ્રમંથનની કથાને આધ્યાત્મિક સંદર્ભમાં સમજીએ એમાં કશું ખોટું નથી. ક્ષીરસાગર મંગલમય, મહામહિમાસભર, મૂલ્યવાન માનવજીવન છે. માનવની બે પ્રકારની ભાવનાઓ અથવા વૃત્તિઓ છેઃ દૈવી અને આસુરી. ગીતામાં એમને દૈવાસુર સંપત્તિ કહી છે. પ્રત્યેક માનવ પોતાના જીવનમાં પરમસુખની, પરમાનંદની, સનાતન શાંતિની અને મુક્તિ, પૂર્ણતા અથવા અમૃતમયતાની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે અને એ મહેચ્છાની પરિપૂર્તિ માટે પોતાની દૈવાસુર સંપત્તિના સંમિશ્રણવાળી વૃત્તિથી પુરુષાર્થ કે મંથન કરે છે. અમૃતની અભિલાષાથી પ્રેરાઇને થનારા જીવનના એ મંગલમય મહામંથનમાં મનરૂપી મંદરાચલ પર્વતની અને નિષ્ઠારૂપી-શ્રદ્ધાભક્તિ યુક્ત ઉત્સાહરૂપી વાસુકિ નાગની આવશ્યકતા પડે છે. એમની મદદથી માનવ-ખાસ કરીને સદ્દસદ્દબુદ્ધિથી સંપન્ન સુવિચારી સુધાભિલાષી જીવનની સાધનાનો સાધક માનવ નિત્યનિરંતર પુરુષાર્થ કરે છે. એ પુરુષાર્થમાં, અમૃતની ઉપલબ્ધિ માટેના સમુદ્રમંથનના એ મહાયજ્ઞમાં માનવની શુભ દૈવી વૃત્તિ સદાને સારુ પરમાત્મામાં જોડાઇને પરમાત્માના પડખે રહે છે.

પરંતુ માનવ પોતાના જીવનમાં અમૃતની આકાંક્ષાથી પ્રેરાઇને સતત પુરુષાર્થ કરે છે તો પણ એના એ પુરુષાર્થના પરિણામે એને સહેલાઇથી અમૃત મળે છે ખરું ? ના. જીવનના મહામંથનમાં પણ પેલા સમુદ્રમંથનની પેઠે સૌથી પહેલાં અમૃત નથી નીકળતું પણ વિષ નીકળે છે અને એનું પાન કરવા તૈયાર રહેવું પડે છે. સાત્વિક સુખનું વર્ણન કરતાં ગીતામાં કહેલું જ છે કે એ પહેલાં વિષમય હોય છે અને આખરે અમૃતમય.

એ વિષ એટલે શું ? વિરોધ, વિઘ્નો, વિપત્તિઓ, પ્રતિકૂળતાઓ અને પીડાઓ. સાધકના જીવનમાં એ તો આવે જ છે. તો પણ આદર્શ સાધકે એથી ડરી નથી જવાનું. એનાથી ગભરાઇને, હતોત્સાહ કે નાહિંમત બનીને પોતાના સાધનાત્મક પુરુષાર્થને મૂકી નથી દેવાનો. કોઇ પ્રકારનો પ્રમાદ પણ નથી સેવવાનો. પોતાની અંદર પડેલી પવિત્રતમ પ્રજ્ઞાને પ્રકટાવી તથા પ્રબળ બનાવીને એણે એ વિષનું ભગવાન શંકરની પેઠે કલ્યાણકારક દેવ બનીને પાન કરવાનું છે. પોતાની અંદરની દિવ્યતાને જગાડીને એની મદદથી ઉત્તરોત્તર આગળ વધનારો સાધક જીવનમાં જુદાં જુદાં મહામૂલ્યવાન રત્નોની પ્રાપ્તિ કરે છે અને આખરે જીવનની પરમસંસિદ્ધિના પરિણામરૂપે આત્મદર્શનના, શાશ્વત શાંતિના, સનાતન સુખના અથવા જીવનની ધન્યતાના અલૌકિક અમૃતની પ્રાપ્તિ કરે છે.

જીવનનું એ અલૌકિક અમૃત પરમાત્માની કૃપાથી જ મળતું હોય છે. એને માટે પરમાત્માનું સર્વભાવે સાચા દિલથી શરણ લેવાની અને પરમાત્માનો અખંડ સતત સંપર્ક સાધવાની આવશ્યકતા છે. એની પાછળ પરમાત્માનો અખંડ અનુગ્રહ જ કામ કરે છે. એ અલૌકિક અમૃતપાન જીવનને બધી રીતે કૃતાર્થ કરે છે. એ જીવનને અખંડ યૌવનમય-સ્ફુર્તિ, તાજગી તથા ચેતનાથી ભરપુર બનાવે છે ને સર્વે દોષોને દૂર કરીને પવિત્રતાની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે.

મોહિનીના પ્રસંગ દ્વારા ભાગવત એક બીજી મહત્વની વસ્તુ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે. દૈત્યો મોહિનીના સાચા સ્વરૂપને ના સમજવાથી એનાથી મોહાયા અને એની આગળ ભાન ભૂલી ગયા એ શું બતાવે છે ? એ જ કે પરમાત્માના સાચા સ્વરૂપને ના જાણવાથી જ માનવ બાહ્ય પદાર્થોને મહત્વના માને છે. એમનાથી મોહાય છે, અને એમની અંદર આસક્ત બનીને કેટલીક વાર વિપથગામી તેમ જ બરબાદ પણ બની જાય છે. માનવ જો સર્વત્ર ને સર્વકાળે પરમાત્માની ઝાંખી કરવાની ને સંસારને પરમાત્માના પ્રતીકરૂપે પેખવાની ટેવ પાડે તો નિર્ભય તથા નિર્મોહ બની જાય. એને સંસારનો કોઇ પણ પદાર્થ કે વિષય મંત્રમુગ્ધ ના કરે કે ભ્રાંત ના બનાવી શકે. સંસારમાં સૌથી વિશેષ મોહિની શરીરની મનાય છે. કોઇ એમાં મગ્ન છે, કોઇ પ્રતિષ્ઠામાં આસક્ત છે, તો કોઇક યુવાનીમાં તથા લક્ષ્મીમાં. એ સર્વે પ્રકારની મોહિનીમાંથી જે છૂટે છે એ જ અમૃતપાનનો આનંદ મેળવે છે.

અમૃતપાનનો આનંદ એટલો બધો અદ્દભુત અથવા અનોખો હોવાં છતાં એવા બધા વિચારોથી નાહિંમત બનીને, નિરાશ થઇને, બેસી નથી રહેવાનું પરંતુ એની અનુભૂતિ માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેવાનું ને ક્રમેક્રમે આગળ વધવાનું છે. જીવનવિકાસનો સાધક ડરપોક ના હોવો જોઇએ. એ ખૂબ જ મહત્વકાંક્ષી હોવાની સાથે સાથે અખંડ આત્મશ્રદ્ધાથી, ધીરજથી, હિંમતથી, તરવરાટથી તથા ઉત્સાહથી અલંકૃત હોવો જોઇએ. એવો આદર્શ સાધક જ સફળ થઇ શકે. એ જ જીવનની પરમ સંસિદ્ધિના અલૌકિક અમૃતપાનથી ધન્ય બની શકે.

 

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *