Friday, 12 July, 2024

Adhyay 1, Pada 1, Verse 01

108 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 01

Adhyay 1, Pada 1, Verse 01

108 Views

१. अथातो ब्रह्मजिज्ञासा ।

અર્થ
અથ = હવે. એટલા માટે.
અતઃ = અહીંથી.
બ્રહ્મજિજ્ઞાસા = બ્રહ્મવિષયક જિજ્ઞાસા અથવા વિચારણાનો આરંભ થાય છે.

ભાવાર્થ
પ્રથમ પાદના આ પ્રથમ સૂત્રમાં બ્રહ્મવિષયક વિચારણા અથવા જિજ્ઞાસાના આરંભની વાત કહેવામાં આવી છે તે સહેલાઈથી સમજી શકાય તેવી છે. બ્રહ્મવિષયક વિચારણા એટલે બ્રહ્મ, પરબ્રહ્મ અથવા પરમાત્મતત્વ સાથે સંબંધ ધરાવનારી સાધારણ અથવા અસાધારણ, નાની મોટી, સ્થૂલ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ – સર્વ પ્રકારની, સર્વગ્રાહી, બની શકે તેટલી વિસ્તૃત વિચારણા. જે વિચારણા બ્રહ્મને પૂરતો ન્યાય કરે અને જેની પરિસમાપ્તિ પછી બીજી કોઈ વિચારણા શેષ ના રહે. જે જિજ્ઞાસા સર્વ પ્રકારની પરમાત્મા સંબંધી જિજ્ઞાસાનો સમ્યક્ સંતોષકારક પ્રત્યુત્તર પુરો પાડે અને એને સંપૂર્ણપણે સફળ તથા શાંત કરે તેવી જિજ્ઞાસા.

એનો એક સૂચિતાર્થ એવો છે કે આ ગ્રંથના રચયિતા મહર્ષિ વ્યાસ એની અંદર પરબ્રહ્મ પરમાત્મા વિશેની સઘળી શાસ્ત્રવિષયક અને સ્વાનુભવપૂર્ણ માહિતીને સમાવી લઈને તે સંબંધી જિજ્ઞાસાને સંતોષવા માગે છે. પરંતુ એની સાથે સાથે એ સૂત્રનો એક બીજો સૂચિતાર્થ પણ સમજવા જેવો છે. એના આરંભમાં અથ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ શું દર્શાવે છે ? એનો પ્રયોગ પરંપરાગત રીતે કેવળ કરવાને ખાતર જ કરવામાં આવ્યો છે કે એમાં કશુંક નોંધપાત્ર રહસ્ય રહેલું છે ? હવે અથવા એટલા માટે બ્રહ્મની જિજ્ઞાસા થાય છે એટલે શું માણસે પોતાના જીવનમાં દુન્યવી પદાર્થોની પ્રાપ્તિનો પુરુષાર્થ અલ્પ અથવા અધિક પ્રમાણમાં કરી લીધો છે. એના પરિણામે થોડી ઘણી સંપત્તિ પણ મેળવી છે. સંસારના ભોગોને ભોગવ્યા છે. તો પણ એના અંતરાત્માને શાંતિ નથી. યજ્ઞ, તપ, દાન જેવાં શાસ્ત્રોક્ત કર્મો પણ એને સંપૂર્ણપણે નથી સંતોષી શક્યાં. યોગની આરંભની ક્રિયાઓ અને પરંપરાગત ઉપરઉપરની સ્થૂલ ઉપાસના કે ભક્તિ પણ એને કૃતાર્થ નથી કરી શકી. એ સઘળાનું અનુષ્ઠાન એને અધુરું લાગ્યું છે. પરમાત્માને પરોક્ષ અને અપરોક્ષ રીતે જાણ્યા વિના જીવનની સાચી ને સંપૂર્ણ ધન્યતા કે સાર્થકતા નહિ થઈ શકે એ હકીકત એને સારી પેઠે સમજાઈ ગઈ છે. એટલા માટે જ એની અંદર બ્રહ્મની અથવા પરમાત્માની જિજ્ઞાસાનો ઉદય થયો છે. પ્રકૃતિનો અનુભવ પોતાના ગજા પ્રમાણે કર્યા પછી પરમાત્માને પામવાનો કે જાણવાનો વિચાર પ્રબળ બન્યો છે.

એ દૃષ્ટિએ જોઈએ તો અથ શબ્દમાં બ્રહ્મજિજ્ઞાસા અથવા આત્મજ્ઞાનના અધિકારનો સૂક્ષ્મ સંકેત કરવામાં આવ્યો છે. વ્યક્તિએ પોતાના જીવનના આત્મિક અભ્યુદય અને પરિત્રાણને માટે પરમાત્માને જાણવાની કે પામવાની ઈચ્છાને જગાવીને પરમાત્મપરાયણ તથા પરમાત્મદર્શી બનવું જ પડશે. એ સિવાય જીવનની મૂળભૂત સનાતન સમસ્યાઓને ઉકેલવાનો ને શાશ્વત શાંતિની પ્રાપ્તિનો બીજો કોઈ માર્ગ નથી. બ્રહ્મસૂત્ર એ મંગલ માર્ગ તરફ પોતાની આગવી રીતે અંગુલિનિર્દેશ કરી બતાવે છે. એ અંગુલિનિર્દેશ એ જમાનાની જેમ આજના અને ભવિષ્યના બધા જ જમાનાઓને માટે ઉપયોગી થઈ પડે તેવો છે. કારણ કે આજે પણ માનવનું અતૃપ્ત, આર્ત, અશાંત અંતર સુખ, શાંતિ અને સંતૃપ્તિની આકાંક્ષા રાખી રહ્યું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *