Wednesday, 24 July, 2024

Adhyay 1, Pada 4, Verse 10-12

101 Views
Share :
Adhyay 1,  							Pada 4, Verse 10-12

Adhyay 1, Pada 4, Verse 10-12

101 Views

१०. कल्पेनापदेशाज्र  मध्वदविरोधः ।

અર્થ
કલ્પનોપદેશાત્ = અહીં અજાને રૂપક માનીને એના ત્રિવિધ રૂપની કલ્પનાથી ઉપદેશ કરવામાં આવ્યો છે તેથી. 
ચ = પણ 
મધ્વાદિવત્ = મધુ વિગેરેની જે. 
અવિરોધઃ = વિરોધ નથી થતો.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં રૂપકની કલ્પના દ્વારા સૂર્યને મધુ ના હોવા છતાં મધુ કહ્યો છે. બૃહદારણ્યક ઉપનિષદમાં વાણીને ધેનુ ના હોવા છતાં પણ ધેનુ કહી છે, તથા દ્યુલોકાદિને અગ્નિ કહ્યા છે. એવી રીતે અહીં પણ પરમાત્માની પરમશક્તિને અજા કહીને એના ત્રણ રંગ વર્ણવ્યા છે તેમાં કશું ખોટું નથી થતું. વર્ણનને રોચક કરવા રૂપકનો આધાર લઈ શકાય છે.

११. न संख्योषसंग्रहादपि नानाभावादतिरेंका ञ्च ।

અર્થ
સંખ્યોપસંગ્રાહત્ = સંખ્યા બતાવી હોવાથી. 
અપિ = પણ
ન = તે સાંખ્ય શાસ્ત્રોક્ત તત્વોની ગણના નથી.
નાનાભાવાત્ = એ સંખ્યા બીજા અનેક ભાવોને દર્શાવનારી હોવાથી.
ચ = અને
અતિરેકાત્ = ત્યાં એનાથી વધારેનું પણ વર્ણન હોવાથી.

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘જેની અંદર પાંચ પંચજન અને આકાશ પણ પ્રતિષ્ઠિત છે એ આત્માને મૃત્યુરહિત હું વિદ્વાન અમૃત સ્વરૂપ બ્રહ્મ માનું છું.’
यस्मिन् पश्च पञ्चजना आकाशसश्च प्रतिष्टितः ।
तमेव मन्य आत्मनं  विद्वान् ब्रह्मामृतोङमृतम् ॥

એ શ્લોકમાં ‘पञ्च पञ्च’ એવા સંખ્યા સૂચવતા શબ્દો આવ્યા છે એમના પરથી પચીસ તત્વોની કલ્પના કરવામાં આવે તો તે યોગ્ય નથી. કારણ કે એ સંખ્યાવાચક શબ્દ જુદા જુદા બીજા ભાવોને બતાવે છે. એ શબ્દો દ્વારા પચીસ સંખ્યા માનવામાં આવે તો પણ એ શ્લોકમાં એ ઉપરાંત આકાશ અને આત્માનું પણ વર્ણન હોવાથી એમની સાથે સત્તાવીસ તત્વો થાય છે. એવી રીતે એ તત્વસંખ્યા સાંખ્યશાસ્ત્રની તત્વસંખ્યાથી વધી જાય છે. એટલે વેદ અથવા ઉપનિષદમાં સાંખ્યશાસ્ત્રાક્ત સ્વતંત્ર પ્રધાનનું કે પચીસ તત્વોનું વર્ણન નથી કરવામાં આવ્યું એવું માનવાનું બરાબર છે. બૃહદારણ્યક ઉપનિષદના पञ्च पञ्चजनाः શબ્દો દ્વારા પરબ્રહ્મ પરમાત્માની વિચિત્ર કાર્યશક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

१२. प्राणादयो  वाक्यशेषात् ।

અર્થ
વાક્યશેષાત્ = પાછળના વાક્યથી.
પ્રાણાદયઃ = પ્રાણ તથા ઈન્દ્રિયો જ ગ્રહણ કરવા યોગ્ય છે. 

ભાવાર્થ
ઉપર કહેલા બૃહદારણ્યક ઉપનિષદના શ્લોક પછીનો શ્લોક આ પ્રમાણે છેઃ –
प्राणस्य प्राणमुत चक्षुषश्चक्षुरूत श्रोत्रस्य श्रोत्रं मनसो ये मनो विदुः ।
ते निचिक्युर्ब्रह्म पुराणमञ्चम् ॥
‘જે વિદ્વાન પુરૂષ પ્રાણના પ્રાણ, ચક્ષુના ચક્ષુ, શ્રોત્રના શ્રોત્ર અને મનના મનને જાણે છે તે એ સૌના મૂળાધાર જેવા આદિ પરમાત્માને જાણી લે છે.’

એ શ્લોકમાં પ્રાણના પ્રાણ, ચક્ષુના ચક્ષુ, શ્રોત્રના શ્રોત્ર અને મનના મનરૂપે બીજા કોઈનો નહિ પરંતુ પરમાત્માનો જ નિર્દેશ કરેલો છે. એટલે પહેલાંના શ્લોકમાં ‘पञ्च पञ्चजनाः’ શબ્દો દ્વારા પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ જેવી પરમાત્માની શક્તિઓનું જ વર્ણન કરેલું છે. એ શબ્દો દ્વારા બીજા કશાનું ગ્રહણ નથી કરવા જેવું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *