Wednesday, 24 July, 2024

Adhyay 2, Pada 4, Verse 03-05

104 Views
Share :
Adhyay 2,  							Pada 4, Verse 03-05

Adhyay 2, Pada 4, Verse 03-05

104 Views

३. तत्प्राक् छ्रुतेश्च ।

અર્થ
તતત્પાક્ છ્રુતેઃ = શ્રુતિએ આકાશાદિ તત્વોની પહેલાં ઈન્દ્રિયોની ઉત્પત્તિ કહી છે એથી.
ચ = પણ. (તેજ આદિથી વાક્ આદિ ઈન્દ્રિયની ઉત્પત્તિ કહેનારી શ્રુતિ ગૌણ છે.)

ભાવાર્થ
ઉપરના સૂત્રના અનુસંધાનમાં જ આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે શતપથ બ્રાહ્મણમાં તથા મુંડકોપનિષદમાં ઈન્દ્રિયોની ઉત્પત્તિ પંચમહાભૂતોની પહેલાં કહેલી છે. ઉપનિષદના એ વર્ણન કે કથનને મિથ્યા ના માની શકાય. એ કથન પ્રમાણભૂત છે. એ કથનથી સિદ્ધ થાય છે કે ઈન્દ્રિયોની ઉત્પત્તિ આકાશાદિ પંચમહાભૂતોમાંથી નથી થઈ. એના પરથી પુરવાર થાય છે કે તેજ આદિથી વાણી વિગેરે ઈન્દ્રિયોની ઉત્પત્તિ કહેનારી શ્રુતિ ગૌણ છે. એને વધારે પડતું મહત્વ ના આપવું જોઈએ, અને આપવામાં આવે તો પણ એનો ભાવાર્થ જ લેવો જોઈએ.

४. तत्पूर्वकत्वाद्वाचः ।

અર્થ
વાચઃ = વાણીની ઉત્પત્તિનું વર્ણન.
તત્પૂર્વકત્વાત્ = ત્રણે તત્વોની અંદર એ પરમાત્માના પ્રવેશ પછીનું છે તેથી (તેજથી એની ઉત્પત્તિ સૂચવનારી શ્રુતિ ગૌણી છે.)

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ‘એ ત્રણ તત્વરૂપ દેવતાઓમાં જીવાત્મા સાથે પ્રવેશીને પરમાત્માએ નામ રૂપાત્મક જગતની રચના કરી.’ એમાં જગતની ઉત્પત્તિ પરમાત્માના પ્રવેશ સાથે બતાવી છે. એથી સાબિત થાય છે કે પરમાત્મામાંથી જ ઈન્દ્રિયોની ઉત્પત્તિ થઈ છે. તેજ આદિ તત્વોથી નથી થઈ. એટલે તેજથી વાણીની ઉત્પત્તિ સૂચવનારી શ્રુતિને ગૌણ માનવી જોઈએ.

५. सप्त गतेर्विशेषितत्वाञ्च ।

અર્થ
સપ્ત = ઈન્દ્રિયો સાત છે.
ગતેઃ = કારણ કે સાત જ જણાય છે.
ચ = અને.
વિશેષિતત્વાત્ = સપ્ત પ્રાણા: કહીને ઉપનિષદે સપ્ત પદનો પ્રાણો કે ઈન્દ્રિયોના વિશેષણ તરીકે પ્રયોગ કર્યો છે તેથી.
 
ભાવાર્થ
ઉપનિષદમાં ક્યાંક પ્રાણોના નામથી ઈન્દ્રિયોની ઉત્પત્તિનું વર્ણન કરેલું છે ત્યાં ઈન્દ્રિયોને સાત કહી છે. મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે ‘સાત પ્રાણ એટલે કે આંખ, કાન, નાક, જીભ, ચામડી, વાણી અને મન એ સાત ઈન્દ્રિયો જેમની અંદર વિચરે છે તે લોકો સાત છે.’

सप्त प्राणाः प्रभवंति तस्मात् सप्तार्चिषः समिधः सप्त होमाः ।
सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशया निहताः सप्त सप्त ॥

એમાં ઈન્દ્રિયોને માટે સપ્ત શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી ઈન્દ્રિયો સાત છે, એવું માનવાનું બરાબર છે. ઈન્દ્રિયો ખરેખર કેટલી છે તેનો નિર્ણય કરવા માટે આ પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એમાં આ સૂત્ર દ્વારા પૂર્વપક્ષીની વિચારસરણીને રજૂ કરવામાં આવી છે. હવે પછીના સૂત્ર દ્વારા એ વિચારસરણીનો ઉત્તર આપવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *