Monday, 22 July, 2024

Adhyay 3, Pada 3, Verse 10-12

77 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 10-12

Adhyay 3, Pada 3, Verse 10-12

77 Views

१०. सर्वाभेदादन्यत्रेमे ।

અર્થ
સર્વાભેદાત્ = સર્વસ્વરૂપ પરમાત્મા વિષયક વિદ્યા દ્વારા.
અન્યત્ર = બીજી વિદ્યાના સંબંધમાં.
ઈમે = એ પૂર્વ સૂત્રોમાં કહેલા સઘળા હેતુઓનો ઉપયોગ છે.
 
ભાવાર્થ
પરમાત્મા સર્વશ્રેષ્ઠ, સર્વાધીશ, અને સર્વસ્વરૂપ છે. એમના રહસ્યનું ઉદ્ ઘાટન તથા પ્રતિપાદન કરનારી વિદ્યાઓમાં કશો મૂળગત તાત્વિક ભેદ નથી રહેતો. એમનાં પ્રકરણ, નામ અને વર્ણન જુદાં હોય તેથી પ્રયોજન પણ જુદાં છે એવું ના કહી શકાય. વિદ્યા અથવા બ્રહ્મવિદ્યાઓની એકતા માટે એમનાં નામ, પ્રકરણ અને વર્ણન એક જ અને એક જ જાતનાં હોવાં જોઈએ એવો ચોક્કસ નિયમ ના બાંધી શકાય. એમનું હાર્દ એક હોવું જોઈએ. પરમાત્માનું પ્રતિપાદન નહિ કરનારી બ્રહ્મવિદ્યા સિવાયની બીજી વિદ્યાઓની પારસ્પરિક ભિન્નતા કે અભિન્નતાનો નિર્ણય કરવા માટે એમની સાથે સંકળાયલા પ્રકરણ, સંજ્ઞા અથવા નામ અને શબ્દ એ ત્રણે હેતુઓનો વિચાર કરવો જોઈએ અને એમનું સમુચિત મહત્વ પણ માનવું જોઈએ. બ્રહ્મવિદ્યાઓના સંબંધમાં એમના વિચારની એટલી આવશ્યકતા નથી લાગતી.

११. आनन्दादयः प्रधानस्य ।

અર્થ
આનન્દાદય = આદિ.
પ્રધાનસ્ય = સર્વેશ્વર પરમાત્માના ધર્મ છે.
(એ ધર્મોનો પરમાત્માના વર્ણનમાં બીજા પણ અધ્યાહાર કરવામાં આવે છે.)

ભાવાર્થ
આનંદ, રસ, સર્વગતત્વ, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા પરમાત્માના ગુણધર્મો છે. શ્રુતિમાં એ ગુણધર્મોનું વર્ણન એક સ્થળે કરવામાં આવ્યું હોય અને બીજે ઠેકાણે ના કરવામાં આવ્યું હોય તો પણ, બીજે ઠેકાણે એ ગુણધર્મોને અધ્યાહાર રહેલા સમજીને પરમાત્માને માટે પ્રયોજવા જોઈએ. પરમાત્મા સર્વત્ર સમાન હોવાથી એમના ગુણધર્મોમાં ભેદ નથી. તૈત્તિરીય ઉપનિષદમાં આનંદમય પુરૂષના વર્ણનમાં આવેલા પક્ષીના રૂપકમાં જે શબ્દોનું વર્ણન છે તે પરમાત્મા સંબંધી શબ્દોનો ભાવ અન્યત્ર ના હોય તો પણ લઈ શકાય છે.

१२. प्रियशिरस्त्वाद्यप्राप्तिरूपचयापचयौ हि भेदे ।

અર્થ
પ્રિયશિરસ્ત્વાદ્યપ્રાપ્તિઃ = ‘પ્રિયશિરસ્ત્વ’ – ‘પ્રિયરૂપ શિરનું હોવું’  જેવા ધર્મોની પ્રાપ્તિ બીજે ઠેકાણે બ્રહ્મવિદ્યાના પ્રકરણમાં નથી થતી.
હિ = કારણ કે.
ભેદે = એવી રીતે શિર આદિ અંગોનો ભેદ માની લેવાથી
ઉપચયાપચયૌ = પરમાત્મામાં વધવા-ઘટવાનો દોષ પેદા થશે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં પક્ષીનું રૂપક આપીને પરમાત્માનાં જુદાં જુદાં અંગોની કલ્પના કરીને કહ્યું છે કે પ્રિય એમનું મસ્તક છે, મોદ જમણી અને પ્રમોદ ડાબી પાંખ છે, આનંદ આત્મા છે, અને બ્રહ્મ પૂછડું તથા પ્રતિષ્ઠા છે. એ તો એક કલ્પના અને ઉપનિષદના એ વર્ણન પુરતી મર્યાદિત છે. એવી કલ્પનાનું વર્ણન બ્રહ્મવિદ્યાના પ્રકરણમાં બીજે ઠેકાણે પણ આવવું જોઈએ એવું નથી. એ અવયવોને પરમાત્માના ગુણધર્મો ના માની શકાય. પરમાત્માને અવયવવાળા માનવાથી અનંત માનવાને બદલે મર્યાદાવાળા માનવા પડશે અને એમની અંદર અભિવૃદ્ધિ તથા હ્રાસની પ્રક્રિયા પેદા થશે. કારણ કે અવયવો એકસરખી અવસ્થામાં નહિ રહે.  

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *