Wednesday, 24 July, 2024

Adhyay 4, Pada 1, Verse 04-06

94 Views
Share :
Adhyay 4,  							Pada 1, Verse 04-06

Adhyay 4, Pada 1, Verse 04-06

94 Views

४. न प्रतीके न हि सः ।

અર્થ
પ્રતીકે = પ્રતીકમાં
ન = આત્મભાવ ના કરવો જોઈએ. 
હિ = કેમ કે
સઃ = એ
ન = ઉપાસકનો આત્મા નથી.

ભાવાર્થ
પ્રતીકોપાસના એટલે જુદા જુદા પદાર્થોને પરમાત્માના પ્રતીક કે પ્રતિનિધિ સમજીને, એમની અંદર પરમાત્માનો ભાવ રાખીને, કરવામાં આવતી ઉપાસના. છાંદોગ્ય ઉપનિષદમાં એવી પ્રતીકોપાસનાનો નિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે કે મન બ્રહ્મ છે એવી ઉપાસના કરવી; આકાશ બ્રહ્મ છે એવી ઉપાસના કરવી;  આદિત્ય બ્રહ્મ છે એમ માની ઉપાસના કરવી. એવી પ્રતીકોપાસના વખતે જે પ્રતીકને પસંદ કરવામાં આવે છે તે પ્રતીક ઉપાસકનો આત્મા નથી હોતો, એટલે એમાં પોતાના અંતરાત્માની ભાવના ના કરવી જોઈએ. પ્રતીકને પરમાત્માનું માનીને એનો આધાર લઈને ઉપાસના કરવામાં આવે છે ત્યારે એની અંદર જે પરમાત્મા છે તે ઉપાસકના આત્મા છે એવું માની શકાય છે પરંતુ એ સંપૂર્ણ પ્રતીક ઉપાસકના પોતાના આત્માનું છે, એવું નથી માની શકાતું.

५. ब्रह्मद्दष्टिरूत्कर्षात् ।

અર્થ
ઉત્કર્ષાત્ = પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ હોવાથી.
બ્રહ્મદ્દષ્ટિઃ = પ્રતીકમાં બ્રહ્મદૃષ્ટિ કે પરમાત્મા દૃષ્ટિ કરવી જોઈએ.

ભાવાર્થ
પ્રતીકોપાસના કરતી વખતે પ્રતીકની અંદર પરમાત્મભાવ કરવો જોઈએ. એની અંદર પરમાત્મા છે અને એ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે એવું સમજવું જોઈએ. એને બદલે પરમાત્માની અંદર પ્રતીકના ભાવને આરોપિત કરવાની જરૂર નથી. પરમાત્મા સૌથી ઉત્તમ છે એટલે એમની અંદર બીજી ઉતરતી વસ્તુઓની ભાવના ન કરતાં ઉત્તમ વસ્તુઓની જ ભાવના કરવી જોઈએ. પુષ્પમાં પરમાત્મા છે તથા પુષ્પ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે એવું કહી શકાય, પરંતુ પરમાત્મામાં પુષ્પ છે ને પરમાત્મા પુષ્પ જ છે એવું ના કહી શકાય.

કોઈ પણ પદાર્થને પરમાત્માના પ્રતીક તરીકે માનીને જે ઉપાસના કરવામાં આવે છે તે ઉપાસના પરમાત્માની જ ઉપાસના થઈ જાય છે અને ફળદાયક બને છે.

६. आदित्यादिमतयश्चाङ्ग उपपत्तेः ।

અર્થ
ચ = અને. 
અંગે = કર્મના અંગભૂત ઉદ્ ગીથ આદિમાં.
આદિત્યાદિમતયઃ = આદિત્ય આદિની બુદ્ધિ કરવી જોઈએ.
ઉપપત્તેઃ = કારણ કે એ જ મુક્તિયુક્ત છે.

ભાવાર્થ
કર્મના અંગભૂત ઉદ્ ગીથ આદિમાં આદિત્ય આદિની ભાવના કરીને ઉપાસના કરવાનું વિધાન છાંદોગ્ય ઉપનિષદમાં કરવામાં આવ્યું છે તે પ્રમાણે કરવું જોઈએ. એવું કરવાથી કર્મસમૃદ્ધિ રૂપી ફળની પ્રાપ્તિ કે સિદ્ધિ થાય છે. આત્મભાવ કરવાથી એવું ફળ નથી મળતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *