Saturday, 21 December, 2024

અર્જુન અને દુર્યોધન

449 Views
Share :
અર્જુન અને દુર્યોધન

અર્જુન અને દુર્યોધન

449 Views

{slide=Arjuna and Duryodhan}

Duryodhan and Arjun, both planned a visit to Dwarka to solicit Lord Krishna’s assistance for the upcoming battle. Incidentally, both reached Krishna’s place at a time when Lord Krishna was resting. Waiting for Krishna to wake up, Duryodhan occupied a seat close to Krishna’s face, expecting Lord Krishna would see him first. Arjun chose a place at Krishna’s feet. When Lord Krishna woke up, he saw Arjun first.

Upon knowing their intent of visit, Lord Krishna made it clear that his vast army will assist one side, while he himself will assist the other. He personally would not bear any arms nor would he take a direct part in the battle. Arjun still chose Lord Krishna over his mighty army. Duryodhan was very happy to have Krishna’s army on his side, as for him, Krishna without arms was not of much use in the battlefield. Later, Lord Krishna asked Arjun as to why he chose him, knowing that he will not fight in the war. Arjun disclosed that he was so certain that having Krishna on his side would mean victory for him. In our life too, we have a to make a conscious choice whether to be like Arjun or like Duryodhan.

It would be interesting to note that Balram, Krishna’s elder brother, took a neutral stand and decided not to get involve with either of factions directly.
 

પુરોહિતને હસ્તિનાપુરમાં કૌરવો પાસે મોકલ્યા પછી પાંડવોએ જુદા જુદા રાજાઓને સાચી પરિસ્થિતિથી સુપરિચિત કરવા માટે એમની પાસે પોતાના દૂતોને મોકલ્યા.

દુર્યોધને પોતાના પરમવિશ્વાસુ ગુપ્તચરો દ્ધારા પાંડવોની સઘળી માહિતી મેળવી લીધી.

શ્રીકૃષ્ણ પાંડવોની વિદાય લઇને દ્વારકાપુરી જવા વિદાય થયા છે એવું જાણીને એણે વાયુવેગે ઉત્તમ ઘોડાવાળા રથમાં બેસીને, થોડી છતાં શક્તિશાળી સેના સાથે, એમની શુભેચ્છા સાથે, આહલાદક અને અતિશય આકર્ષક આનર્તનગરીમાં પ્રવેશવા પ્રસ્થાન કર્યુ.

પાંડુનંદન અર્જુને પણ એ જ દિવસે સર્વ શુભેચ્છોકોની સાથે પરામર્શ કરી, એમની શુભેચ્છા સાથે, આહલાદક અને અતિશય આકર્ષક આનર્તનગરીમાં પ્રવેશવા પ્રસ્થાન કર્યુ.

એ બંને દ્વારકાપુરીમાં લગભગ એકસાથે પ્રવેશ્યા અને કૃષ્ણ પાસે પહોંચ્યા ત્યારે કૃષ્ણ નિદ્રાધીન હતા.

 કૃષ્ણના શયનખંડમાં સૌથી પ્રથમ પ્રવેશી દુર્યોધને એમના ઉશીકા પાસેના એક ઉત્તમ આસન પર બેસવાનું પસંદ કર્યું.

અર્જુને એની પાછળ પ્રવેશીને, કૃષ્ણને પૂજ્યભાવે પ્રણામ કરીને, એમના પગ પાસે ઊભા રહેવાનું પસંદ કર્યું.

દુર્યોધનનો અને અર્જુનનો વ્યક્તિગત વિરોધાભાસી વ્યવહાર એમના વ્યક્તિત્વની વિભિન્નતાને રજૂ કરે છે. દુર્યોધનને રાજા તરીકેનું અસાધારણ અભિમાન હોવાથી એ અક્કડ રહ્યો,  કૃષ્ણને પગે ના લાગ્યો, ને કૃષ્ણના મસ્તક પાછળ બેસી ગયો. એની એ પ્રવૃત્તિ એના અંતઃસ્થ અહંકાર અને એમાંથી અનાયાસે ઉદભવેલા તેમજ પરિપુષ્ટિ પામેલા અવિનયની સૂચક અથવા પરિચાયક છે. એથી ઉલટું, અર્જુનની પ્રવૃત્તિ પરમ પ્રેમમય તથા નમ્ર છે. એનો વ્યવહાર એની સ્વભાવસહજ સરળતા, સહજતા, અને નિખાલસતાનો સૂચક છે. એ વધારે સારો અને સાચો લાગે છે.

સૂતેલી વ્યક્તિ જાગીને આંખ ઉઘાડે તો એની દૃષ્ટિ સૌથી પ્રથમ ક્યાં પડે ? સ્વાભાવિક રીતે જ સામેની વ્યક્તિ કે વસ્તુ પર.

કૃષ્ણના સંબધમાં એ વાત વાસ્તવિક કે યથાર્થ ઠરી.

એ જાગ્રત થયા એટલે એમની દૃષ્ટિ સૌથી પ્રથમ અર્જુન પર પડી.

કેટલી બધી દૈવી, પ્રેમમયી, કરુણાત્મિકા, પવિત્ર, પારદર્શક દૃષ્ટિ !

અર્જુને એથી ધન્યતા અનુભવી.

કૃષ્ણે ઉભયને આવકારીને સુયોગ્ય રીતે સત્કાર્યા.

એ પછી એમના આગમનના પ્રયોજન વિશે પૂછયું ત્યારે દુર્યોધને હળવાશથી હસતો હોય તેમ જણાવ્યું કે તમારે મારી સાથે અને અર્જુનની સાથે મિત્રતા છે. અમારી બન્ને સાથેનો તમારો સંબંધ પણ સરખો છે. હું તમારી પાસે આજે પ્રથમવાર જ આવી રહ્યો છું. પરંપરાગત પ્રથાને અનુસરનારા સત્પુરુષો પ્રથમ આવનાર પક્ષને પ્રથમ પસંદગી આપતા હોય છે. તમે સમાજના સઘળા સત્પુરુષોમાં શ્રેષ્ઠ તથા સન્માનનીય ગણાવ છો. માટે સત્પુરુષોના પ્રસ્થાપિત પવિત્ર અસાધારણ આચારનું પાલન કરીને પાંડવો સાથેના ભાવિ સંભવિત સંગ્રામમાં મારા પક્ષમાં રહીને અમને સર્વ પ્રકારની સહાયતા પહોંચાડવાનું વચન આપો.

શ્રીકૃષ્ણે સ્મિતસહિત જણાવ્યું  કે તમે પ્રથમ આવ્યા છો એ વિશે મને શંકા નથી; પરંતું મેં તો પૃથાપુત્ર અર્જુનને જ પ્રથમ જોયો છે. તેથી હું તમને બંનેને સહાય કરીશ. પરંતુ બાળકોની ઇચ્છાને પ્રથમ પૂર્ણ કરવી એવી શ્રુતિ છે. તેથી તમારાથી નાના આ પૃથાપુત્ર અર્જુનની ઇચ્છાને પ્રથમ પૂર્ણ કરવી જોઇએ. મારી પાસે મારા જેવા સુદ્રઢ શક્તિશાળી શરીરવાળા નારાયણ નામથી પ્રખ્યાત થયેલા દશ કરોડ મહાન ગોવાળિયા છે. તે સર્વ સંગ્રામના સર્વોત્તમ યોદ્ધાઓ છે. આથી યુદ્ધમાં અસહ્ય એવા તે ગોપો એકલા સૈનિક થઇને રહેશે; તો બીજી તરફ શસ્ત્રોને ના ઉઠાવનારો અને સંગ્રામમાં યુદ્ધ ના કરનારો હું રહીશ. અર્જુન, આ બેમાંથી તને જે વધારે રુચતું હોય તે પ્રથમ માગી લે, કારણ ધર્મ પ્રમાણે પ્રથમ તારી ઇચ્છાને પૂર્ણ કરવી જોઇએ.

શ્રીકૃષ્ણે એ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર ધનંજયે સર્વ ક્ષત્રિયોમાં તેમજ દેવો તથા દાનવોમાં અગ્રગણ્ય, અજન્મા છતાં સ્વેચ્છાથી જ મનુષ્યલોકમાં અવતરેલા, સાક્ષાત્ નારાયણ એવા શત્રુનાશન અને યુદ્ધમાં નહિ ઊતરનારા કેશવને જ માંગી લીધા.

અર્જુને તેમને માંગી લીધા એટલે દુર્યોધને સઘળા ગોવાળ સૈન્યને માંગી લીધું. દુર્યોધન હજારો અને લાખો યોદ્ધાઓને મેળવીને તથા કૃષ્ણને યોદ્ધાઓ વિનાના કરેલા જાણીને એવી રીતે અતિશય આનંદ પામ્યો.

પછી ભયંકર બળવાળો દુર્યોધન મહાબળવાન રોહિણીનંદન બલરામની પાસે ગયો. ત્યાં તેણે તેમને પોતાના આગમનનો હેતુ જણાવ્યો. ત્યારે શૂરસેનપૌત્ર બળરામે એને જણાવ્યું કે મેં તો એવો નિશ્ચય કર્યો છે કે મારે અર્જુનને પણ સહાય કરવી નહીં અને તને પણ સહાય કરવી નહીં. તું સર્વ રાજાઓથી પૂજાતા ભરતવંશમાં જન્મ્યો છે. માટે જા, ક્ષત્રિયધર્મને અનુસરીને યુદ્ધ કર.

બલદેવે એ પ્રમાણે કહ્યું ત્યારે દુર્યોધન તેમને ભેટ્યો અને શ્રીકૃષ્ણને સેના તથા શસ્ત્ર વિનાના ખાલી કરી નાખ્યા છે માટે યુદ્ધમાં પોતાનો જ જય છે એમ માનવા લાગ્યો.

તે પછી ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધન રાજા કૃતવર્માની પાસે ગયો. કૃતવર્માએ એને એક અક્ષૌહિણી સેના આપી.

દુર્યોધન તે સર્વશ્રેષ્ઠ સેનાથી વીંટળાઇ પ્રસન્ન થયો અને સ્નેહીઓને હર્ષ પમાડતો હસ્તિનાપુર ગયો.

દુર્યોધનના ગયા પછી પીતાંબરી જનાર્દન શ્રીકૃષ્ણે કિરીટધારી અર્જુનને પૂછ્યું કે હું યુદ્ધ કરવાનો નથી છતાં પણ તેં મને શા માટે માગી લીધો ?

અર્જુને જણાવ્યું કે હે પુરુષશ્રેષ્ઠ ! તમે તે સર્વને મારવા સમર્થ છો એમાં સંશય નથી. હું એકલો પણ તેમને હણવા સમર્થ છું. પરન્તુ જગતમાં તમે કીર્તિમાન હોવાથી તે યશ તમને પ્રાપ્ત થશે. હું યશની આકાંક્ષાવાળો હોવાથી મેં તમને માગી લીધા છે. તમે મારા સારથિ થાઓ એવો મારો સંકલ્પ છે. માટે મારી દીર્ધકાલીન કામનાને પૂરી કરો,

શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ થવા માટે તૈયાર થયા એથી અર્જુન આનંદ પામ્યો.

મહાભારતના ઉદ્યોગપર્વના સાતમા અધ્યાયનો એ પ્રસંગ શું દર્શાવે છે ? અર્જુનનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ. એ અસાધારણ અમાપ પ્રેમ તથા વિશ્વાસને લીધે જ એણે કૃષ્ણને, યુદ્ધ ના કરવાની પ્રતિજ્ઞા કરી હોવા છતાં એમની સંપૂર્ણ શસ્ત્રાસ્ત્રસજ્જ નારાયણી સેનાના સંમોહ અથવા સમાકર્ષણને છોડી દઇને, પોતાના પક્ષમાં રહેવાની પ્રાર્થના કરીને રથના સારથિ તરીકે પસંદ કર્યા.

રથના સારથિ એટલે વધારે સૂક્ષ્મ રીતે વિચારીએ તો, જીવનરથના પણ સારથિ જ ને !

દુર્યોધનમાં એવો પ્રેમ અને વિશ્વાસ ના હોવાથી એણે સેનાને ગ્રહણ કરીને કૃષ્ણને છોડી દીધા.

સંસારમાં દુર્યોધનની પેઠે મોટા ભાગના માનવો પ્રેયને મહત્વનું માનીને શ્રેયને છોડી દે છે; દુન્યવી વિષયોની મોહિનીમાં પડીને સત્યને તિલાંજલી આપે છે.

એ દુર્યોધનની જેમ દુઃખી થાય છે. અંતતોગત્વા અધઃપતનને પામે છે. બીજાને પણ અધઃપતન પમાડે છે.

દુર્યોધન અર્જુન જેવું ને જેટલું સમજી શકયો હોત તો ? એ સમજી શકત તો મહાભારતનું મહાયુદ્ધ અને એની પહેલાંની કૌરવ-પાંડવ વચ્ચેની કટુતા ના થાત.

કૃષ્ણનો પ્રબળ પવિત્ર પ્રેમભાવ પણ કેવો કે અર્જુનની પ્રાર્થનાને લક્ષમાં લઇને એ એના સારથિ થવા માટે તૈયાર થયા. સામાન્ય માનવની અંદર એવો નિર્વ્યાજ પ્રેમ ભાગ્યે જ હોઇ શકે. માનવે અર્જુન બનવું કે દુર્યોધન બનવું એ એના હાથમાં છે. કૃષ્ણ બનીને કોઇક વ્યક્તિ કે સમષ્ટિના જીવનરથના સફળ સારથિ થવાનું સદભાગ્ય તો કોઇ વિરલ પુરુષવિશેષને જ સાંપડી શકે. એવા સર્વોત્તમ સદભાગ્યની સરાહના કોણ કેવી રીતે કરી શકે ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *