Friday, 20 September, 2024

ભાગવતકથાનો વક્તા કેવો હોવો જોઈએ

243 Views
Share :
ભાગવતકથાનો વક્તા કેવો હોવો જોઈએ

ભાગવતકથાનો વક્તા કેવો હોવો જોઈએ

243 Views

 

ભાગવતમાહાત્મ્યના છેલ્લા અને છઠ્ઠા અધ્યાયમાં સપ્તાહયજ્ઞની વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે અને એની સાથે સંબંધ ધરાવનારી કેટલીક મહત્વની વસ્તુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભાગવતનો સપ્તાહયજ્ઞ સુયોગ્ય સમય જોઇને કરવો-કરાવવો જોઇએ અને એને માટે લગ્નને માટે જેટલો ધનપ્રબંધ કરવામાં આવે છે તેટલો ધનપ્રબંધ કરવો જોઇએ. એનો અર્થ એવો નથી કે નિર્ધન અથવા ઓછા ધનવાળા માનવો સપ્તાહયજ્ઞ કરી કે કરાવી ના શકે. એવો યજ્ઞ વ્યક્તિગત રીતે પણ કરી શકાય છે પરંતુ જેમની ઇચ્છા સમષ્ટિગત રીતે સામુહિકરૂપમાં કરવાની હોય એમને માટે વિવિધ પ્રચુર સાધનસામગ્રીની અને એને માટે ધનની આવશ્યકતા રહે છે જ.

કથાના આરંભ માટે ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, આષાઢ અને શ્રાવણના છ મહિના મોક્ષપ્રાપ્તિ માટે મહત્વના મનાય છે. એનો અર્થ એવો તો નથી જ કે બીજા મહિનાઓનું સપ્તાહપારાયણ કે કથાશ્રવણ નિરર્થક ઠરે છે તેમ જ મોક્ષપ્રાપ્તિમાં બાધક બને છે. એ પોતાનું ઇપ્સિત ફળ આપે જ છે.

એ સપ્તાહપારાયણનો કે કથાશ્રવણનો લાભ વધારે ને વધારે લોકો લઇ શકે એવી વ્યવસ્થા કરવી જોઇએ. સુંદર મંડપ બાંધવો જોઇએ.

ભાગવતનો વક્તા કેવો હોવો જોઇએ ? કેવળ બૌદ્ધિક પ્રતિભાથી સંપન્ન, મેઘાવી, શાસ્ત્રવિદ્, પંડિત કે પ્રવચનપટુ જ નહિ પરંતુ ભગવદ્દભક્ત, ભગવાનનો પ્રેમી અને ભગવાનની નિષ્ઠાવાળો. જે કેવળ આદર્શપ્રિય ના હોય પરંતુ આચાર પ્રેમી હોય. જે ભાગવતની કથાને શોખ, વ્યાપાર કે અર્થોપાર્જનનું સાધન સમજે છે તે વક્તા બનવાની યોગ્યતા નથી ધરાવતો. સાચો વક્તા કથાને સાધના માને છે ને જીવનની સંસિદ્ધિને સારુ એનો આધાર લે છે. એ દૈવી સંપત્તિથી સંપન્ન હોય છે ને વધારે ને વધારે સંપન્ન થવાની કોશિશ કરે છે. એ અનહંકારી અને રાગદ્વેષરહિત હોય છે. જે વિલાસી અથવા અસંયમી અને ઉદ્દંડ હોય એ આદર્શ વક્તા નથી થઇ શકતો. વક્તા ભગવદ્દભાવથી ભરપૂર હોય, કથાના ગૂઢ રહસ્યોને પ્રકટ કરવામાં કુશળ હોય, અને પોતે જે ઉપદેશ આપતો હોય તે પ્રમાણે જીવવામાં માનતો ને જીવતો હોય એ આવશ્યક મનાય છે. એવો વક્તા બીજી પર વિશેષ પ્રભાવ પાડી શકે છે. એના વિચાર, વચન અને વર્તનમાં એકરૂપતા હોય છે. એ બીજાના ઉદ્ધારનો દાવો નથી કરતો પરંતુ પોતાના ઉત્કર્ષમાં માનતો ને એને માટે પ્રયત્ન કરતો હોય છે. એ ધનનો લોભી નથી હોતો. એનું મન હંમેશા ભગવાનમાં રહેતું ને રમતું હોય છે.

એવા વિશુદ્ધ જીવનવાળા વક્તાના મુખમાંથી કથાનો જે પુણ્યપ્રવાહ વહે છે એ અનેકને  પાવન કરે છે. એની દ્વારા પ્રવાહિત થતી ભાગવતની ભાગીરથી અન્યને સારું શ્રેયસ્કર ઠરે છે.

જે વક્તા બીજાને માટે બોલે છે તે સામાન્ય કક્ષાનો છે. જે પોતાના લાભને માટે બોલે છે તે મધ્યમ કક્ષાનો અને જે બોલે છે તે પ્રમાણે જીવે છે તે ઉત્તમ કક્ષાનો કહેવાય છે. એવો વક્તા પોતાના વકતવ્ય સાથે એકરૂપ બની જાય છે. કથા કરતી વખતે એની અંદર સમય સમય પર અષ્ટ મહાભાવોનો ઉદય થાય છે ને કથા એને માટે ઇશ્વરની સ્વર્ગીય સંનિધિની સુખદ સ્વાનુભૂતિનું સાધન બની જાય છે.

એવા આદર્શ વક્તાઓ અથવા સાધકો વિરલ છે. સંસારમાં શાસ્ત્રી, પંડિત, ઉપદેશક અથવા આચાર્ય મળી શકે પરંતુ એવો અનુભવી વક્તાવિશેષ દુર્લભ છે. એનો મેળાપ થાય કે ના પણ થાય. તો પણ વિશેષ ને વિશેષ સુયોગ્ય વક્તાની પસંદગી તો કરવી જ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *