ભગવાન કૃષ્ણનું સ્વધામગમન
By-Gujju29-04-2023
ભગવાન કૃષ્ણનું સ્વધામગમન
By Gujju29-04-2023
ઉદ્વવે બદરીનાથની દિશામાં પ્રયાણ કર્યા પછીની ભગવાન કૃષ્ણની જીવનલીલા સ્વલ્પ સમયની છતાં પણ અવનવી અને અલૌકિક હતી. એ લીલાની પૂર્વભૂમિકા ખૂબ જ જાણીતી હોવા છતાં એનું વિહંગાવલોકન કરી જઇએ. એકાદશ સ્કંધના આરંભમાં જ યદુવંશને મળેલા ઋષિઓના શાપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ઘટના સૂચવે છે કે પરમાત્મનિષ્ઠ સંતો કે ઋષિઓનું અપમાન અત્યંત અનર્થકારક થઇ પડે છે. સમાજનો મોટો અને મહત્વનો આધાર એના યુવાનો પર રહેતો હોય છે. યુવાનો એના વર્તમાનના ને ભવિષ્યના ઘડવૈયા હોય છે. સમાજને એમની ઘણી મોટી આશા હોય છે. એ યુવાનો જો વ્યસની, વિલાસી, અનુશાસનહીન, અવિવેકી અને બીજાની અવહેલના કરનારા થાય તો એ હકીકત કોઇપણ સમાજને માટે સારી, આવકારદાયક અને આદર્શ ના કહેવાય. યદુકુળમાં એ વખતે સડો કેટલે ઊંડે સુધી પહોંચ્યો હતો તેની કલ્પના એ કથાનક પરથી સહેલાઇથી કરી શકાય છે કે દ્વારકા પાસેના પિંડારક ક્ષેત્રમાં વસતા વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદ જેવા પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય સંતપુરુષો પાસે જઇને મશ્કરી કરનારા યુવાનોમાં એક ભગવાન કૃષ્ણનો પુત્ર જાંબવતીનંદન સાંબ હતો. એણે જ સ્ત્રીનો વેશ ધારણ કરેલો. એ બતાવે છે કે ભગવાન કૃષ્ણના ઘર સુધી અશુદ્ધિ પહોંચી ચૂકેલી. એ દશા ખરેખર દયનીય કહેવાય. ભાગવતના રચયિતા કુશળ કલાકાર મહર્ષિ વ્યાસ સાંબનું નામ આપીને કહેવા માગે છે કે એ વખતના સમાજમાં યુવકોનાં જીવન કેટલા બધાં કથળેલા હશે અને બીજાની દશા પણ કેવી હશે એનું અનુમાન કરી લો. ચારિત્ર્યની શિથિલતા અથવા અનુશાસનહીનતા ઠેઠ ભગવાન કૃષ્ણના પોતાના પરિવાર સુધી પહોંચેલી.
યદુકુળના ઉદ્દંડ કુમારો જાંબવતીનંદન સાંબને ઋષિઓ પાસે સ્ત્રીનો પોશાક પહેરાવીને લઇ ગયા અને કહેવા લાગ્યા કે આ ગર્ભવતી સુંદરીને તમને પૂછતા સંકોચ થાય છે પરંતુ એના વતી અમે તમને પૂછવા માગીએ છીએ કે એને પુત્ર થશે કે પુત્રી ? તમે સૌ સર્વજ્ઞ હોવાથી જ આટલું પૂછી રહ્યા છીએ.
ઋષિઓ એમની દાનતને સમજી ગયા ને બોલ્યા કે એ તમારા કુળનો સર્વનાશ કરનાર મૂશળને પેદા કરશે.
એમના શબ્દો સાંભળીને યુવકો ડઘાઇ ને ગભરાઇ ગયા. એમની ચિંતાનો પાર ના રહ્યો.
સાંબના પેટને ખોલીને જોયું તો ખરેખર મૂશળ નીકળ્યું.
રાજા ઉગ્રસેનની પાસે પહોંચીને એમણે યાદવોની સભામાં સઘળી હકીકત કહી સંભળાવી. યાદવો પણ ભયભીત બની ગયા. રાજા ઉગ્રસેને એ મૂશળના ચૂરા કરાવીને એને અને લોઢાના શેષ રહેલા ટૂકડાને સમુદ્રમાં ફેંકાવી દીધા. એ સંબંધી ભગવાન કૃષ્ણની સલાહ પણ ના લીધી.
પરંતુ વિધિની વિચિત્રતા તો જુઓ. એ લોઢાના ટૂકડાને એક માછલી ગળી ગઇ. માછીમારોએ એને પકડીને એ ટૂકડો બહાર કાઢ્યો. જરા નામના પારધિએ એને પોતાના બાણના અગ્રભાગ પર લગાડી દીધો. મૂશળના ચૂરામાંથી થોડોક વખતમાં એરક નામનું ઘાસ ઊગી નીકળ્યું. ઋષિઓનો શાપ અમોઘ હતો અને સાચો થવા સરજાયેલો. એની જ એ બધી તૈયારી હતી.
દ્વારકામાં અનિષ્ટકારક અમંગલ ઉત્પાતો થવા લાગ્યા. એટલે ભગવાન કૃષ્ણના આદેશાનુસાર બાળકો, સ્ત્રીઓ ને કેટલાક વૃદ્ધોએ શંખોદ્વાર ક્ષેત્રમાં જવાની ને બીજા યાદવોએ પ્રભાસક્ષેત્રમાં પહોંચવાની તૈયારી કરી. પ્રભાસ તીર્થમાં પહોંચીને કેટલાંક મંગલ ધર્મકર્મો કર્યા પછી એ બુદ્ધિને ભ્રષ્ટ કરનારી સર્વનાશક મદિરાને પીવા લાગ્યા. એ મદિરાપાનથી ઉન્મત્ત બની, ભાન ભૂલીને સૌ પરસ્પર લડવા લાગ્યા. સંઘર્ષમાં એમણે શસ્ત્રોનો પ્રયોગ કર્યો અને શસ્ત્રોનો નાશ થયો એટલે એરકા નામના ઘાસનો ઉપયોગ કરવા માંડ્યો. એમના હાથમાં એ ઘાસ વજ્ર સમાન વિનાશક મજબૂત મૂશળના રૂપમાં પલટાઇ ગયું. યાદવોમાં કેટલાક મોહાંધ બનીને કૃષ્ણને તેમજ બળરામને પણ મારવા માંડ્યા. માનવની મોહવૃત્તિ તથા દુર્બુદ્ધિ શું નથી કરતી ?
યાદવોનો નાશ થયો જોઇને બળરામે સમુદ્રતટ પર વિરાજીને અલૌકિક આત્મસ્વરૂપમાં આત્માને જોડીને શરીરનો પરિત્યાગ કરી દીધો.
ભગવાન કૃષ્ણના લીલાસંવરણનો સમય સમીપ આવી પહોંચ્યો. એમને એની માહિતી હતી જ. એ એક પીપળાના વૃક્ષની નીચે વિરાજ્યા. એમણે એમના જમણા સાથળ પર ડાબો પગ રાખેલો. જરા નામનાં વ્યાધે એ જ વખતે એને હરણનું મુખ માનીને દૂરથી બાણ માર્યું. એ બાણ પેલા સમુદ્રમાં નાખી દીધેલા માછલીના પેટમાંથી નીકળેલા લોઢાના શેષ ટૂકડાનું હતું.
જરાએ ભગવાન કૃષ્ણની પાસે પહોંચીને અજાણ્યે થયેલા અપરાધને માટે માફી માગી. ભગવાને એને અભયદાન આપીને જણાવ્યું કે જે કાંઇ થયું છે તે મારી લીલાનુસાર જ થયું છે. તેનો શોક કરવાની કે તેને માટે કોઇ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી.
મહાપુરુષો એમનો અપરાધ કરનારને પણ ક્ષમા કરે છે.
જરા વ્યાધે ભગવાનને બાણ માર્યું એનો આધ્યાત્મિક અર્થ એવો પણ કરી શકાય કે ભગવાનની પાસે વૃદ્ધાવસ્થા-જરાવસ્થા આવી પહોંચી પરંતુ એમના પર એની અસર ના થઇ. એ વખતે એમની ઉંમર સવા સો વરસ જેટલી હતી.
ભગવાન કૃષ્ણનો સારથિ દારુક એમણે ધારણ કરેલી તુલસીની માળાની સુગંધના આધારે એમની પાસે પહોંચ્યો. ભગવાનને જોઇને પ્રેમપુલકિત પીડિત પ્રાણે અશ્રુભીની આંખે એ એમના ચરણમાં પડ્યો. એના દેખતાં દેખતાં જ ભગવાન કૃષ્ણનો ગરુડધ્વજ રથ પતાકા અને અશ્વો સાથે આકાશમાં અદૃશ્ય થયો. એમનાં અલૌકિક આયુધો પણ એ જ રીતે ચાલ્યાં ગયાં.
ભગવાને દારૂકને દ્વારકા જઇને સઘળા સમાચાર કહેવાની ને ત્યાંની જનતાને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ જવાની સૂચના આપવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે મારા લીલાસંવરણ પછી તરત જ સમુદ્ર દ્વારકાને પોતાના ઉદરમાં સમાવી લેશે. જીવનની છેલ્લી ક્ષણ સુધી એવી રીતે એમણે પરહિતનો જ વિચાર કરીને પરહિત માટે જ જીવી બતાવ્યું. એનાથી અધિક આશીર્વાદરૂપ, સફળ, પ્રેરક, ધન્ય, જ્યોતિર્મય જીવન બીજું કયું હોઇ શકે ? આ પાર્થિવ પૃથ્વી પરના પ્રાદુર્ભાવથી માંડીને તિરોધાન સુધીનું એમનું સમસ્ત જીવન બીજાની સુખાકારી, શાંતિ, સમુન્નતિ અને હિતસાધના માટે જ હતું. એની એથી વિશેષ પ્રતીતિ બીજી કયી હોઇ શકે ?
દારૂકના ગયા પછી ભગવાન કૃષ્ણે બ્રહ્માદિ દેવોની ઉપસ્થિતિમાં એમની પ્રેમપૂર્ણ પ્રશસ્તિનું શ્રવણ કરતાં, પુષ્પોના વર્ષણની વચ્ચે, સમુદ્ર તથા સરિતાના શુચિ સંગમસ્થળની સમીપે વિરાજીને સ્વરૂપમાં સ્થિતિ કરીને કમળ સમાન કોમળ કમનીય નેત્રોને બંધ કર્યા. એ નેત્રો ન હતાં, પવિત્રતા તથા પ્રેમનો, આહલાદકતા અને આત્મીયતાનો આગાર હતો. એવાં નેત્રો કાંઇ વારંવાર નથી પ્રકટતાં. એમને અવલોકવાનું સૌભાગ્ય જેને તેને, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે નથી સાંપડતું. અને એકલાં નેત્રોને જ શા માટે, એ હકીકત એમના સંપૂર્ણ શરીરને કે શ્રીવિગ્રહને લાગુ પડે છે. એની અંદર સમસ્ત સૃષ્ટિની સુંદરતા, શુચિતા, શક્તિ તથા સુમધુરતાનો સમુચ્ચય થયેલો. એને સંકેલવાનો સુયોગ્ય અવસર આવી પહોંચ્યો. શુકદેવજી એનું વર્ણન કરતાં કહે છે :
‘બ્રહ્મા તથા શંકર સમાન દેવો એમની એ પરમ યોગગતિને પેખીને આશ્ચર્ય અનુભવતા અને એમની પ્રશંસા કરતા પોતપોતાના લોકો તરફ ચાલી નીકળ્યા.’
ભાગવતના એ વર્ણન પરથી ભગવાન કૃષ્ણના અલૌકિક લીલાસંવરણનો ખ્યાલ આવે છે. એમણે પોતાના સ્થૂળ શરીરનો પરિત્યાગ કરવાને બદલે એ શરીર સાથે જ પ્રસ્થાન કરેલું એની પુષ્ટિ એના પરથી આપોઆપ થઇ રહે છે. એમને માટે એ અશક્ય કે કઠિન નહોતું. એમની પછીના આધ્યાત્મિક ઇતિહાસમાં સંતશ્રેષ્ઠ તુકારામ, મીરાં તથા કબીર જેવા સ્વનામધન્ય સત્પુરુષોએ આ પૃથ્વી પરથી સ્થૂળ શરીર સાથે સ્થૂળ શરીરને અદૃશ્ય કરીને લીધેલી અસાધારણ વિદાયના પ્રસંગો આલેખાયેલા છે. એ પ્રસંગો ખૂબ જ સૂચક છે. ભગવાન કૃષ્ણ તો સર્વસમર્થ હતા. એમની શક્તિ તથા યોગ્યતા અત્યંત અસાધારણ હતી.
એ ધારત તો આ પાર્થિવ પૃથ્વી પર એ જ શરીરથી અનંતકાળ સુધી રહી શક્ત. પરંતુ બીજા યોગીઓ પણ એવું કરવા ના પ્રેરાય અને એમની આગળ ઉત્તમ દાખલો બેસે તે માટે પોતાના નિર્માયલા જન્મમૃત્યુના નૈસર્ગિક નિયમોને અનુલક્ષીને એવું ના કર્યું.
ભગવાનના સ્વધામગમન સમયે સ્વર્ગમાં નગારાં વાગવા લાગ્યાં અને વ્યોમમાંથી પુષ્પવૃષ્ટિ થઇ.
*
દારુકે દ્વારકામાં જઇને ઉગ્રસેનને, વસુદેવને તથા બીજાને બધી કથા કહી સંભળાવી. સૌ વિરહવ્યાકુળ તેમજ દુઃખી બન્યાં. દેવકી, રોહિણી અને વસુદેવે વ્યથિત થઇને તરત જ પ્રાણત્યાગ કર્યો.
અર્જુનને ભગવાન કૃષ્ણના લીલાસંવરણના સમાચાર સાંભળીને દુઃખ તો થયું પરંતુ ગીતામાતાની મદદથી એણે આશ્વાસન મેળવ્યું. ગીતા સૌ કોઇને શાંતિ આપવાની ને દુઃખમુક્ત કરવાની શક્તિ ધરાવે છે. જેમના જીવન શેષ હતાં એ અર્જુનની સાથે ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યાં. એ પછી પરીક્ષિતનો રાજ્યાભિષેક કરીને પાંડવો હિમાલયની તપઃપૂત દૈવી દિશામાં ચાલી નીકળ્યા. ઇતિહાસનું એક મહામૂલ્યવાન સુવર્ણ પૃષ્ઠ પૂરું થયું.
ભગવાન કૃષ્ણના કહ્યા પ્રમાણે સમુદ્રે એમના લીલાસંવરણ પછી થોડા જ વખતમાં દ્વારકાને પોતાના વિશાળ ઉદરમાં સમાવી લીધી. કેવળ ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન શેષ રહ્યું. કાળ સૌનો નાશ કરે છે કિન્તુ સ્મૃતિઓનો સર્વનાશ નથી કરી શકતો. એ સ્મૃતિઓ પ્રેરક હોય છે. ભગવાન કૃષ્ણની જીવનસ્મૃતિઓ પણ સનાતન બનીને સૃષ્ટિને માટે પ્રેરક ઠરી છે. એ માનવપ્રાણને અનંતકાળપર્યંત પ્રેરણા પાતી રહેશે. એ છે જ એટલા માટે. એમનો લાભ લઇને જીવનને ઉત્તરોત્તર ઉદાત્ત બનાવી બીજાને માટે જીવવાનું વ્રત ધારીએ, એમની પ્રેમભક્તિને પ્રકટાવવાની ને પ્રબળ બનાવવાની આવશ્યકતા છે. એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં એકાદશ સ્કંધની પરિસમાપ્તિ સમયે સંતશિરોમણિ શુકદેવ કહે છે કે ‘જે માનવ આવી રીતે ભક્તભયહારી નિખિલ સૌન્દર્યમાધુર્યનિધિ ભગવાન કૃષ્ણચંદ્રના અવતારના દિવ્ય પરાક્રમકર્મનું અને એમની બાળ, કિશોર તથા બીજી લીલાઓનું ભાગવતાદિ પુરાણોના આધારે સંકીર્તન કરે છે તે માનવ પરમહંસ મુનિન્દ્રોના પરમ પ્રાપ્તવ્ય કૃષ્ણ ભગવાનની ભક્તિ મેળવે છે.’