Friday, 13 September, 2024

ભીષ્મની અગ્નિપરીક્ષા

249 Views
Share :
ભીષ્મની અગ્નિપરીક્ષા

ભીષ્મની અગ્નિપરીક્ષા

249 Views

Satyavati gave birth to Chitrangad and Vichitravirya. As promised, Chitrangad was crowned as King after Shantanu’s death. Chitrangad died soon in a fight. Next, VIchitravirya was crowned as King. To look for a suitable bride for Vichitravirya, Bhishma went to Kingdom of Kashi and got his three daughters namely Amba, Ambika and Ambalika from swayamvar after heavy fighting.

Amba, however revealed that she loved King Shalva. Bhishma allowed her to marry him. Vichitravirya married Ambika and Ambalika. Before he became father, he died. To continue the lineage Satyavati asked Bhishma to enter into a relationship with Amba and Ambalike. Bhishma reminded his pledge to remain celibate and swiftly refused.

પ્રતિજ્ઞા લેવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી હોતું. કાંઇક અંશે કઠિન કહી શકાય તેવું હોય છે. પરંતુ એના કરતાં વધારે કઠિન હોય છે પ્રતિજ્ઞાનું પાલન. એ વધારે મજબૂત મનોબળ માગી લે છે. સામાન્ય મનોબળવાળા માનવો કોઇ કારણે પ્રતિજ્ઞા લે છે ખરા, પરંતુ સઘળા સંજોગોમાં પાળી શકતા નથી. સંજોગો સાનુકૂળ હોય ત્યારે પ્રતિજ્ઞાના પાલનમાં ખાસ મુશ્કેલી ના પડે પરંતુ પરિસ્થિતિ પ્રતિકૂળ બનતાં મુશ્કેલી અનુભવાય અને પ્રતિજ્ઞાપાલનને છોડી દેવાય અથવા છોડી દેવાનો વિચાર સેવાય તો તે પ્રતિજ્ઞાપાલન સાચું તથા સંપૂર્ણ ના કહેવાય. લીધેલી કે કરાયેલી પ્રતિજ્ઞાને ગમે તેવા સંજોગોમાં પણ પાળવામાં કે વળગી રહેવામાં આવે એ અત્યંત આવશ્યક હોય છે, અને અધિક મનોબળ માગી લે છે. એવું પ્રતિજ્ઞાપાલન દેશકાળની અસરો થી અબાધિત રહે છે ને સત્ય તેમજ સંપૂર્ણ કહેવાય છે.

ભીષ્મનું પ્રતિજ્ઞાપાલન મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે સંપૂર્ણ ને સાચું હતું. એ સઘળા સંજોગોમાં અખંડ રહ્યું.

એ આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થયું તો પણ એને કોઇ પ્રકારની આંચ ના આવી. એ પ્રલોભનની પ્રદીપ્ત પાવકજાળમાં પડીને પણ પ્રાણવાન રહ્યું ને વધારે પ્રબળ ઠર્યું.

એનું અવલોકન રસપ્રદ, પ્રસન્નતાદાયક, પ્રેરક થઇ પડશે.

રાજા શાંતનુએ સત્યવતી સાથે લગ્ન કર્યું એ લગ્નના પરિણામસ્વરૂપે બુદ્ધિમાન વીર્યવાન પુરુષશ્રેષ્ઠ ચિત્રાંગદનો જન્મ થયો. એ પછી વિચિત્રવીર્ય નામે બીજો પુત્ર જન્મ્યો. એ પુત્ર યુવાવસ્થામાં પ્રવેશ્યો તે પહેલાં જ શાંતનુનો સ્વર્ગવાસ થયો.

શાંતનુના સ્વર્ગવાસ પછી પોતાની પ્રતીજ્ઞાના પૂર્વાધને અનુસરીને સત્યવતીની સંમતિથી ભીષ્મે ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો.

પરંતુ ચિત્રાંગદના લલાટમાં લાંબા વખતનું રાજ્યસુખ નહોતું લખાયલું. ચિત્રાંગદે પોતાના અતુલિત બળપરાક્રમના પ્રભાવથી અસંખ્ય રાજાઓને જીતી લીધા. એની ઉપર ચિત્રાંગદ નામના મહાબળવાન ગંધર્વરાજે આક્રમણ કર્યું. એની સાથે એનું કુરુક્ષેત્રમાં સુપ્રસિદ્ધ સરસ્વતી નદીના તટપ્રદેશ પર ત્રણ વરસ સુધી મહાભયંકર યુદ્ધ થયું. એના પરિણામે ચિત્રાંગદનું મૃત્યું થવાથી શાંતનુપુત્ર ભીષ્મે એની ઉત્તરક્રિયા કરાવીને યૌવનના પ્રાંગણમાં પ્રવેશેલા વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યો.

વિચિત્રવીર્યે ધર્મ અને શાસ્ત્રપરંપરાની પ્રસ્થાપિત મર્યાદામાં રહીને, ભીષ્મે સૂચવ્યા પ્રમાણે રાજ્ય કરવા માંડ્યું.

વિચિત્રવીર્ય વિવાહલાયક વયનો થતાં સત્યવતીની સલાહ પ્રમાણે એના વિવાહ માટે વિચાર કર્યો. એમણે સાંભળ્યું કે કાશીરાજની અપ્સરાસમી આકર્ષક અને સુંદર ત્રણ કન્યાઓ પતિની પસંદગીની ઇચ્છાથી પ્રેરાઇને એકસાથે સ્વયંવર કરવાની છે. એવી માહિતી મેળવીને રથશ્રેષ્ઠ ભીષ્મે માતા સત્યવતીની અનુમતિ લઇને રથમાં વિરાજીને વારાણસી તરફ પ્રયાણ કર્યું.

સ્વયંવરમાં પ્રસ્થાપિત પરંપરાગત પરંપરા પ્રમાણે સઘળા સમુપસ્થિત રાજાઓનાં નામકીર્તન કરવામાં આવ્યાં. ત્યારે કાશીરાજની ત્રણે પરમ સુંદર કન્યાઓ ભીષ્મને નિહાળીને, એમને વૃદ્ધ જાણીને ઉદ્વેગપૂર્વક આગળ ચાલી. એ જોઇને સ્વયંવરમાં સમુપસ્થિત બીજી રાજાઓ કહેવા લાગ્યા કે પરમ ધર્માત્મા મનાતો, વૃદ્ધ, કરચલી તથા પળિયાંવાળો આ નિર્લજ્જ ભીષ્મ અહીં શા માટે આવ્યો હશે ? એ બ્રહ્મચારી ભીષ્મ તરીકે પૃથ્વીમાં મિથ્યા પંકાય છે. પોતાની પ્રતિજ્ઞામાંથી ચ્યુત બનીને લોકોને શો ઉત્તર આપશે ?

એમનાં વ્યંગપૂર્ણ વચનોને સાંભળીને ભીષ્મના ક્રોધનો પાર ના રહ્યો.

સમર્થ ભીષ્મે એ ત્રણે કન્યાઓને લઇને પોતાના રથમાં બેસાડી દીધી અને મેઘસદૃશ ઘોર ગંભીર અવાજથી જાહેર કર્યું કે રાજાઓ સ્વયંવરને વખાણે છે ને સત્કારે છે પરંતુ ધર્મવાદીઓ બળપૂર્વક હરવામાં આવેલી કન્યા સાથેના લગ્નને ઉત્તમ માને છે, તેથી હું આ કન્યાઓને બળપૂર્વક હરી જઉં છું. તમે તમારા વિજય કે પરાજય માટે પ્રયત્ન કરો. હું યુદ્ધ માટે તૈયાર થઇને ઊભો છું.

એવી રીતે રાજાઓને યુદ્ધ માટે આમંત્રીને ભીષ્મ કન્યાઓ સાથે સત્વર ચાલી નીકળ્યા.

રાજાઓ ક્રોધે ભરાયા. તે અનેક રાજાઓ અને ભીષ્મની વચ્ચે ખૂબ જ રોમાંચક ઘોર યુદ્ધ શરૂ થયું. રાજાઓએ ભીષ્મની ઉપર એકસામટાં દશ હજાર બાણો છોડ્યાં, પણ તે સર્વ બાણો આવી પહોંચે તે પહેલાં જ ભીષ્મે વાળને પણ વીંધે એવી મહાન બાણવૃષ્ટિ કરીને તેમને ભાંગી નાખ્યાં. તે સર્વે રાજાઓ ભીષ્મને ચારે તરફથી ઘેરી વળ્યા, ને બાણની ઝડી વરસાવવા લાગ્યા. જાણે કે વાદળાં પર્વત ઉપર વૃષ્ટિ કરી રહ્યાં. ભીષ્મે પોતાનાં બાણોથી બાણવર્ષાને રોકી દીધી અને ત્રણ-ત્રણ બાણોથી દરેક રાજાને વીંધી નાખ્યો. તે વખતે એકેક રાજાએ ભીષ્મને પાંચ પાંચ બાણોથી ઘાયલ કર્યા. ભીષ્મે વળતાં બબ્બે બાણો મારીને તે પરાક્રમીઓને વીંધી નાખ્યા. એવી રીતે બાણ અને શક્તિઓથી ભરેલું તે યુદ્ધ દૈવ અને દાનવ વચ્ચેના યુદ્ધ જેવું અતિશય ઘોર થયું. ભીષ્મે સમરાંગણમાં સેંકડો ધનુષો, કવચો અને મસ્તકોને છેદી નાખ્યાં. તેમનું અલૌકિક આશ્ચર્યકારક કાર્ય, તેમની શીઘ્ર હાથ ચલાવવાની કુશળતા અને યુદ્ધમાં પોતાનું રક્ષણ કરવાની શક્તિ જોઇને શત્રુઓ પણ તેમને પૂજવા લાગ્યા. સર્વ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ તે ભરતવંશીએ એવી રીતે તેમને રણભૂમિમાં પરાજય આપ્યો અને કન્યાઓને લઇને આગળ વધ્યા.

તે વખતે રણમાં અમાપ આત્મશક્તિવાળો મહારથી શાલ્વરાજ શાંતનુપુત્ર ભીષ્મ ઉપર પાછળથી ચઢી આવ્યો. નરશ્રેષ્ઠ શાલ્વરાજે શાંતનુપુત્ર ભીષ્મને તીવ્રવેગી સેંકડો બાણોથી ઢાંકી દીધા. એ બંનેની વચ્ચે મહાભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. છેવટે નૃપોત્તમ શાલ્વરાજને જીતીને ભીષ્મે તેને જીવતો છોડી દીધો. શાલ્વરાજ પોતાના નગરમાં ગયો અને ધર્મપૂર્વક રાજ્યનું શાસન કરવા લાગ્યો. બીજા રાજાઓ પણ પોતપોતાના રાજ્યમાં ગયા. ભીષ્મ કન્યાઓને જીતીને હસ્તિનાપુરમાં પાછા ફર્યા.

અસાધારણ પરાક્રમપૂર્વક હરી લાવવામાં આવેલી તે સર્વગુણસંપન્ન કન્યાઓને ભીષ્મે પોતાના નાનાભાઇ વિચિત્રવીર્યને અર્પણ કરીને વિચિત્રવીર્યના વિવાહની વ્યવસ્થા કરવા માંડી. એમણે સત્યવતી સાથે વિચારવિનિમય કરીને વિવાહનો નિશ્ચય કર્યો. એ વખતે કાશીપુત્રની પુત્રી અંબાએ જણાવ્યું કે હું તો મનથી શાલ્વને વરી ચૂકી છું. શાલ્વ પણ મને વર્યા છે. સ્વયંવરમાં હું શાલ્વને જ વરવાની હતી. મારા પિતાને પણ અમારા વિવાહનો વિચાર પસંદ હતો. એટલે મારી સાથે ધર્માનુરૂપ વ્યવહાર કરવાની મારી પ્રાર્થના છે.

ભીષ્મની ઉદારતા તથા સહાનુભૂતિ તો જુઓ. એમણે વેદમાં પારંગત પંડિતો સાથે પરામર્શ કરીને કાશીપુત્રી અંબાને ઇચ્છાનુસાર ગમે ત્યાં જવાની અનુજ્ઞા આપી.

એ પછી પોતાના નાના ભાઇ વિચિત્રવીર્યને અંબિકા અને અંબાલિકા નામની બે કન્યાઓ પરણાવી.

એ બંને કન્યાઓ સુયોગ્ય પતિને મેળવ્યાના સંપૂર્ણ સંતોષ સાથે વિચિત્રવીર્યને પૂજવા લાગી.

લગ્નજીવનના સાત વરસ વિલાસાત્મક સુખોપભોગ પછી વિચિત્રવીર્ય ભયંકર અસાધ્ય ક્ષયરોગમાં સપડાઇને મૃત્યુ પામ્યો. એને ઉગારવાના ચિકિત્સકો તથા મિત્રોના સઘળા પ્રયત્નો વ્યર્થ ગયાં.

ગંગાપુત્ર ધર્માત્મા ભીષ્મે સત્યવતીની સલાહને અનુસરીને એની સમુચિત ઉત્તરક્રિયા કરી.

વિચિત્રવીર્ય અપુત્ર જ મૃત્યુ પામ્યો હોવાથી સત્યવતીએ ભીષ્મને જણાવ્યું કે તું વિચિત્રવીર્યની બંને સ્ત્રીઓ સાથે સમાગમ કરીને પુત્રોત્પત્તિ કર. એ સ્ત્રીઓ પુત્રની કામનાવાળી છે. એમની સાથે સમાગમ સાધવો ના હોય તો ધર્મપૂર્વક લગ્ન કરી લે. અથવા તારો રાજ્યાભિષેક કરાવીને સામ્રાજ્યનું શાસન કર.

સત્યવતીની માગણીઓ ભલભલાના મનને મોહિત કરે તેવી હતી. એણે દર્શાવેલાં પ્રલોભનો કાંઇ નાનાં ન હતાં. તોપણ ધર્માત્મા ભીષ્મ પોતાની પૂર્વપ્રતિજ્ઞાને સ્મરીને અચળ રહ્યા. એ એમની પ્રતિજ્ઞાના કસોટી સમયે પણ એ અડગ રહ્યા. એવા દૃઢપ્રતિજ્ઞ પુરુષો અતિવિરલ હોય છે. સત્યવતીની માગણીના અનુસંધાનમાં કહેવાયેલા ભીષ્મના ચિરસ્મરણીય, સુંદર, સત્યસભર શબ્દો આ રહ્યાઃ “માતા તમે મને પરમ ધર્મનું ઉદાહરણ આપ્યું છે પરંતુ સંતાન સંબંધી મારી પરમ પ્રતિજ્ઞાથી તમે પરિચિત છો. તમારા નિમિત્તે બનેલી ઘટનાને તમે જાણો છો. હું તમારી આગળ તે સત્યને માટે પુનઃપ્રતિજ્ઞા કરું છું. હું ત્રિલોકને પણ તજી દઉં, દેવલોકના રાજ્યને પણ તજી દઉં, અરે એ બંનેથી વિશેષ હોય તેને પણ તજી દઉં, પણ સત્યનો ત્યાગ કદાપિ નહિ કરું. પૃથ્વી ગંધ, પાણી રસ, જ્યોતિ રૂપ, વાયુ સ્પર્શ, સૂર્ય પોતાની પ્રભા, ધૂમકેતુ ઉષ્ણતા, આકાશ શબ્દ, ચંદ્ર શીતળ ચારુ કિરણત્વ, વૃત્રને મારનાર ઇન્દ્ર પોતાનું પરાક્રમ અને ધર્મરાજ પોતાનો ધર્મ છોડે તોપણ હું સત્યના ત્યાગનો વિચાર પણ નહિ કરું. મારે માટે સત્ય સર્વોત્તમ છે.”

વિલાપ કરતી, પુત્રલાલસાવાળી, ધર્મવિરોધી વચનોને વદતી દીન સત્યવતીને ઉદ્દેશીને ભીષ્મે ફરીવાર કહ્યું કે “તમે ધર્મ તરફ દૃષ્ટિપાત કરો. આપણો વિનાશ ના કરો. જે સત્યમાંથી ચલિત થાય છે તેને ધર્મશાસ્ત્રો વખાણતાં નથી. શાંતનુનો વંશ આ અવનીમાં અક્ષય બને તેવો સનાતન ક્ષાત્રધર્મ તમને કહી બતાવીશ. તમે આપદકાળના ધર્મ અને અર્થમાં પારંગત પુરોહિતોને ને પંડિતોને સાથે રાખીને લોકાચારને લક્ષમાં લઇને તે પ્રમાણે કરી શકશો.”

સંસારમાં સત્યવતી પણ છે અને ભીષ્મ પણ. એક પ્રેમનું પ્રતીક છે તો બીજું શ્રેયનું જેની શક્તિ સવિશેષ હોય છે તે જીતી જાય છે ને સુખી થાય છે. માનવે ભીષ્મ બનીને પોતાના વિચારો, સંકલ્પો, સિદ્ધાંતો અથવા આદર્શોમાં દૃઢ રહેવાનું છે. વ્રતોને વિરોધની વચ્ચે પણ વળગી રહેતાં શીખવાનું છે. ભીષ્મનું ઉદાહરણ એવા સંદેશને પૂરું પાડતું આદર્શ ઉદાહરણ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *