Saturday, 2 November, 2024

દ્રૌપદીને કૃષ્ણની સહાયતા

339 Views
Share :
દ્રૌપદીને કૃષ્ણની સહાયતા

દ્રૌપદીને કૃષ્ણની સહાયતા

339 Views

{slide=Shri Krishna’s help to Draupadi}

Duryodhan felt jealous at Pandavas happiness during their exile. During those days, Sage Durvasa came to Hastinapur with his ten thousand students. Duryodhan served them with utmost care and affection. As a result, Durvasa became very happy and asked Duryodhan for a boon. Duryodhan asked Sage Durvasa to visit Pandavas when Draupadi is resting after finishing her lunch. Sage Durvasa blessed Duryodhana and left.

Sage Durvasa along with his ten thousand students reach Pandavas place at a time when Draupadi had finished her lunch. Yudhisthir welcomed Sage Durvasa and his disciples and invited them for lunch after a dip in the river.  Sage Durvasa was known for his anger so Draupadi was worried. She prayed intensely to Lord Krishna for help to which Krishna responded. Draupadi revealed to Krishna her helplessness in serving Sage Durvasa and his disciples. Krishna ate leftover grain from her inexhaustible pot and burped (felt content). Somehow, Sage and all his disciples’ hunger disappeared and they burped too! Krishna then send Bhim to invite Sage Durvasa and his disciples for food. Since everybody felt content, they left the place without food. Krishna thus saved the day for Pandavas and Duryodhan’s malicious plan did not succeed.  

પાંડવો વનમાં દ્રૌપદી સાથે વસીને પોતાના સમયને નગરમાં સુખોપભોગની સામગ્રી વચ્ચે વસતા હોય તેમ, અસાધારણ સુખ શાંતિપૂર્વક પસાર કરી રહેલા.

એમની એવી માહિતી મોળવીને દુર્યોધનની પીડાનો પાર ના રહ્યો.

એને એમને માટે પહેલેથી જ વેરવૃત્તિ હતી તે વેરવૃત્તિમાં વધારો થયો.

કર્ણ, શકુનિ તથા દુઃશાસન સાથે મળીને એ એમની વિપત્તિને વધારવાના વિવિધ વિચારો કરવા લાગ્યો.

એ સમય દરમિયાન એકવાર પરમ તપસ્વીશ્રેષ્ઠ મહામુનિ દુર્વાસા પોતાના દસ હજાર શિષ્યો સાથે એની પાસે આવી પહોંચ્યા.

તે પરમ તપસ્વીશ્રેષ્ઠ મુનિને આવેલા જોઇને દુર્યોધને પોતાના ભાઇઓની સાથે રહીને નમ્રતાથી અને મનને વશ રાખીને તેમને આતિથ્યસત્કાર સ્વીકારવા આમંત્રણ આપ્યું.

તેમણે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું.

તે પોતે જ સેવકની જેમ તેમની સેવામાં રહ્યો.

મુનિશ્રેષ્ઠ દુર્વાસા ત્યાં કેટલાક દિવસ રહ્યા.

દુર્વાસા શાપ આપશે એવી ભીતિથી રાજા દુર્યોધન દિવસ અને રાત ખડે પગે રહીને તેમની સેવા કરતો રહ્યો.

હે નૃપતિ ! હું ભૂખ્યો છું. મને જલ્દી અન્ન આપ. એમ કહીને દુર્વાસા સ્નાન માટે ચાલ્યા જતા અને મોડેથી પાછા વળતા. વળી આજે હું જમીશ નહીં, મને ભૂખ નથી, એમ કહીને પાછા અદૃશ્ય થઇ જતા. પરંતુ પાછા અકસ્માત્ આવીને કહેતા કે તું અમને વહેલી તકે ભોજન કરાવ.

ક્યારેક દુર્યોધનના ધૈર્યની પરીક્ષા કરવા માટે તે મુનિવર મધ્યરાત્રિએ ઊઠીને પહેલાંની પેઠે ભોજન તૈયાર કરાવતા, પણ તેની નિંદા કરીને જમતા નહીં.

પોતે એવી રીતે વર્તે તો પણ રાજા દુર્યોધનના મનમાં કશી વિકૃતિ આવતી નથી, તેમ તેને ક્રોધ થતો નથી, એ જોઇને દુર્વાસા મુનિ પ્રસન્ન થયા.

તેમણે દુર્યોધનને વરદાન માગવા કહ્યું.

મહર્ષિ દુર્વાસાનાં વચનોને સાંભળીને દુર્યોધન પોતે નવો જન્મ પામ્યો હોય તેમ માનવા લાગ્યો. મુનિ પ્રસન્ન થાય તો તેમની પાસેથી શું માગવું તે વિષે એણે કર્ણ અને દુઃશાસન વિગેરે સાથે પહેલેથી જ મંત્રણા કરીને નિશ્ચય કરી લીધો હતો. આથી અત્યંત હર્ષમાં આવી જઇને તેણે વરદાન માંગ્યું કે હે બ્રહ્મન્ ! અમારા કુળમાં યુધિષ્ઠિર મહારાજ જયેષ્ઠ અને શ્રેષ્ઠ છે. તમે જેમ મારા અતિથિ થયા છો તેમ શિષ્યો સાથે તેમના પણ અતિથિ થાવ. તે ધર્માત્મા ગુણવાન અને શીલવાન છે, તે પોતાના ભાઇઓ સાથે વનમાં વસે છે. તમને મારા ઉપર કૃપાદૃષ્ટિ હોય તો તમે ત્યાં એવે વખતે જજો જ્યારે તે યશસ્વિની, સુકુમારી અને ઉત્તમ વર્ણવાળી રાજપુત્રી દ્રૌપદી, સર્વ બ્રાહ્મણોને તથા પોતાના પતિને ભોજન કરાવીને તેમજ પોતે ભોજન કરીને સુખપૂર્વક વિશ્રાંતિ લેતી બેઠી હોય. એ સાંભળીને દુર્વાસા મુનિએ દુર્યોધનને કહ્યું કે તારી પ્રસન્નતા માટે હું એ પણ કરીશ.

એ પછી ઋષિ દુર્વાસા જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા.

તે વખતે દુર્યોધન પોતાને કૃતાર્થ થયેલો માનવા લાગ્યો.

એ પ્રસંગને કેટલોક કાળ વીતી ગયા પછી એકવાર મહર્ષિ દુર્વાસા કોઇને પણ પ્રથમથી જાણ કર્યા સિવાય પોતાના દસ હજાર શિષ્યો સાથે વનમાં પાંડવો પાસે પહોંચી ગયા.

એ વખતે પાંડવો દ્રૌપદી સાથે ભોજનવિધિથી નિવૃત થઇને બેઠેલા.

યુધિષ્ઠિરે એ મહામુનિને સામેથી આવતા જોઇને એમનું સમુચિત સ્વાગત કર્યું.

એમને આસન પર બેસાડીને વિધિપૂર્વક પૂજીને આતિથ્યને સ્વીકારવા આગ્રહ કર્યો એટલે એમણે એ આગ્રહપૂર્ણ આમંત્રણનો સ્વીકાર કર્યો.

એ એમના શિષ્યો સાથે ક્ષુધાર્ત હોવાથી બોલ્યા કે અમે સ્નાનાદિથી પરવારીને આવીએ એટલે અમને ભોજન કરાવજો.

યુધિષ્ઠિર એમના પ્રસ્તાવ સાથે સંમત થયા.

દુર્વાસા મુનિ પોતાના શિષ્યો સાથે સ્નાન કરવા ગયા. એમને વિચાર પણ ના આવ્યો કે પાંડવો આમ અકાળે આટલા બધા શિષ્યો સાથે પોતાનું આતિથ્ય કેવી રીતે કરી શકશે !

એ પોતાના શિષ્યો સાથે સરિતામાં સ્નાન કરી રહેલા ત્યારે એમના આતિથ્યની વાતને વિચારીને દ્રૌપદી ચિંતામાં પડી. એને થયું કે એ સૌનું આતિથ્ય સંતોષકારક કેવી રીતે કરી શકાશે ? અક્ષયપાત્રનો ઉપયોગ તો એકવાર થઇ ચૂકેલો.

એણે કૃષ્ણ ભગવાનનું અતિ ઉત્કટતાથી સ્નેહસહિત સ્મરણ કર્યું.

જીવનમાં જુદાં જુદાં સંકટ સમયે એમનું જ સ્મરણ-મનન-સ્તવન કામ લાગેલું.

એ દ્વારા એમની દેવદુર્લભ મહામૂલ્યવાન મદદ મળેલી.

એણે ભક્તપ્રાણ શરણાગતવત્સલ શ્રીકૃષ્ણનું ધ્યાન ધરતાં કહેવા માંડયું : હે બાહુ કૃષ્ણ ! હે દેવકીનંદન ! હે અવિનાશી ! હે વાસુદેવ ! હે જગન્નાથ ! હે વિનમ્રના દુઃખનાશન ! હે વિશ્વાત્મા ! હે વિશ્વજનક ! હે વિશ્વહર્તા ! હે પ્રભુ ! હે અવ્યય ! હે શરણાગત પાલક ! હે ગોપાલ ! હે પ્રજાપાલક ! હે પરાત્પર ! હું તમને નમન કરું છું. હે શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ ! હે વરદાતા ! હે અનંત ! તમે અશરણના શરણ થાવ. હે પુરાણપુરુષ ! હે પ્રાણ અને મનોવૃત્તિના અવિષય ! હે સર્વાધ્યક્ષ ! હે પરમાધ્યક્ષ ! હું તમારે શરણે આવી છું. હે શરણાગત વત્સલ ! હે દેવ ! કૃપા કરીને મારું રક્ષણ કરો. હે નીલકમલના દલ જેવા શ્યામ ! હે પદ્મગર્ભના જેવા રાતાં લોચનવાળા ! હે પીતાંબરધારી ! હે ઝળહળતા કૌસ્તુભ ભૂષણ ધરનારા ! તમે પ્રાણીમાત્રના આદિ છો, અંત છો, અને તમે જ તેમના એકમાત્ર આધાર છો. તમે ઉત્તમોત્તમ જ્યોતિસ્વરૂપ છો, વિશ્વના આત્મા છો, અને સર્વતો મુખ છો. મહર્ષિઓ તમને જ પરમ બીજરૂપ કહે છે. તમે જ સર્વ સંપત્તિઓના ધામ છો. હે દેવેશ ! તમે જેના નાથ છો તેને કશી આપત્તિનો ભય જ નથી. પૂર્વે તમે મને સભામાં દુઃશાસનથી છોડાવી હતી તેમ આ સંકટમાંથી અત્યારે મારો ઉદ્ધાર કરજો.

દ્રૌપદીએ ભક્તવત્સલ શ્રીકૃષ્ણની એ પ્રમાણે સ્તુતિ કરી એટલે તે દેવાધિદેવ જગન્નાથ દ્રૌપદીનું સંકટ જાણી ગયા. સમીપે સૂતેલી રુકમણિને શયનમાં જ છોડીને એ અચિંત્ય ગતિવાળા સમર્થ નાથ શ્રી કેશવ ત્વરાથી આવ્યા. વાસુદેવને જોતાં જ દ્રૌપદીએ તેમને પરમ પ્રસન્નતાથી પ્રણામ કર્યા અને તેમને દુર્વાસા મુનિના આગમન સંબંધી સર્વ વાત કહી. એટલે શ્રીકૃષ્ણે તેને કહ્યું કે હે કૃષ્ણા ! મને કકડીને ભૂખ લાગી છે. તું મને સત્વર ભોજન કરાવ. બીજું બધું એ પછી કરજે.

એ વચનોને સાંભળીને દ્રૌપદી શરમાઇ ગઇ અને બોલી કે દેવ ! સૂર્યનારાયણે જે પાત્ર આપ્યું છે તેમાં મારા જમવા સુધી અન્ન રહે છે. મેં જમી લીધું છે એટલે હવે તેમાં અન્ન જ નથી.

આ સાંભળી કમલનયન શ્રીકૃષ્ણ ભગવાને દ્રૌપદીને કહ્યું કે કૃષ્ણા ! આ વિનોદનો વખત નથી. મને ભૂખ લાગી છે. જા, અક્ષયપાત્ર લઇ આવ.

આમ એ યદુકુલતિલકે આગ્રહ કરીને અક્ષયપાત્ર મંગાવ્યું. અક્ષયપાત્રની એક ધાર ઉપર ભાજીનું એક પાંદડું ચોટેલું. તે જોઇને કેશવે તેને પોતાના મોંમા મૂકીને કહ્યું કે વિશ્વના આત્મા શ્રી હરિ ઇશ્વર આથી પ્રસન્ન થાવ. યજ્ઞના ભોક્તાદેવ સંતુષ્ટ થાવ. પછી કલેશવિનાશન કૃષ્ણે સહદેવને કહ્યું કે તું મુનિઓને જમવા માટે બોલાવી લાવ.

સરિતામાં સ્નાન માટે ગયેલા દુર્વાસા આદિ સર્વ મુનિઓને જમવા માટે બોલાવવાને સહદેવ ગયો, ત્યારે મુનિઓ જળમાં ઊતરીને અઘમર્ષણ કરી રહેલા. તેમને પરમ તૃપ્તિપૂર્વક જમ્યાના ઓડકારો આવવા લાગ્યા.

એ સર્વ મુનિઓ દુર્વાસા સામે જોઇને બોલ્યા કે આપણે યુધિષ્ઠિરરાજને ભોજન તૈયાર કરાવવાનું કહીને સ્નાન કરવાને આવ્યા છીએ. પણ ગળા સુધી ધરાઇ ગયા છીએ તો હવે ત્યાં શું ખાઇ શકીશું ?

દુર્વાસા બોલ્યા કે યુધિષ્ઠિરની રસોઇ રઝળાવીને આપણે મહાન અપરાધ કર્યો છે. આપણને જોતાં જ પાંડવોની આંખમાં કોપ સળગી ઊઠે નહિ અને તેઓ આપણને બાળી નાખે નહીં તો સારું. અંબરીષના પ્રભાવને સંભારીને હું હરિચરણના આશ્રયી ભક્તજનોથી ડરું છું. વળી સર્વ પાંડવો મહાત્મા, ધર્મપરાયણ, શૂર, વિદ્યાનિપુણ, વ્રતનિષ્ઠ, તપોમય, સદાચારમય અને નિત્ય વાસુદેવપરાયણ છે. તેઓ ક્રોધ કરે તો અગ્નિ જેમ રૂના ઢગલાને બાળી નાખે છે તેમ આપણને બાળી નાંખે. આથી પાંડવોને કહ્યા વિના જ અહીંથી વિદાય થઇએ.

દુર્વાસા મુનિએ એ પ્રમાણે કહ્યું એટલે પાંડવોથી અત્યંત ભયભીત થયેલા તે સઘળા દશે દિશામાં દોટ મૂકીને નાસી ગયા. એ સહદેવના જોવામાં આવ્યા નહીં. ત્યાં રહેલા તપસીઓ પાસેથી તેણે સર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. આમ છતાં પાંડવો તેમના પાછા આવવાની રાહ જોતા બેસી રહ્યા.

શ્રીકૃષ્ણે ત્યાં પ્રગટ થઇને જણાવ્યું કે પરમક્રોધી દુર્વાસા ઋષિ તરફથી આપત્તિ આવેલી જાણીને દ્રૌપદીએ મારું ચિંતન કર્યું એટલે હું સત્વર આવ્યો છું. તમને હવે જરા જેટલો પણ ભય નથી કેમકે તે તો પ્રથમથી જ વિદાય થયા છે. જેઓ ધર્મપરાયણ છે તેમને કદી પણ આપત્તિ નથી આવતી.

શ્રી કેશવે કહેલાં વચનોને સાંભળીને પાંડવોના મન સ્વસ્થ થયાં. તેઓ દ્રૌપદીસહ સંતાપમુક્ત થયા અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યાં કે ગોવિન્દ ! તમે અમારા નાથ છો. મહાસાગરમાં ડૂબકાં ખાતાં માણસો જેમ નૌકાનો આશ્રય લઇને તરી જાય છે તેમ અમે તમારા સરખા તારણહારના આશ્રયથી દુસ્તર આપત્તિને પાર કરી ગયા છીએ.

એ પછી શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં ગયા.

પાંડવો દ્રૌપદી સાથે વનમાં પ્રસન્નતાપૂર્વક વિહાર કરતાં વસવા લાગ્યા.

દુર્યોધને એમને માટે ઊભું કરેલું સંકટ એવી રીતે અનાયાસે ટળી ગયું.

જીવ જ્યારે પણ સંકટમાં સપડાય ત્યારે શિવનું, સર્વાન્તરયામી સર્વેશ્વર પરમાત્માનું, શરણ લે અને એમની સહાયતા માગે તો ? એ શરણ નિષ્ફળ ના જાય, એને એ સર્વાન્તરયામી સર્વેશ્વર શિવની સહાયતા અવશ્ય મળે, અને એનું સંકટ દૂર થાય. શિવની સહાયતા સદાય સાંપડી શકે તેમ છે. જીવે ફક્ત તેને માટેની તૈયારી કરવી જોઇએ. શિવપ્રતિ સાચા ભાવથી અભિમુખ બનવું અને એમની સહાયતા માટે પ્રાર્થવું જોઇએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *