Friday, 20 September, 2024

જીવનનું પરમ કલ્યાણ

250 Views
Share :
જીવનનું પરમ કલ્યાણ

જીવનનું પરમ કલ્યાણ

250 Views

ભાગવતની ભાગીરથીનો અમૃતમય આસ્વાદ લેતા આપણે ઉત્તરોત્તર આગળ વધીને એકાદશ સ્કંધ સુધી આવી પહોંચ્યા છીએ. એકાદશ સ્કંધ દશમ સ્કંધ કરતાં કદમાં નાનો હોવા છતાં આત્મજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો આકર્ષક, આનંદદાયક અને અદ્દભુત છે. એથી આકર્ષાઇને કોઇ કોઇ રસિકો કે જિજ્ઞાસુઓ એનો પાઠ પણ કરે છે. મહાત્મા એકનાથે એની વિવેચના કરતાં એની ઉપર એકનાથી ભાગવતની રચના કરી છે જે વિદ્વાનોમાં ને ભાગવતપ્રેમીઓમાં અત્યંત આદરણીય મનાય છે. દશમ સ્કંધ ભાગવતના મંગલ મંદિરની મૂર્તિ છે તો એકાદશ સ્કંધ એ મંદિરના સુંદર શિખરનો સુવર્ણ કળશ અને દ્વાદશ સ્કંધ એની ઉપરની યશપતાકા છે. એકાદશ સ્કંધ આત્મજ્ઞાનના અલૌકિક અર્ક જેવો હોવાથી એનું અધ્યયન આવશ્યક મનાય છે.

એકાદશ સ્કંધના આરંભમાં જ કહેવામાં આવ્યુ છે કે ભગવાન કૃષ્ણની સંનિધિમાં રહેવાની ઇચ્છાથી પ્રેરાઇને દેવર્ષિ નારદ દ્વારકામાં અવારનવાર રહેવા માટે આવ્યા કરતા. એક વાર એ વસુદેવની પાસે આવી પહોંચ્યા ત્યારે વસુદેવે એમનું સમુચિત સ્વાગત તથા પૂજન કરીને એમને કહ્યું કે કૃપા કરીને તમે મને એ ધર્મો કે સાધનોના સંબંધમાં જણાવો કે જેમના વિશે જાણવાથી મનુષ્ય સંસારમાંથી મુક્તિ મેળવે છે. આ સંસારમાંથી મુક્તિ મેળવવાની ઇચ્છા હોવાથી તમારી પાસે જ્ઞાનોપદેશની માગણી કરું છું તો મને એવો કલ્યાણકારક ભવતારક ઉપદેશ આપીને કૃતાર્થ કરો.

દેવર્ષિ નારદે વસુદેવને સંભળાવેલો મહારાજા નિમિનો નવ શ્રેષ્ઠ યોગીશ્વરો સાથેનો સંવાદ ચિરસ્મરણીય હોવાથી વારંવાર વિચારવા જેવો છે. એનું અધ્યયન અત્યંત પ્રેરક થઇ પડશે. મહારાજા નિમિ સંતસમાગમની પ્રીતિવાળા હતા. સંતોના મહિમાને એ એમની શક્તિ પ્રમાણે સુચારુરૂપે સમજી શક્તા હોવાથી એ નવ યોગીશ્વરોના દેવદુર્લભ દર્શનથી ધન્ય બનીને એમણે એમની પ્રશસ્તિ કરતાં સુંદર શબ્દોમાં કહ્યું :

दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः ।
तत्रापि दुर्लभं मन्ये वैकुंठप्रियदर्शनम् ॥

‘જીવોને માટે ક્ષણભંગુર કહેવાતા મનુષ્યશરીરની પ્રાપ્તિ ખરેખર દુર્લભ છે અને એવા શરીરની પ્રાપ્તિ પછી પણ ભગવાનના પ્રિય ભક્તોનું કે સંતપુરુષોનું દર્શન એથી પણ દુર્લભ છે. ભગવદ્દદર્શનની દુર્લભતાનું તો કહેવું જ શું ?’

‘એટલા માટે હે પરમપવિત્ર સત્પુરુષો, તમારા દર્શન સમાગમનું સૌભાગ્ય સાંપડ્યું જ છે તો મને જણાવો કે પરમકલ્યાણનું સ્વરૂપ અને સાધન શું છે.’

‘મને શ્રવણનો અધિકારી માનતા હો તો ભાગવતધર્મોનો ઉપદેશ આપો. એમનાથી પ્રસન્ન થઇને અજન્મા ભગવાન શરણાગત ભક્તને પોતાની જાતનું પણ દાન કરી દે છે.’
(શ્લોક 30, 3૧, નો ભાવાર્થ)

એટલું કહીને મહારાજા નિમિ શાંત થયા એટલે કવિ નામના યોગીશ્વરે એમને ઉપદેશ આપ્યો. એમણે એમની વિલક્ષણ પદ્ધતિ પ્રમાણે જણાવ્યું કે ભગવાનની નિત્યનિરંતર અખંડ આરાધના અથવા ભક્તિ જ પરમકલ્યાણનું સાધન છે. એની મદદથી ભાગવતધર્મને જીવનમાં ઉતારવાથી આત્યંતિક શ્રેય સાધી શકાય છે.

આ અલૌકિક અવનીમાં અનેક પ્રકારનાં આશ્ચર્ય છે. આખી અવની અસાધારણ આશ્ચર્યોથી ને ચમત્કારોથી ભરેલી છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, પૃથ્વી, આકાશ સઘળું સર્જન એક અદ્દભુત આશ્ચર્યરૂપ છે. એમાં માનવશરીર જેવુ મહાન આશ્ચર્ય બીજું કોઇ જ નથી. એની પ્રાપ્તિ અને એને ધારણ કરવાનું સૌભાગ્ય કાંઇ જેવી તેવી ઘટના નથી. એમાં રહેવાનો સમય સર્વાધિક મહત્વનો ને મહામૂલ્યવાન છે. એ શરીરની શક્યતા ઘણી મોટી છે. એ દ્વારા ભગવાનની ભક્તિ કરવાની આવશ્યકતા પ્રત્યે કવિ નામના યોગીશ્વરે અંગુલિનિર્દેશ કર્યો છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *