Friday, 20 September, 2024

કલિયુગના ચાર આશ્રયસ્થાન

247 Views
Share :
કલિયુગના ચાર આશ્રયસ્થાન

કલિયુગના ચાર આશ્રયસ્થાન

247 Views

એકવાર પ્રજાહિતપરાયણ રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના સુંદર પવિત્ર તટપ્રદેશ પર પહોંચી ગયા. ત્યાં પહોંચીને એમણે જોયું તો એક રાજવેશધારી શૂદ્ર હાથમાં લાકડી લઇને ગાય તથા બળદને નિર્દયતાપૂર્વક માર મારી રહેલો. દૂબળો પાતળો સફેદ રંગનો બળદ એક પગના આધારે ઊભો રહીને ધ્રુજતો તથા ભયભીત બનીને મળમૂત્રનો ત્યાગ કરતો હતો. કામધેનુ જેવી ગાય પણ શૂદ્રના પદાઘાતથી દુઃખી હતી. એની આંખમાં અશ્રુ હતાં અને એ ક્ષુધાથી પીડિત દેખાતી હતી. એ દુઃખદ દૃશ્ય દેખીને પરીક્ષિતે એ રાજવેશઘારી શૂદ્રને લલકારતાં કહેવા માંડ્યું :

‘અરે, તું મારા રાજ્યમાં આ દુર્બળ પશુઓને શા માટે મારી રહ્યો છે ? વેશ તો તેં રાજા જેવો ધારણ કર્યો છે પરંતુ કર્મસંસ્કારની દૃષ્ટિએ તું શૂદ્ર છે. શ્રીકૃષ્ણે પોતાના પરમધામમાં પ્રયાણ કર્યું એટલે શું આ પૃથ્વી પર બીજું કોઇ નથી રહ્યું કે તું આવી રીતે ઉદ્દંડ બનીને નિરપરાધી અથવા નિર્બળને મારી રહ્યો છે ? તું ગમે તે હોય તો પણ તને દંડ આપવા માટે તારો વધ કરવો જ ઉચિત છે.’

એ પછી એમણે બળદને અને ગાયને આશ્વાસન આપ્યું. બળદના ત્રણ પગ કોઇએ કાપી નાખેલા એટલે એ એક જ પગે ચાલી રહેલો. એ જોઇને એમને અતિશય દુઃખ થયું. એના પગ શા માટે ને કોણે કાપી નાખ્યા એ જાણવાની એમને ઇચ્છા થઇ.

એ વખતે એમણે કહેલા કેટલાંક શબ્દો ખૂબ જ નોંધપાત્ર છે. એમની અસરકારકતા અથવા ઉપયોગિતા આટલાં બધાં વરસો પછી આજે પણ એટલી જ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ શબ્દો પરીક્ષિત જેવા આદર્શ પ્રજાપાલકની જાગૃતિ, અડગ નિષ્ઠા અને પ્રજા માટેની ઉત્તમોત્તમ લાગણી બતાવે છે. પ્રજાના નાયકો કે નેતાઓએ કેવી ઉદાત્ત સેવાભાવનાથી સંપન્ન બનવું જોઇએ એનો ખ્યાલ એ ઉદ્દગારો પરથી સહેજે ને સુચારુરૂપે આવી શકે છે. પરીક્ષિતે એ બંનેને ધીરજ, હિમત અને આશ્વાસન આપતાં જણાવ્યું કે હવે રડશો નહિ. નિર્ભય બની જાવ. હું દુષ્ટોને દંડ દેનારો છું. તમારું કલ્યાણ થાવ. જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી પ્રજા પીડા પામે છે એ મદોન્મત્ત, મિથ્યાચારી રાજા પોતાની કીર્તિ, જિંદગી, સંપત્તિ અને પરલોકની ગતિનો નાશ કરી નાખે છે. રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે એ દુઃખીના દુઃખ દૂર કરે ને સૌને સ્થિરતા, સ્વસ્થતા, સુખાકારી તથા શાંતિ આપે. આ દુષ્ટ તમારા જેવાં નિર્દોષ પશુઓને પીડા પહોંચાડે છે માટે એનો નાશ હમણાં જ કરી નાખું છું. 

                                              અધ્યાય ૧૭, શ્લોક ૧0-૧૧નો ભાવાર્થ

રાષ્ટ્રનાયકો કે નેતાઓએ પરીક્ષિતની એવી પરમપવિત્ર પરહિતકારી ભાવનામાંથી પ્રેરણા મેળવવાની છે. અંતર જ્યાં સુધી સંવેદનશીલ ના હોય અને પ્રજાનાં દુઃખદૈન્ય સ્પર્શતાં ના હોય ત્યાં સુધી કોઇ આદર્શ નેતા, નાયક કે પ્રજાપાલક ના બની શકે. નેતા, નાયક કે પ્રજાપાલકે પોતાના જીવનનો ઉપયોગ બીજાને  સુખશાંતિ, સ્થિરતા ને સ્વચ્છતા પ્રદાન કરવા તથા સૌની સમુન્નતિ ને સમૃદ્ધિ માટે કરવો જોઇએ. એવી ઉદાત્ત ભાવનાને ભૂલીને નેતા કે નાયક જ્યારે સ્વાર્થી, સત્તાલોલુપ, સરમુખત્યાર, વિલાસી, પોતાની જ સુખાકારી કે સમૃદ્ધિને મહત્વ આપનારો અને અહંકારી બની જાય છે ત્યારે પોતાને ને બીજાને હાનિ પહોંચાડે છે. એણે સદાય સેવક તરીકે જીવવાનું છે અને સ્વામી નથી બનવાનું.

બળદના રૂપમાં ધર્મ પોતે હતો. પરીક્ષિતના શબ્દો સાંભળીને એનું અંતર પ્રસન્ન થયું. એનો રહ્યોસહ્યો ભય દૂર થયો. એણે શાસ્ત્રવિદ્ અથવા પંડિતપ્રવરની પરિભાષામાં જણાવ્યું કે જીવોના ક્લેશનું મૂળ કારણ શું છે એ વિશે ધર્મશાસ્ત્રોના અભિપ્રાયો પણ જુદાંજુદાં છે. જે કોઇ પણ પ્રકારના દ્વૈતનો સ્વીકાર નથી કરતા તે પોતાને જ દુઃખ કે ક્લેશનું કારણ માને છે. કોઇ પ્રારબ્ધને કારણ માને છે, તો કોઇ કર્મને. કોઇ સ્વભાવને તો કોઇ ઇશ્વરને. કોઇ વળી એવું પણ કહે છે કે એનું કારણ તર્ક દ્વારા સમજી કે સમજાવી શકાતું નથી ને વાણી દ્વારા વર્ણવી નથી શકાતું. એ બધામાં કયો મત બરાબર છે તે તો તમે જ કહી શકો.

એ સાંભળીને પરીક્ષિતનું મન ખેદરહિત ને પ્રસન્ન બન્યું. એમણે ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણી લીધું. ધર્મના ચાર અંગ અથવા ચરણ છે : સત્ય, દયા, તપ અને પવિત્રતા. એમાંથી ત્રણ અંગોનો નાશ થવાથી ધર્મરૂપી બળદ સત્યરૂપી એક જ ચરણના આધારે ચાલતો હતો. પરીક્ષિતને એ જાણતાં વાર ના લાગી. સત્યનું એ ચોથું ચરણ પણ બરાબર સ્થિર ન હતું અને વધારે ને વધારે અસ્થિર બનતુ જતું હતું.

ગાય પૃથ્વીનું પ્રતીક હતી. કલિયુગના જુદા જુદા દોષોથી ભરેલા દુષ્ટ રાજાઓ હવે એની સારી પેઠે સંભાળ નહિ રાખે એવી આશંકાથી એ ભયભીત તથા દુઃખી થઇ રહેલી. પરીક્ષિતે એના રહસ્યને પણ જાણી લીધું.

અધર્મના આશ્રયરૂપ કલિયુગનો નાશ કરવા માટે એમણે તલવાર તાણી એટલે કલિયુગ ભયભીત થઇને એમને શરણે આવ્યો.

પરીક્ષિતે એને ક્ષમા તો પ્રદાન કરી અને જીવનદાન આપ્યું પરંતુ સાથે સાથે પોતાના ધર્મભાવનાયુક્ત રાજ્યમાંથી બહાર જવાનો આદેશ આપ્યો ત્યારે કલિયુગે પોતાના નિવાસ માટે કોઇ સ્થાનની માગણી કરી.

કલિયુગની પ્રાર્થનાને લક્ષમાં લઇને મહારાજા પરીક્ષિતે એને રહેવા માટે ચાર સ્થાનો આપ્યાં : દ્યુત, મદિરાપાન, સ્ત્રીસંગ અને હિંસા. એ ચાર સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતાનો નિવાસ છે.

કલિયુગે પોતાને રહેવા માટે બીજાં પણ કેટલાંક સ્થળોની માંગણી કરી ત્યારે પરીક્ષિતે એને બીજું સ્થાન આપ્યું-સુવર્ણ. એથી એને સંતોષ થયો.

પરીક્ષિતે પછી ધર્મના પ્રતિનિધિ જેવા બળદના ત્રણે ચરણો સારા કર્યા.

આ કથાનો મધ્યવર્તી વિચાર અથવા સાર શો છે ? એ જ કે કલિયુગનાં મુખ્ય આશ્રયસ્થાન પાંચ છે : દ્યુત, મદિરાપાન, શરીરની આસક્તિ, હિંસા અને ધનલાલસા. આત્મકલ્યાણની કામનાવાળા આત્માઓએ તથા બીજાના હિતચિંતકોએ, સેવકોએ, નેતાઓએ કે ગુરુજનોએ એમનાથી સદાને માટે દૂર રહેવું જોઇએ. આજના સમયનું નિરીક્ષણ કરીને આપણે એ સૂચિમાં કલિયુગના એક વધારાના છઠ્ઠા સ્થાનનો ઉમેરો કરીએ તો એ અસ્થાને નહિ ગણાય-સત્તાની કે પદપ્રતિષ્ઠાની લોલુપતાનો. જે એ છ વસ્તુઓથી દૂર કે મુક્ત છે તે સત્યયુગમાં જીવે છે એવું કોઇ પણ પ્રકારની અતિશયોક્તિ વિના કહી શકાય.

એક બીજી વિશેષ વસ્તુ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરી લઇએ. આ કથામાં જે બતાવવામાં આવ્યાં છે તે તો કલિયુગનાં અને એમનાં અનેકવિધ અનિષ્ટોનાં બાહ્ય આશ્રયસ્થાનો છે, પરંતુ એનું મૂળભૂત સૂક્ષ્મ આભ્યંતર આશ્રયસ્થાન તો મનુષ્યનું મન છે. સત અને અસતના શુભાશુભ સંસ્કારો, ભાવો કે વિચારો ત્યાં જ પ્રસન્નપણે પ્રકટતા, પ્રાદુર્ભાવ પામતા, અંકુરિત થતા ને નવપલ્લવિત બનતા હોય છે. એ મનને સુધારવાથી ને સાત્વિક કરવાથી સત્યુગની સૃષ્ટિ થાય છે તથા બગાડવાથી ને તમોગુણના તમિસ્ત્રે ભરવાથી કલિયુગ બને છે. માનવે પોતે જ પસંદ કરી લેવાનું છે કે એ સત્યયુગમાં શ્વાસ લેવા માગે છે કે કલિયુગ, એને સત્યયુગ જોઇએ છે કે કલિયુગ, અને એને અનુસરતી સાધનામાં લાગી જવાનું છે. પોતાના વ્યક્તિગત જીવનમાં સત્યયુગની કે કલિયુગની સૃષ્ટિ કરવા માટે એ સ્વતંત્ર છે. એને માટેના પ્રામાણિક પદ્ધતિસરના પ્રયત્નો કરવામાં તો સ્વતંત્ર છે જ. અને જે નિયમ વ્યક્તિને લાગુ પડે છે તે જ સમષ્ટિને પણ લાગુ પડે છે. પ્રત્યેક વ્યક્તિ કલિયુગની કાલિમાને દૂર કરીને સત્યયુગના સુપ્રકાશને પોતાની અંદર અને બહાર પ્રકટાવવાના ને પ્રસારવાના પ્રયત્નમાં લાગી જાય તો સમષ્ટિનું સ્વરૂપ બદલાઇ જાય અને અધિક સુંદર, સંવાદી, સત્વશીલ, સત્યપરાયણ તેમજ સુખમય થાય એમાં સંદેહ નથી.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *