કૃષ્ણની અલૌકિકતા
By-Gujju21-04-2023
કૃષ્ણની અલૌકિકતા
By Gujju21-04-2023
મહાભારતના ઉલ્લેખાનુસાર સંગ્રામમાં કૌરવો પર વિજય મેળવ્યા પછી યુધિષ્ઠિર પાંડવો તથા દ્રૌપદી સાથે હસ્તિનાપુરમાં પ્રવેશ્યા ત્યારે એમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.
એ પછી એક ધન્ય દિવસે એમનો વિધિપૂર્વક રાજ્યાભિષેક થયો.
ભાગ્યચક્રનું એ અવનવું પ્રેરક પરિવર્તન.
ભાગ્યચક્ર એવી રીતે શુભાશુભ પરિવર્તન પામ્યા કરે છે.
શુભ પરિવર્તન સુખ આપે છે અને અશુભ પરિવર્તન દુઃખ.
જીવન સુખ તથા દુઃખના, શાંતિ અને અશાંતિના, લાભાલાભના, જયપરાજયના, અને જન્મમરણના અથવા સર્જન-વિસર્જનના સંગમસ્થળ સમાન છે.
કોઇ એને પામીને પ્રસન્નતાને અનુભવે છે તો કોઇ અપ્રસન્નતાને.
કોઇ હસે છે તો કોઇ રડે છે.
કોઇ આગળ વધે છે તો કોઇ પાછળ પડે છે.
કોઇ એને આશીર્વાદરૂપ સમજે છે તો કોઇ અભિશાપસ્વરૂપ.
રાજ્યાભિષેકને લીધે જીવનને મંગલ મહોત્સવમય માનીને યુધિષ્ઠિર સૌનો સમુચિત સત્કાર કરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યા ત્યારે શ્રીકૃષ્ણ મણિ તથા સુવર્ણથી સુશોભિત સુંદર પલંગ પર પ્રસન્નતા તથા શાંતિપૂર્વક વિરાજેલા.
એ જાજ્વલ્યમાન શરીરવાળા અને દિવ્ય અલંકારોથી સુશોભિત જણાતા હતા. તેમણે પીતાંબરને ધારણ કર્યું હતું. તેમના વક્ષઃસ્થળમાં જાણે સુવર્ણમાં જડ્યો હોય તેવો કૌસ્તુભમણિ વિરાજી રહ્યો હતો. એ ઉદયાચલના શિખર ઉપર આરૂઢ થયેલા સૂર્યદેવ જેવા શોભી રહેલા.
શ્રીકૃષ્ણને વિચારલીન થયેલા જોઇને યુધિષ્ઠિરે પૂછયું કે આપ વિચારમગ્ન થયા છો ? તમે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિથી પર રહેલા ચોથા તુરીય માર્ગમાં સ્થિત થયા છો. તમે સૂક્ષ્મ શરીરે ક્યાંક ગયા હો એવું લાગે છે. તમે કાષ્ઠ, ભીંત કે શિલાની પેઠે નિશ્ચેષ્ટ દેખાવ છો. વાયુરહિત પ્રદેશમાં રહેલો દીપક જેમ સ્થિર થઇને પ્રકાશે છે તેમ તમે પણ સ્થિર થઇ ગયા છો, અને પાષાણની પેઠે નિશ્ચલ દેખાવ છો. હું આપને શરણે આવી યાચના કરું છું કે, આપ જે વિચારમાં મગ્ન થયા છો તે જો ગુપ્ત ન હોય તથા મારે સાંભળવા યોગ્ય હોય તો મને કહો અને મારો સંશય દૂર કરો.
યુધિષ્ઠિરની પ્રાર્થનાને લક્ષમાં લઇને શ્રીકૃષ્ણ બોલ્યા કે શાંત થયેલા અગ્નિની પેઠે બાણશય્યામાં પોઢેલા ભીષ્મે મારું ધ્યાન કર્યું તેથી મારું મન તેની પાસે પહોંચી ગયું. ભીષ્મ પિતામહના ધનુષની દોરીના ટંકારને સાક્ષાત્ દેવરાજ પણ સહન કરી શકતો ન હતો તે ભીષ્મની પાસે હું મન દ્વારા ગયો હતો, જેણે પૂર્વે સમસ્ત રાજમંડળને બળપૂર્વક જીતીને કાશીરાજની અંબા, અંબાલિકા અને અંબિકા નામની ત્રણ રાજકન્યાઓનું હરણ કર્યું હતું. અને તે પૈકી બે કન્યાઓ પોતાના ભાઇ સાથે પરણાવી હતી. તે ભીષ્મની પાસે હું મન દ્વારા ગયો હતો. જેણે તેવીસ દિવસ સુધી પોતાના ગુરુ પરશુરામ સાથે યુદ્ધ કરીને તેમને હંફાવ્યા હતા; તે ભીષ્મની પાસે હું મન દ્વારા ગયો હતો. પિતામહ ભીષ્મ ઇન્દ્રિયોને, મનને અને બુદ્ધિને મારામાં સ્થાપીને મારે શરણે આવ્યા હતા. તેથી મારું મન તેમની પાસે ગયું હતું.
ભીષ્મ પોતાનાં સુકૃત્યોને લીધે સ્વર્ગારોહણ કરશે ત્યારે પૃથ્વી અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત થઇ જશે. માટે ગંગાપુત્ર ભીષ્મ સ્વર્ગારોહણ કરે તે પહેલાં તમે તેમની પાસે પહોંચીને તેમનાં ચરણમાં મસ્તક નમાવીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સંબંધમાં પ્રશ્નો પૂછો. બ્રાહ્મણાદિ ત્રણ વર્ણો માટેના યજ્ઞાદિ વિશિષ્ટ ધર્મો પૂછો, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ એ ચારે આશ્રમોના ધર્મોને અને સમગ્ર રાજધર્મોને પૂછો. ભીષ્મનો અસ્ત થશે ત્યારે સર્વ પ્રકારના જ્ઞાનોનો પણ અસ્ત થશે માટે તેમની પાસે પહોંચીને જ્ઞાનોપદેશને ગ્રહણ કરો.
યુધિષ્ઠિરે જણાવ્યું કે મારા ઉપર અનુગ્રહ કરવાનો આપનો સંકલ્પ હોય તો અમે બધા આપને અગ્રેસર કરીને ભીષ્મની પાસે જઇએ. આપ અમારા અગ્રેસર બનો. ભગવાન સૂર્યદેવ ઉત્તરાયણના થશે એટલે ભીષ્મ પિતામહ દિવ્યલોકમાં પ્રયાણ કરશે માટે આપનું દર્શન કરવાને તે યોગ્ય છે.
યુધિષ્ઠિરની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં શ્રીકૃષ્ણ અગ્રેસર થઇને ભીષ્મ પાસે જવા તૈયાર થયા.
ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ પાસે પહોંચીને એમના જ્ઞાનામૃતનો લાભ લેવાનો આદેશ આપ્યો, એનો અર્થ એવો થાય છે કે શ્રીકૃષ્ણ ગુણદર્શી અને ગુણાનુરાગી હતા. જ્ઞાનના પ્રશંસક અથવા પૂજારી હતા. યુધિષ્ઠિર એમની પાસે પહોંચ્યા ત્યારે એ સમાધિદશામાં લીન જેવા હતા અને મનથી ભીષ્મ પિતામહ પાસે પહોંચી ગયેલા. એ ઘટના દર્શાવે છે કે એમની પાસે દૂર-સુ-દૂર પહોંચી જવાની અસાધારણ આત્મશક્તિ હતી. યુધિષ્ઠિરે પ્રાર્થના કરી તો એના પ્રત્યુત્તર રૂપે એ પણ ભીષ્મની પાસે પહોંચવા માટે તૈયાર થયા. એ પ્રસંગ પરથી એમની અસાધારણ નમ્રતા અને વડીલો કે ગુરુજનો અથવા પ્રાજ્ઞ પુરુષો પ્રત્યેની અસીમ શ્રદ્ધાને પ્રગટ કરે છે.