Friday, 20 September, 2024

નારાયણનું સ્વરૂપ

246 Views
Share :
નારાયણનું સ્વરૂપ

નારાયણનું સ્વરૂપ

246 Views

મહારાજા નિમિએ આગળ પૂછ્યું :

‘તમે બધા બ્રહ્મવેત્તાઓ છો. તો તમે તમારા અનુભવના આધાર પર જણાવો કે નારાયણરૂપે વર્ણવાયેલા પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ શું છે. ’

એ પ્રશ્નોના પ્રત્યુત્તર પ્રદાન કરવાનું કાર્ય પાંચમા યોગીશ્વર મહાત્મા પિપ્પલાયને કર્યું.

નારાયણ પરમ સત્યસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. નર જીવ છે અને નારાયણ શિવ. એ મુક્ત ને પૂર્ણ છે. એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રશાંતિના નિમિત્ત અને ઉપાદાન કારણ છે છતાં કારણરહિત, અજન્મા કે સ્વયંભુ છે. એ સ્વપ્ન, જાગૃતિ તથા સુષુપ્તિ અવસ્થામાં એમના દૃષ્ટા કે સાક્ષી તરીકે રહે છે અને સિદ્ધ યોગીઓની સમાધિમાં પણ વસે છે. શરીર, મન, ઇન્દ્રિયો ને પ્રાણને એમની દ્વારા જ શક્તિ મળે છે. એમને લીધે જ એ પોતપોતાના ગુણધર્મો કે વિષયોમાં પ્રવૃત્ત બને છે.

એમનું પૂરેપૂરું વર્ણન કોણ ને કેવી રીતે કરી શકે ? એમને અનુભવીને એમને વર્ણવવાના પ્રયત્નો થયા છે ખરા પરંતુ એ પ્રયત્નો મર્યાદિત અથવા અધુરા છે. એટલા માટે તો છેવટે એ વર્ણનાત્મક પ્રયત્નની ‘નેતિ નેતિ’ શબ્દો દ્વારા પરિસમાપ્તિ કરવામાં આવી છે. એ બતાવે છે કે પરમાત્મા અથવા નારાયણ વર્ણનાતીત છે. જે એમને પરિપૂર્ણપણે અનુભવવાનો કે વર્ણવવાનો દાવો કરે છે તે ભૂલ કરે છે. એવો દાવો તદ્દન નિરાધાર છે. જે એમને ઓછાવત્તા પ્રમાણમાં અનુભવે છે અને એમની પાસે પહોંચે છે તે તો નમ્ર બને છે. નમ્રાતિનમ્ર.

પરમાત્મોનો સાક્ષાત્કાર કરવાની ઇચ્છાવાળો અંતરંગ સાધનાનો આધાર લઇને પરમાત્માની પરમ ચેતનાનો સંસ્પર્શ અથવા સાક્ષાત્કાર કરે છે ત્યાં જ એની અસ્મિતા ઓગળી જાય છે. એ એમાં વિલિન થાય છે અથવા એની સાથે એક બની જાય છે. તો પણ એટલો સંસ્પર્શ કે સાક્ષાત્કાર પણ એના જીવનની શાંતિ, પ્રસન્નતા તથા કૃતકૃત્યતાને માટે પૂરતો થઇ પડે છે. તૃષાતુર માણસ સરિતા પાસે પહોંચે એટલે આખી સરિતાને માપવાની, સ્પર્શવાની કે પીવાની જરૂર નથી પડતી. તૃષાની તૃપ્તિ કરે એટલું પાણી જ એને માટે પૂરતું થઇ પડે છે. ક્ષુધાર્તને સમસ્ત સંસારનાં ભોજનો એકઠાં કરવાની આવશ્યકતા નથી હોતી. એની ક્ષુધાની શાંતિ થાય એટલું ભોજન એને મળી રહે એટલે થયું. તાપતપ્ત પ્રવાસીને એના પ્રવાસપંથમાં આવતા એકાદ વૃક્ષની શીળી છાયા મળી જાય એટલે થયું. એને સમસ્ત સંસારના વૃક્ષોની છાયાની આવશ્યકતા નથી હોતી. પરમાત્માનો સાક્ષાત્કાર કરનારા સાધકના સંબંધમાં પણ એવું જ સમજી લેવાનું છે.

નારાયણના થવા ને નરમાંથી નારાયણ બનવા માટે માનવજીવન મળેલું છે. એ પ્રયોજનની પૂર્તિ માટેની સમુચિત સુવ્યવસ્થિત સાધનાના અનુષ્ઠાનમાં જ જીવનની સફળતા સમાયેલી છે. સાધનસામગ્રીનો તથા શક્તિનો સદુપયોગ પણ એમાં જ છે. નારાયણ સર્વજ્ઞ, સર્વસમર્થ ને સર્વવ્યાપક છે. આ બધું એ જ છે. એનો અર્થ એ કે એ મારા વિચારોને, ભાવોને ને કર્મોને જાણે છે. એ સર્વસમર્થ હોવાથી એમનો આશ્રય લેનાર નિશ્ચિંત ને નિર્ભય થઇ જાય છે. એ એની સર્વપ્રકારે ને સર્વસ્થળે રક્ષા કરે છે. એમની સર્વવ્યાપકતાનો અનુભવ સાધકે સર્વત્ર કરતાં શીખવું જોઇએ. નાના ને મોટા, સુંદર અને અસુંદર, આકર્ષક અને અનાકર્ષક પદાર્થોની અંદર અને એ પદાર્થોના રૂપમાં એમનો વાસ છે એવો સ્વાનુભવ સાધકે સદાને સારું કરવો જોઇએ. જે છે તે સઘળું નારાયણરૂપ જ છે એવો સ્વાનુભવ સહજ થવાથી જીવન શાંતિમય, સંવાદી, સમુજ્જવલ, સફળ, સાર્થક તથા ધન્ય બને છે.

જીવન આખુંય નારાયણમય બની જાય તો કેટલો આનંદ આવે ? એ જીવન કેટલું બધું મંગલ મહોત્સવરૂપ થઇ જાય ? આજે માનવ નારાયણને ભૂલીને દુનિયાના વિષયોમાં ડૂબ્યો છે માટે જ દુઃખી છે, બેચેન છે, બંધનગ્રસ્ત છે, અથવા અશાંત છે. કેવળ ભૌતિક સુખસંપત્તિ અને ઇન્દ્રિયોના વિષયો જ એને શાશ્વત સુખશાંતિથી સંપન્ન નહિ કરી શકે. એણે નારાયણ સાથે સ્નેહસંબંધ બાંધીને નારાયણપરાયણ બનવું પડશે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *