Tuesday, 16 July, 2024

પરીક્ષિતનો પશ્ચાતાપ

213 Views
Share :
પરીક્ષિતનો પશ્ચાતાપ

પરીક્ષિતનો પશ્ચાતાપ

213 Views

આ જગતમાં જુદી જુદી જાતના માનવો છે. માનવોની એક શ્રેણી એવી છે કે જે ભૂલને ભૂલ તરીકે માનતી નથી. એથી આગળ વધીને ભૂલને માટે ગૌરવ પણ લેતી હોય છે. ભૂલને ભૂલ તરીકે માનવાની કે સ્વીકારવાની વૃત્તિ જ ના હોય ત્યાં ભૂલને પરિણામે જે પરિતાપ થાય છે તે પરિતાપ થવાનો સંભવ જ ક્યાં રહે છે ?

બીજા શ્રેણીના માનવો પોતાની ભૂલને પકડી પાડે છે, ભૂલ તરીકે માને છે, અને એનો અફસોસ પણ કરે છે. પ્રત્યેક ભૂલ વખતે એને માટે અફસોસ કરવાની એમને ટેવ પડી જાય છે. એ ટેવ સારી છે છતાં પણ એ એથી આગળ નથી વધી શકતા.

ત્રીજી શ્રેણીના માનવો જરાક જુદા છે. વિકાસની દૃષ્ટિએ જોતાં પ્રથમની બંને શ્રેણીના માનવો થોડાક આગળ છે. એ પણ ભૂલ તો કરે છે, ભૂલને ભૂલ તરીકે સમજે છે, એને પરિણામે એમને પરિતાપ પણ થાય છે, પરંતુ એથી આગળ વધીને એ એવો પરિતાપ પુનઃપુનઃ કરવો ના પડે એટલા માટે સતત જાગ્રત રહીને ભૂલનું પુનરાવર્તન નથી કરતા.

ચોથી શ્રેણીના માનવો આત્મવિકાસના ઉત્તરોત્તર ક્રમને પરિણામે એવી અસાધારણ અવસ્થાએ પહોંચી જાય છે કે ભૂલ ના કરવાનો એમનો સ્વભાવ જ થઇ જાય છે. એમના વિચારો, ભાવો, સંકલ્પો અને સંસ્કારો એટલા બધા પવિત્ર થાય છે અને ઉદાત્ત બની જાય છે કે એમનાથી જ્ઞાત અથવા અજ્ઞાત રીતે ભૂલ થતી જ નથી. ભૂલ જ ના થતી હોય તો એનો પશ્ચાતાપ કરવાનો પ્રસંગ ક્યાં રહે છે ? એવી અવસ્થા આ જગતમાં અતિશય અપવાદરૂપ કે વિરલ હોય છે અને એની પ્રાપ્તિ ઘણા લાંબા વખત પછી કોઇકને જ થતી હોય છે.

એટલી બધી ઊંચી અવસ્થાએ ના પહોંચી શકાય તો પણ માનવ ભૂલને ભૂલ તરીકે ઓળખીને એને માટે પશ્ચાતાપ કરે, એનું પુનરાવર્તન ના થવા દેવાનો સંકલ્પ કરે, અને એ સંકલ્પને સાચવી રાખીને એનું પુનરાવર્તન ના થવા દે તો પણ કાંઇ ઓછું નથી. એટલી સિદ્ધિ પણ જીવનવિકાસના વિશાળ ક્ષેત્રમાં કાંઇ નાનીસૂની નથી સમજવાની.

જે વારંવાર પશ્ચાતાપ કર્યા કરે ને ભૂલનું પુનરાવર્તન કરે તેને માટે તો કહેવું જ શું ? તેનો પશ્ચાતાપ પાકો ના કહેવાય. પશ્ચાતાપ કરવાની એ પ્રક્રિયા જડ કે પરંપરાગત ના બની જાય ને યાંત્રિક ના થાય તેનું તેમણે ધ્યાન રાખવાનું છે. પશ્ચાતાપની પ્રક્રિયા જો સાચી હશે, અંતરના અંતરતમની હશે તો પણ એક દિવસ એમનો અંતરાત્મા પૂરેપૂરો જાગી ઊઠશે, એમને અસાધારણ સામર્થ્યની પ્રાપ્તિ થશે, અને એ ભૂલની ગમે તે કારણે થતી પુનરાવૃત્તિમાંથી મુક્તિ મેળવશે. એમને માટે પણ આશા તો છે જ.

અને જે ભૂલને ભૂલ તરીકે નથી સમજતા કે નથી સ્વીકારતા એમને માટે પણ આશાના મંગલ મંદિરના દ્વાર કાયમને માટે બંધ થઇ ગયાં છે એવું થોડું જ છે ? ના. એ પણ માનવના જીવન વિકાસના નૈસર્ગિક નિયમ પ્રમાણે ક્રમેક્રમે આગળ વધીને એક દિવસ જાગી ઊઠશે, સદૂબુદ્દિથી સંપન્ન બનશે, ભૂલને ભૂલ તરીકે ઓળખશે, સુધારવાનો પ્રયત્ન કરશે, સુધારશે, અને એનું પુનરાવર્તન કદી પણ નહિ થવા દે. એવી રીતે એમને માટે પણ આશા તો છે જ. જીવનવિકાસના ક્ષેત્રમાં એ ખૂબ ખૂબ પાછળ છે એટલું જ. પરંતુ આગળ જતાં કદી પણ આગળ નહિ થઇ જાય એવું કોઇ પણ ના કહી શકે. આજે જે એકદમ આગળ છે એ અગાઉથી જ આગળ હતા ને કોઇ પણ દિવસ પાછળ જ ન હતા–જરા પણ પાછળ ન હતા, એવું કોણ કહી શકે ? જીવન તો વિકાસના સ્વાભાવિક સુનિશ્ચિત ક્રમનું પરિણામ છે. જે પર્વત પર પહોંચેલા દેખાય છે તે એક વાર તળેટી પર હતા જ. ત્યાંથી જ એમના પ્રવાસનો પ્રારંભ થયેલો. એ પ્રમાણે તળેટીવાળા પણ જો ચાહશે અને સમુચિત સાધનોનો આધાર લઇને પ્રયત્ન કરશે તો પર્વત પર પહોંચશે જ. આજે જેમને પર્વતારોહણની ઇચ્છા નથી થતી તેમને એક નહિ તો બીજા દિવસે થશે જ.

જીવનના એ વિકાસ ક્રમમાં પરીક્ષિત ક્યાં ઊભેલા ? એ વિકાસની સર્વોચ્ચ શ્રેણી પર તો નહોતા પહોંચ્યા, તો પણ છેક જ નિમ્ન શ્રેણીએ પણ નહોતા અટક્યા. સંક્ષેપમાં કહીએ તો એ વિકાસક્રમમાં એમનું સ્થાન વચ્ચે હતું.

એક અથવા બીજા કારણે એમના સરખા સુવિચારશીલ સુસંસ્કૃત પુરુષને જરા પણ છાજે નહિ એવી ભૂલ એ કરી બેઠા તો ખરા પરંતુ હસ્તિનાપુરમાં પહોંચ્યા પછી એ ભયંકર ભૂલને એ સમજી ગયા. એ ભૂલ એમને સાલવા માંડી.

એમનું દિલ ડંખવા લાગ્યું. ઋષિ બાહ્ય સંસારના સંબંધને છોડીને પરમાત્માની અલૌકિક આરાધનામાં ઓતપ્રોત બની ગયેલા. એમનું દર્શન કેવું અદૂભુત અને આનંદદાયક હતું ! એવું ધન્ય દર્શન કોઇક વિરલ સ્થળે જ થતું હોય છે. એમનો લાભ લેવાને બદલે પોતે એમનું અસાધારણ અપમાન કર્યું. એ અપરાધ ખરેખર અક્ષમ્ય છે.

પોતાનો વ્યવહાર એકદમ અશુભ અને અનાર્ય પુરુષોને છાજે તેવો નિંદ્ય હતો એની પરીક્ષિતને પ્રતીતિ થઇ. એમને નિશંક રીતે લાગ્યું કે એવા અશુભ વ્યવહારના પરિણામે પોતાને કોઇક ભયંકર આપત્તિ વેઠવી પડશે. એવી વિપત્તિ વેઠવી પડશે તો તે મારા હિતમાં જ હશે કારણ કે એને લીધે મારા પાપનું પ્રાયશ્ચિત થઇ જશે અને પછી ભૂલેચૂકે પણ એવા પાપકર્મમાં મારી પ્રવૃત્તિ નહિ થાય.

એમના મનમાં એવા તર્કવિતર્કો થઇ રહેલા તે જ વખતે એમને માહિતી મળી કે શમીક મુનિનાં તપસ્વી પુત્ર શ્રૃંગીએ એમને શાપ આપ્યો છે. એ માહિતી એમને એટલી બધી આનંદદાયક તો ના જ લાગી. જીવન કોને પ્રિય નથી હોતું ને મરણ કોને પસંદ પડે છે ? તો પણ એમણે એ શાપને આશીર્વાદરૂપ જ માન્યો. એમને થયું કે સંસારની રહીસહી આસક્તિનો અંત પણ હવે આપોઆપ જ આવી જશે. જીવનમાં હવે વૈરાગ્યની અખંડ જ્વાળા જાગી જશે.

પરીક્ષિતના જીવનમાં વૈરાગ્યની અખંડ જ્વાળા જાગી ગઇ. એમને તો ખબર હતી કે જીવન ફક્ત સાત દિવસમાં પૂરું થશે કે સંકેલાઇ જશે પરંતુ બીજા મનુષ્યોને એટલીયે ખબર ક્યાં છે ? એમનું જીવન કેટલા દિવસ ટકશે એની માહિતી આપતો કોઇ લેખિત દસ્તાવેજ એમની પાસે નથી. કાળ એમના મસ્તક પર પ્રત્યેક પળે ફર્યા કરે છે. એના ભોગ એમને ક્યારે ક્યાં ને કેવી રીતે બનવું પડશે એ વિશે એ ચોક્કસપણે કશું નથી કહી શકે તેમ. એમના અંતર અને એમની આંખ આગળ અજ્ઞાનનો ગાઢ પડદો પથરાયલો છે. તો પણ એટલું તો નિર્વિવાદ છે કે સૌએ એક દિવસ જવાનું છે ને સાત દિવસમાંથી કોઇ એક જ દિવસે-ગમે તે એક દિવસે જવાનું છે. છતાં પણ જીવનમાં જાગ્રત બનીને સંસાર પ્રત્યેના વૈરાગ્યભાવને કોણ જગાવે છે અને પોતાના જીવનનું અહંતા, મમતા અને આસક્તિથી રહિત બનવાની કોશિશ કરીને શ્રેય પણ કોણ સાધે છે ? એવા શ્રેયનો સંકલ્પ પણ કોણ કરે છે ? મોટા ભાગના મનુષ્યોના જીવનની એ જ કરુણતા છે.

પરીક્ષિત સદ્દબુદ્ધિસંપન્ન હોવાથી આ લોક અને પરલોકના ભોગોની અસારતાને સારી પેઠે સમજી શકેલા. એમનામાંથી એમણે મનને ઓછેવત્તે અંશે નિવૃત્ત પણ કરેલું. એમણે જીવનના શેષ સમયને સુધારી લેવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પથી પ્રેરાઇને અંતકાળ સુધીનું અનશનવ્રત લઇને એ ગંગાતટ પર બેસી ગયા. અંતકાળે પરમાત્મા વિના બીજું શું કામ આવવાનું છે ? મનુષ્યના સાચા સખા, સુહૃદ અને સહાયક એ જ છે. એમનું સ્મરણ-મનન તથા શરણ જ સર્વપ્રકારે કલ્યાણકારક છે. પરીક્ષિતને એ વાત સુચારુરૂપે સમજાઇ ગઇ. એમણે શ્રીકૃષ્ણનું સાચા દિલથી શરણ લીધું.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *