Friday, 12 July, 2024

સરળ સાધનામાર્ગ

226 Views
Share :
સરળ સાધનામાર્ગ

સરળ સાધનામાર્ગ

226 Views

ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગસાધનાના મર્મને સમજ્યા પછી અર્જુન એ યોગસાધના ખૂબ જ કઠિન હોવાથી કેવી રીતે સિદ્ધ કરવા એવો ભગવાન કૃષ્ણને માર્મિક પ્રશ્ન પૂછે છે. તેવી જ રીતે ઉદ્વવે ભાગવતના એકાદશ સ્કંધના ર૯મા અધ્યાયના આરંભમાં જ ભગવાનને જણાવ્યું કે તમે બતાવેલી આ યોગસાધના મને ખૂબ જ કઠિન લાગે છે. એટલા માટે એવું કોઇ સરળ ને સુગમ સાધન બતાવો કે જેથી સહેલાઇથી પરમપદની પ્રાપ્તિ કરી શકાય.

એના ઉત્તરમાં ભગવાન કૃષ્ણે ભાગવતધર્મોના પાલનના સરળ સાધનામાર્ગનો ઉપદેશ આપ્યો. એ ભાગવતધર્મોનું સ્પષ્ટીકરણ આગળ પર પણ કરવામાં આવ્યું છે. એનો સારસંદેશ સંભળાવતાં ભગવાને જણાવ્યું કે માનવે ઘર, કુટુંબ કે કર્તવ્યનો ત્યાગ નથી કરવાનો. એવો બાહ્ય ત્યાગ સૌને માટે આવશ્યક નથી. જે નિતાંત આવશ્યક છે એ તો અંદરનો ત્યાગ છે. સર્વ કાંઇ છોડીને કર્તવ્યવિમુખ બનીને બેસી રહેવાને બદલે માનવે કર્તવ્યપરાયણ બનવું જોઇએ. કર્મો કરતાં કરતાં પણ મન તથા બુદ્ધિને મારી અંદર જોડવાનો ને મારું સ્મરણ કરવાનો પ્રયત્ન કરીને જીવનની શુદ્ધિ સાધવી જોઇએ. એ ઉપરાંત સત્સંગની અભિરુચિને વધારવી જોઇએ અને પવિત્ર પ્રદેશોમાં વસવું તથા વિચરવું જોઇએ. જેમના પણ સંસર્ગમાં આવવાનું બને એમને મારાં પ્રતીક સમજીને એમની અંદર મારું દર્શન કરવાની અને એમની સાથે ઉત્તમ વ્યવહાર કરવાની ટેવ પાડવી જોઇએ. એવી ટેવથી સૌ પ્રત્યે પવિત્ર પ્રેમ પેદા થશે, નિર્ભય તથા નિર્મમ બનાશે, સૌની પ્રત્યે ઊંડી સહાનુભૂતિ જાગશે, અને સૌને મદદરૂપ થવા માટે બનતી બધી જ રીતે તત્પર બનાશે.

ભાગવતધર્મ એવી રીતે જીવનને નિષ્કપટ, નિર્મળ, સેવાસભર, સુધાસભર તથા ભગવાનમય કરી દેશે. એવું જીવન મંગલ મહોત્સવરૂપ બની રહેશે. એવા જીવનથી ભગવાન સાથે સંબંધ બંધાશે એ સંબંધ જીવનને ઉજ્જવળ, સુખદ, સફળ તથા મુક્ત ને કૃતકૃત્ય કરી દેશે.

ભગવાનના સદુપદેશને સાંભળીને ઉદ્વવને ધન્યતાનો અનુભવ થયો. એમની આંખમાંથી આનંદાશ્રુ ટપકવા લાગ્યાં. સંશયો છેદાઇ ગયા, મોહ મટી ગયો અને અજ્ઞાનનું રહ્યુસહ્યું આવરણ પણ દૂર થયું. એ ભગવાનની પ્રશસ્તિ ના કરે તો બીજું કરે પણ શું ? પ્રશસ્તિ પૂરી કરીને ઉદ્વવે ભગવાન પાસે પરમ પૂજ્યભાવે પ્રણામ કરતાં અનન્ય ભક્તિભાવની માગણી કરી એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે મારા આદેશ પ્રમાણે તમે બદરીનાથની પુણ્યભૂમિમાં પહોંચી જાવ. ત્યાંના વિશુદ્ધ વાયુમંડળનો ને ત્યાં વરસોથી વહેતી અલકનંદા નદીનો લાભ લઇને તમે વધારે પવિત્ર તથા પરમાત્મપરાયણ બની રહેશો. ત્યાં સમતાપૂર્વકની સમ્યક્ સાધના દ્વારા જીવન કૃતાર્થ બનશે.

ભગવાનના આદેશને અનુસરીને ઉદ્વવે એમની પરિકમ્મા કરીને બદરીનાથની પુણ્યભૂમિ પ્રતિ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને તપોમય જીવનચર્યા દ્વારા પરમગતિની પ્રાપ્તિ કરી.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *