Monday, 9 December, 2024

સાવિત્રીની કથા – 2

322 Views
Share :
સાવિત્રીની કથા – 2

સાવિત્રીની કથા – 2

322 Views

{slide=Savitri’s story – II}

Savitri returned from her voyage and zeroed on Satyavan, son of Dhyumatsen of Shalva kingdom. However, her path was not smooth. Naradji visited King Ashwapati and told him that Savitri’s choice was not proper. Naradaji revealed than everything else about Satyavan was ok except that he would die in a year. Knowing that which girl would become ready for marriage?

Savitri was however quite different than other girls. Her father, King Ashwapati told her to reconsider her decision but she reiterated her choice. She had immense faith in her destiny. She told her father that it was immaterial whether Satyavan would live for a year or longer, she had lost her heart on him and therefore would only marry to Satyavan. When King Ashwapati saw that her daughter was firm in her decision, he prepared for her marriage.    

મદ્રાધિપતિ રાજા અશ્વપતિની સભામાં એક દિવસ દેવર્ષિ નારદે પ્રવેશ કર્યો.

રાજા અશ્વપતિએ એમનું સમુચિત સન્માન કર્યું.

તે વખતે વિવિધ તીર્થસ્થાનોમાં અને આશ્રમોમાં વિહાર કરીને સાવિત્રી સદબુદ્ધિ સંપન્ન મંત્રીઓની સાથે પિતાની પાસે પહોંચીને એમને અને દેવર્ષિ નારદને પ્રણામ કરીને ઊભી રહી.

પિતાના આદેશથી એણે પોતાની પરિસ્થિતિની સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે શાલ્વ દેશમાં દ્યુમત્સેન નામે પ્રસિદ્ધ ધર્માત્મા ક્ષત્રિય રાજા હતો. પાછલી અવસ્થામાં એ અંધ બનેલો. એ વખતે એનો પુત્ર બાલ્યાવસ્થામાં હોવાથી એના પડોશી પૂર્વવેરીએ એના રાજ્ય પર અધિકાર કરી લીધો એટલે રાજા દ્યુમત્સેન પત્ની તથા પુત્ર સાથે વનમાં ગયો. ત્યાં એણે કઠોર વ્રત-નિયમના પરિપાલનપૂર્વક તપશ્ચર્યા કરવા માંડી. એનો સુપુત્ર સત્યવાન મારે માટે સર્વપ્રકારે સુયોગ્ય છે એવું સમજીને હું એને મનથી વરી છું.

એ શબ્દો દ્વારા સાવિત્રીએ સૂચવ્યું કે પોતે જેને મનોમન વરી છે તે સત્યવાન કોઇ સામાન્ય વનવાસી તપસ્વીપુત્ર નથી પરંતુ સાત્વિક સદબુદ્ધિપરાયણ સદાચારી રાજપુત્ર છે, એટલે પોતાની પસંદગી પ્રત્યે કોઇ પ્રકારની શંકા કરવાનું કે સંકોચમાં પડવાનું કારણ નથી.

નારદજી બોલ્યા કે સાવિત્રીએ સત્યવાનની વરણી કરીને અજાણપણે ઘણું ખોટું કરી નાંખ્યું છે. એના પિતા અને માતા સત્ય બોલે છે એટલે બ્રાહ્મણોએ એનું નામ સત્યવાન રાખ્યું છે. બાલપણથી એને ઘોડાઓ પ્રિય છે અને એ માટીના ઘોડાઓ બનાવ્યા કરે છે. તે ચિત્રોમાં પણ ઘોડાઓ ચીતરે છે. આથી એને ચિત્રાશ્વ પણ કહેવામાં આવે છે.

રાજાએ પૂછ્યું કે રાજપુત્ર સત્યવાન તેજસ્વી, બુદ્ધિમાન, ક્ષમાવાન, શૂરવીર અને પિતૃવત્સલ છે ?

નારદજીએ જણાવ્યું કે એ સૂર્ય જેવો તેજસ્વી, બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન, મહેન્દ્ર જેવો વીર અને પૃથ્વી જેવો ક્ષમાવાન છે. દાન આપવામાં સંસ્કૃતિના પુત્ર રંતિદેવ જેવો છે. ઉશીનર પુત્ર શિબિના જેવો સત્યવાદી ને બ્રાહ્મણભક્ત છે. યયાતિ જેવો ઉદાર અને ચંદ્ર જેવો પ્રિયદર્શન દ્યુમત્સેનનો એ બળવાન પુત્ર રૂપમાં અશ્વિનીકુમારો પૈકી એક જેવો છે. મનોનિગ્રહી છે. સૌમ્ય છે. શૂર છે અને સત્યનિષ્ઠ છે. સંયમિત ઇન્દ્રિયવાળો છે; મિત્રતાભર્યો છે, ઇર્ષ્યાથી મુક્ત છે. લજ્જાશીલ છે, અને કાંતિમાન છે. તેનામાં નિત્ય સરળતા રહેલી છે. અને તે નિશ્ચળ સ્થિતિવાળો છે. તપોવૃદ્ધ અને શીલવૃદ્ધ પુરુષો તેની પ્રશંસા કરે છે. પરંતુ એનો એક દોષ એના સર્વ ગુણોને ઢાંકી દે છે. તે દોષને પ્રયત્ન કરતાં પણ ટાળી શકાય એમ નથી. સત્યવાન આજથી એક વર્ષે આયુષ્ય પૂરું થવાથી મરણ પામશે.

રાજા અશ્વપતિએ દેવર્ષિ નારદની વાણીને સાંભળીને પુનર્વિચાર કરવા કહ્યું કિન્તુ સાવિત્રી પોતાના નિર્ણયમાં અડગ રહી.

એણે સ્પષ્ટ કર્યું કે સત્યવાન દીર્ઘાયુ હો કે અલ્પાયુ હો, ગુણવાન હો કે ગુણહીન હો, મેં એને એકવાર મારા સ્વામી કર્યા છે. હવે હું બીજાને વરીશ નહીં.

એની દૃઢતાને જોઇને નારદજીએ જણાવ્યું કે સાવિત્રીની બુદ્ધિ સ્થિર છે. સત્યવાનમાં જે ગુણો છે તે બીજા કોઇ પુરુષમાં નથી. માટે તમારી પુત્રી એને જ અર્પણ કરો.

નારદજી આકાશમાર્ગે સ્વર્ગમાં ગયા. અને રાજાએ પણ પોતાની પુત્રીના વિવાહની તૈયારીઓ કરવા માંડી.

સાવિત્રીની એ જીવનકથા એક અગત્યની હકીકત પ્રત્યે અંગૂલિનિર્દેશ કરે છે કે સાવિત્રીએ પોતાના ભાવિ પતિની પસંદગી વખતે ધન, વૈભવ, ઐશ્વર્ય કે સંપત્તિસામ્રાજ્યને પ્રાધાન્ય પ્રદાન કરવાને બદલે સદગુણ તથા સદાચારને જ મહત્વ આપ્યું. પતિની પાસે – લગ્નના ઉમેદવાર પાસે બહારનું બધું જ હોય, સૌન્દર્ય, યૌવન, ભૌતિક સુખસામગ્રી બધું જ, પરંતુ માનવતાનું આવશ્યક ઉત્તમ પ્રાણવાન પીઠબળ ના હોય તો શું કામનું ? એથી ઊલટું, એનામાં સદગુણ, સદાચાર અને માનવતાની મૂડી હોય તો મહત્વનું બધું છે એવું સમજી લેવું. એમાંથી સંપત્તિ તથા સુખશાંતિનું સર્જન આપોઆપ થતું રહેશે. એ પુરુષ જ મહામૂલ્યવાન સંપત્તિરૂપ બની રહેશે.

સત્યવાનનું આયુષ્ય ઓછું છે એવું જાણ્યા પછી પણ સાવિત્રીએ એને પોતાના પતિ તરીકે પસંદ કરવાનો આગ્રહ ચાલુ રાખ્યો એ એની સાચી સમજશક્તિ તથા નિષ્ઠા દર્શાવે છે. સામાન્ય રીતે પોતાના હિતનો, સુખશાંતિનો કે ચિર સૌભાગ્યનો વિચાર કરનારી કોઇ વ્યક્તિ – ખાસ કરીને સ્ત્રી – પોતાના જીવનસાથી તરીકે અલ્પાયુવાળી વ્યક્તિની પસંદગી ભાગ્યે જ કરે. સાવિત્રી પોતાની પસંદગીને વળગી રહી. એનું કારણ એનો અસાધારણ આત્મવિશ્વાસ અને ભવિષ્યની વ્યર્થ વધારે પડતી ચિંતા ના કરવાનો સ્વભાવ હોઇ શકે. જે હોય તે, પરંતુ સાવિત્રીની સંકલ્પશક્તિ અતિશય અસાધારણ કહેવાય. એ સંકલ્પશક્તિ પ્રતિકૂળતાની પૂર્વમાહિતીથી પણ હાલી કે ચળી ના શકી એ એની વિશિષ્ટતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *