Wednesday, 11 September, 2024

વિદુર અને મૈત્રેયનો મેળાપ

262 Views
Share :
વિદુર અને મૈત્રેયનો મેળાપ

વિદુર અને મૈત્રેયનો મેળાપ

262 Views

મહાત્મા મૈત્રેય પરમજ્ઞાની હતા અને હરિદ્વારમાં નિવાસ કરતાં. ભક્તશ્રેષ્ઠ ઉદ્ધવજીની સુચનાનુસાર વિદુર એમની પાસે જઇ પહોંચ્યા.

બે કે વધારે પરમાત્મપરાયણ સત્પુરુષો કે ભક્તો મળે ત્યારે શું કરે ? એમને કરવાનું હોય પણ શું ? સંસારી મનુષ્યો જ્યારે સંસારી મનુષ્યો સાથે મળે છે ત્યારે સંસારની વાતો વધારે કરે છે. એમને ઇશ્વરની વાતો નથી ગમતી. એમના મનમાં સંસારના વિષયોનો રસસ્વાદ જ ભરેલો હોય છે. એના સિવાય એમને ચેન જ નથી પડતું. પરંતુ પરમાત્માપરાયણ મહાપુરુષોની વાત જુદી છે. એ જીવનની સુખાકારીની, સમુન્નતિની તથા ઇશ્વરની વાતો કરતા હોય છે. એ સિવાયની વાતોમાં એમને રસ નથી પડતો અને આનંદ નથી આવતો. એમનો સ્વભાવ જ એવો ઉદાત્ત હોય છે. વિદુરે મૈત્રેયને ધર્મ, તત્વજ્ઞાન અને ઇશ્વર વિશે વિવિધ પ્રશ્નો પૂછ્યા એટલે મૈત્રેયે એમના ઉત્તરરૂપે પોતાના વિચારો રજૂ કર્યા. એ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન ખાસ અગત્યનો અને આવશ્યક હોવાથી એની અને એના ઉત્તરની ઊડતી ચર્ચા કરી લઇએ.

વિદુરે મૈત્રેયને પૂછયું : ‘આ સંસારમાં લગભગ બધા જ મનુષ્યો સુખશાંતિની ઇચ્છાથી પ્રેરાઇને નિરંતર કર્મો કર્યા કરે છે. કોઇને દુઃખની અથવા અશાંતિની આકાંક્ષા નથી હોતી. છતાં પણ આશ્ચર્યજનક હોવાં છતાં વાસ્તવિક વાત એ છે કે મનુષ્યોને સનાતન સુખ અથવા શાંતિની પ્રાપ્તિ નથી થતી. એનો અંતરાત્મા અશાંત જ રહે છે. એનું કારણ શું ? આ સંસારમાં જીવનના પરમકલ્યાણને માટે મનુષ્યે શું કરવું જોઇએ અથવા કયા વિશેષ સાધનનો આધાર લેવો જોઇએ ? જે મનુષ્યો કૃષ્ણથી વિમુખ, દુઃખી અને અધર્મમાં ડૂબેલા હોય છે તેમની ઉપર પોતાની અહેતુકી અનંત કૃપાનો વરસાદ વરસાવવાને માટે જ ભગવાનના ભવ્ય વ્યક્તિત્વવાળા ભક્તો વિશ્વમાં વિચરે છે. તમારા સરખા સર્વોત્તમ સ્વભાવના શીલવાળા ભગવદ્દભક્તોનું જીવન બીજાના મંગલ માટે જ હોય છે. તો મનુષ્યે પોતાના મંગલને માટે શું કરવું જોઇએ તે તમારા અનુભવના આધાર પર કહી બતાવો.’

વિદુરનો એ પ્રશ્ન આજે પણ પુરાતન નથી થયો. આજના વૈજ્ઞાનિક સંશોધનના સમયમાં પણ એ પ્રશ્ન પેદા થાય છે ને પૂછાય છે. એની ઉપયોગિતા જરા પણ ઓછી નથી થઇ. જો જરાક ધ્યાનપૂર્વક વિચારીએ તો વિદુરનો એ પ્રશ્ન માત્ર વિદુરનો નથી પરંતુ માનવમાત્રનો પ્રશ્ન છે, અને એનો ઉત્તર પણ એની અંદર જ રહેલો છે. આજનો મનુષ્ય પણ જે જે કર્મો કરે છે તે સુખ તથા શાંતિને માટે જ કરે છે. કોઇને દુઃખની અથવા અશાંતિની આકાંક્ષા નથી હોતી. દુઃખ અખવા અશાંતિ આવી પડે તો ભલે. પરંતુ કોઇ એને સામેથી ચાલીને આમંત્રણ નથી આપતું. તો પણ જીવન સનાતન શાંતિથી સંપન્ન નથી બનતું. દેશમાં અને પરદેશમાં બધે જ મનુષ્યો અશાંતિના અર્ણવમાં અટવાયા કરે છે. ભોગ, વૈભવ, ઐશ્વર્ય, સત્તા, પદ, પ્રતિષ્ઠા, વિજ્ઞાનના અવનવા આવિષ્કાર અને અસાધારણ યૌવન પણ એની અશાંતિનો અંત આણવામાં નિષ્ફળ નીવડે છે. જીવનની ધન્યતાની વીણા કાયમને માટે નથી વાગી શક્તી. આજના મનુષ્યની એ સમસ્યા છે. આજે પણ એ જ પ્રશ્ન પુછાય છે કે અંતરના અંતરતમની અતૃપ્તિ કેવી રીતે મટે ? જેમની પાસે બાહ્ય સુખસાધનો છે તે પણ અને જેમની પાસે બાહ્ય સાંસારિક સુખસાધનો નથી તે પણ, એટલે કે ભાવવાળા અને અભાવવાળા બંને પ્રકારના મનુષ્યો દુઃખી, અશાંત અથવા અસંતુષ્ટ દેખાય છે તેનું કારણ ?

એનાં કારણો આમ તો બીજાં કેટલાય હોઇ શકે ને હશે પરંતુ એના એક મહત્વના મૂળભૂત કારણનો નિર્દેશ વિદુરના પ્રશ્નમાંથી જ મળી રહે છે. વિદુરે કરેલા શબ્દપ્રયોગો ખાસ ઉલ્લેખનીય તથા પ્રેરક છે. એ શબ્દપ્રયોગોમાં એમના પ્રશ્નના સંભવિત પ્રત્યુત્તરોનો પ્રતિઘોષ પડે છે. જો આપણે જરાક પણ જાગ્રત હોઇએ તો એ સુંદર પ્રતિઘોષને અત્યંત અસરકારક રીતે સહેલાઇથી સાંભળી શકીએ. વિદુરના શ્રીમુખમાં કેવા સારગર્ભિત શબ્દો મૂકવામાં આવ્યા છે ? એ કહે છે કે

તમે શ્રીકૃષ્ણથી વિમુખ થયેલા, અધર્મમાં અટવાયલા અથવા અધર્મ કરવા ટેવાયલા દુઃખી મનુષ્યો પર અનુગ્રહરૂપી અમૃતવર્ષણ કરવા માટે શ્વાસ લો છો. જીવનને સમુજ્જવળ અને સાર્થક કરી ચૂકેલા બીજા સ્વનામધન્ય સત્પુરુષો પણ એ માટે જ જીવે છે ને વિચરે છે.

ભાગવતકારની લોકોત્તર અલૌકિક કળા જોઇ ? એવી અદ્દભુત કળાનું દર્શન અન્યત્ર ભાગ્યે જ કરી શકાય. વિદુરના શ્રીમુખમાં મૂકાયલા શબ્દો દ્વારા જ એ સૂચવવા માગે છે કે મનુષ્યોની આર્તિ અથવા અશાંતિનું મૂળભૂત કારણ શ્રીકૃષ્ણ પ્રત્યેની અભિમુખતાનો અભાવ અને અધર્મપરાયણતા છે. જે ભગવાનને ભૂલીને સંસારના દેહ, ગેહ, પુત્ર અને દારા જેવા વિષયોમાં પ્રીતિ અથવા આસક્તિ કરે છે અને અધર્મપરાયણ બને છે તે પોતાને માટે દુઃખ, ક્લેશ અને અશાંતિના બીજ વાવે છે. એથી આગળ વધીને એવું પણ કહી શકાય કે એ બીજાને માટે પણ દુઃખ, દર્દ અને અશાંતિની સૃષ્ટિ કરે છે. એ માનવજીવનનો સદુપયોગ કરીને જે સમાજમાં કે રાષ્ટ્રમાં રહે છે એ સમાજને કે રાષ્ટ્રને મદદરૂપ નથી થઇ શક્તા. માનવશરીર દેવોને પણ દુર્લભ અને મહામૂલ્યવાન મનાયલું છે. એની અંદર અનંત શક્તિ અને શક્યતા સમાયલી છે. એનો આશ્રય લઇને જે અંધ બને છે ને વિવેકપૂર્વક પ્રગતિના પંથ પર આગેકૂચ નથી કરતા તે મનુષ્યો પોતાના દુઃખનો દસ્તાવેજ હાથે કરીને લખાવી લે છે. જીવનના સુંદર સુરદુર્લભ ક્ષેત્રમાં ધર્મના-નીતિ, સદાચાર, દૈવી સંપત્તિ કે માનવતાના બીજને વાવવું જોઇએ. વધારે ને વધારે પ્રમાણમાં ઇશ્વરપરાયણ થવું જોઇએ. ઇશ્વરના પ્રેમી, ભક્ત, પ્રશંસક અને કૃપાપાત્ર બનવા માટે સમજપૂર્વકની સાધના કરવી જોઇએ. તો જીવનને શાંત, સુખી, સ્વસ્થ કે સાર્થક થતાં વાર ના લાગે. મોટા ભાગના મનુષ્યો એવું નથી કરતા અને આંખ મીંચીને જીવે છે કે કર્મો કરે છે. એને લીધે એમનું જીવન ઉત્સવરૂપ નથી બની શક્તું.  એમને અને અન્યને માટે આશીર્વાદ બનવાને બદલે અભિશાપ થાય છે.

માનવે જીવન જીવવાની કળામાં કુશળ થવું જોઇએ. જીવન પ્રત્યેની સુંદર ઉદાત્ત દૃષ્ટિ કેળવવી જોઇએ. એવી દૃષ્ટિ કેળવાય તો જીવન ભાવ અથવા અભાવ બંનેની વચ્ચે-ગમે તેવા દેશ કે કાળમાં પણ શાંતિનો અને સનાતન સુખનો અનુભવ કરી શકે. જે જીવન ઇશ્વરનું છે તે ઇશ્વરને સમર્પિત થઇને ઇશ્વરની પ્રસન્નતાના કલ્યાણકારક કાર્યમાં લાગી જવું જોઇએ. એનો સંબંધ તન, મન, વચન, કર્મથી ઇશ્વરની સાથે થવો જોઇએ. દુઃખની નિવૃત્તિનો આત્યંતિક ઉપાય એ જ છે. ભાગવત એની આગવી રીતે વાતને સ્પષ્ટ કરે છે.

સુખ અને દુઃખને આપનારી વસ્તુ કયી છે ? માનવનાં પોતાનાં જ સત્કર્મો અથવા દુષ્ટકર્મો. એના ભાવો, વિચારો. સંકલ્પો-વિકલ્પો કે શુભાશુભ દૃષ્ટિકોણો કે વ્યવહારો. અથવા એનું પોતાનું મન. એની દૃષ્ટિ તેમજ વૃત્તિ. એ સૌને ઠીક કરવામાં આવે તો જીવન સુખ શાંતિથી સંપન્ન બની શકે છે.

મૈત્રેય મુનિ ઇશ્વરની સાથેના એવા સનાતન સુદૃઢ સંબંધને સ્થાપિત કરવામાં  મદદરૂપ થનારી લીલાઓનું વર્ણન કરે છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *