Monday, 16 September, 2024

Adhyay 1, Pada 1, Verse 04

116 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 04

Adhyay 1, Pada 1, Verse 04

116 Views

४. त्कतु समन्वयात् ।

અર્થ
તુ=તથા.
તત્= તે બ્રહ્મ.
સમન્વયાત્= સમસ્ત જગતમાં સંપૂર્ણરૂપે વ્યાપક હોવાને લીધે (ઉપાદાન પણ છે.)

ભાવાર્થ
પરબ્રહ્મ પરમાત્મા જગતના એકમાત્ર નિમિત્ત કારણ છે એ વાત તો સારી પેઠે સમજી શકાય તેવી છે, પરંતુ એમને જગતના ઉપાદાન કારણ કેવી રીતે માની શકાય ? ઘડાનું ઉપાદાન કારણ મૃતિકા અને નિમિત્ત કારણ કુંભાર છે તેવી રીતે જગતના નિમિત્ત કારણ હોઈ શકે. પરંતુ ઉપાદાન કારણ પણ છે ? એવી જિજ્ઞાસા થાય તો તેના જવાબમાં આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે પરમાત્મા સમસ્ત જગતના ઉપાદાન કારણ છે. એ હકીકતની પુષ્ટિ અનુમાન તથા શાસ્ત્રપ્રમાણ દ્વારા સહેલાઈથી થઈ શકે છે. મૃત્તિકા જેવી રીતે ઘડામાં વ્યાપક હોય છે તેવી રીતે પરમાત્મા સમસ્ત જગતમાં વ્યાપક છે એટલું જ નહિ. એમના વિના બીજું કશું છે જ નહિ. જગતના રૂપમાં, એના અણુ પરમાણુમાં પરમાત્મા જ રહેલા છે. આરંભમાં એવું દર્શન નથી થતું પરંતુ જેમ જેમ જ્ઞાનની અનુભૂતિના પ્રદેશમાં આગળ વધતું જાય છે તેમ તેમ એવું અલૌકિક અનુભવ દર્શન સહજ બને છે. પછી તો ‘જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુઃ, વિષ્ણુઃ પર્વત મસ્તકે’ એટલે કે જળમાં વિષ્ણુ, સ્થળમાં વિષ્ણુ પર્વતના શિખર પર વિષ્ણુ’ અને ‘સર્વ વિષ્ણુમય જગત્’ આ સકળ વિશ્વ વિષ્ણુમય છે એવું અનુભવાય છે. અજ્ઞાનની અવસાદપૂર્ણ અવસ્થામાંથી પ્રજ્ઞાના પવિત્રતમ પાવન પ્રદેશમાં જાગ્યા પછી વૃત્તિ તથા દૃષ્ટિ બંને બદલાઈ જાય છે. પછી જગત પરમાત્માના પ્રતીક જેવું લાગે છે. નરસી ભકત જેવા સ્વાનુભવ સંપન્ન સંતપુરૂષના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે—

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં, અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાંથી કૈં સંત સીધ્યા.

વેદ કહે છેઃ ‘આ બધું, જે કાંઈ દેખાય છે અથવા અનેક રીતે અનુભવાય છે તે, બ્રહ્મ જ છે.’
सर्व खल्विदं ब्रह्म ।

‘અવિનાશી બ્રહ્મ જ આગળ, પાછળ, દક્ષિણમાં, ઉત્તરમાં, નીચે અને ઉપર, ચારે તરફ છે, એ જ વિશ્વ છે, સૌથી શ્રેષ્ઠ છે’
वह्मैवेदममृतं पुरस्ताद ब्रह्म पश्चाद् ब्रह्म दक्षिणतश्चोत्तेरण ।
अधश्चोर्ध्व च प्रसृतं ब्रह्म एवेदं विश्वं ईदं वरिष्ठम्  ॥ (મુંડક ઉપનિષદ)

ઉપનિષદના પેલા સુપ્રસિદ્ધ શાંતિપાઠમાં પણ કહ્યું છે કે ‘આ પરબ્રહ્મ પૂર્ણ છે, જગત પૂર્ણ છે પૂર્ણમાંથી પૂર્ણ પ્રાદુભાવ પામે છે, પૂર્ણમાંથી પૂર્ણ લેવામાં આવે છે તો પણ પૂર્ણ જ શેષ રહે છે.’
ૐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्व  पूर्णमादाय  पूर्णमेवावशिष्येत  ॥

જે કોઈક પદાર્થનું નિમિત્ત કારણ હોય છે તે તેનું સ્વતંત્ર ઉપાદાનકારણ પણ હોઈ શકે છે. એ વિશે ઉપનિષદમાં થોડીક વિચારણા કરવામાં આવી છે. કરોળિયો બહારના કોઈપણ પદાર્થની મદદ વિના પોતાની લાળની મદદથી જાળ રચે છે અને પછી એને ઈચ્છાનુસાર ગળી જાય છે પણ ખરો. એવી રીતે જગતને પોતાની અંદરથી પ્રકટ કરીને પરમાત્મા પોતાની અંદર વિલીન કરી શકે છે.
ઉપનિષદ કહે છે : यथोर्णनामिः सृजते गृह्यते च ।

બીજું ઉદાહરણ એ સંદર્ભમાં પ્રદીપ્ત અગ્નિજવાળાનું આપવામાં આવ્યું છે.
यथा प्रदीप्तात्पावकात्  विस्फुलिंगाः सहस्त्रशः  प्रमवन्ते  सरूपाः ।
પ્રદીપ્ત, અતિપ્રદીપ્ત અગ્નિજ્વાળામાંથી જેવી રીતે હજારો તણખાઓ પેદા થાય છે અને એ પણ એક સરખા હોય છે તેવી રીતે પરબ્રહ્મ પરમાત્માની અંદરથી આ સમસ્ત સંસાર પ્રાદુર્ભાવ પામે છે અને એમની અંદર, એમના આધારે લીલા કરીને એમની અંદર સમાઈ જાય છે.

ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘હું સમસ્ત જગતનું ઉદ્ ભવ સ્થાન ને જગતનો પ્રલય કરનાર છું.’
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा । (અધ્યાય ૭ શ્લોક ૬ ઉત્તરાર્ધ)
‘હું સૌના જન્મનું કારણ છું ને મારે લીધે આ બધાનું અસ્તિત્વ છે’
अहं सर्वस्य प्रभवो मत्तः सर्व प्रवर्तते । (અધ્યાય ૧૦ શ્લોક ૮ પૂર્વાર્ધ)
‘સમસ્ત સૃષ્ટિના સઘળા પદાર્થોના બીજરૂપે હે અર્જુન, હું જ રહેલો છું, મારા વિના કશાનું અસ્તિત્વ નથી હોઈ શકતું, હું જડચેતનમાં બધે જ વ્યાપક છું,’
यच्वापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥ (અધ્યાય ૧૦ શ્લોક  ૩૯)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *