Adhyay 1, Pada 1, Verse 07-08
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 1, Verse 07-08
By Gujju29-04-2023
७. तन्निष्टस्य मोक्षोपेदशात् ।
અર્થ
તન્નિષ્ઠસ્ય = એ પરપુરૂષ પરમાત્મામાં નિષ્ઠા ધરાવનારાની
મોક્ષોપેદશાત્= મુક્તિ બતાવવામાં આવી છે તેથી.
ભાવાર્થ
પરમાત્માભિમુખ બનવાનો પ્રયાસ કરી, પરમાત્મદર્શી બનીને, જે પરમાત્મનિષ્ઠ થાય છે તે મુક્તિનો આનંદ અનુભવે છે એવું શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે.
ગીતાના બીજા અધ્યાયના છેલ્લા ૭૨ મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, આ બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. એની પ્રાપ્તિ કરનારને મોહ નથી થતો. એ સ્થિતિ અંતકાળે પણ અખંડ રહે તો બ્રહ્મનિર્વાણની પ્રાપ્તિ થાય છે.
एषाः वाह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेङपि ब्रह्मनिर्वाणमृच्छति ॥
ગીતાના આઠમા અધ્યાયના પંદરમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે મને મેળવનારા પરમસિદ્ધિ પ્રાપ્ત મહાત્માપુરૂષો દુઃખમય પરિવર્તનશીલ પુનર્જન્મને નથી પામતા.
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्चतम् ।
नाप्नुवंति महात्मानः संस्त्रिद्धिं परमां गताः ॥
ઉપનિષદ કહે છે :
स यो ह वै तत्वरमं ब्रह्मविद् ब्रह्मैव भवति ।
नास्याब्रह्मवित कुले भवति ।
तरति शोकं तरति पाप्मानं, गुहाग्रंथिभ्यो विमुक्तो अमृतो भवति ।
‘બ્રહ્મપરાયણ બનનાર, બ્રહ્મને જાણનાર, બ્રહ્મસ્વરૂપ થાય છે. એના કુળમાં બ્રહ્મને ના જાણનાર નથી પેદા થતો. એ શોક તથા અપવિત્રતામાંથી છુટી જાય છે અને હૃદયની અવિદ્યાગ્રંથિથી મુક્તિ મેળવીને અમૃતમય બને છે.
એ બધા ઉદ્ ગારો પરથી સમજી શકાય છે કે મુક્તિની પ્રાપ્તિ પરમાત્માના સાક્ષાત્કારથી જ કહેલી છે, પ્રકૃતિની ઉપાસનાથી નથી કહી. પ્રકૃતિ બંધનનું કારણ બને છે ને પરમાત્મા મોક્ષનું. એટલે જગતનુ મુળ એકમાત્ર કારણ પ્રકૃતિ નથી. પરંતુ પરમાત્મા જ છે એવું સાબિત થાય છે. જડ પ્રકૃતિ મોક્ષ ના આપી શકે. પ્રકૃતિની આસક્તિ તો કલેશ, પરિતાપ, અશાંતિ અને બંધન પેદા કરે.
—
८. हेयत्वावचनाश्च ।
અર્થ
હેયત્વા વચનાત્ = ત્યાગવા યોગ્ય નહીં બતાવવાથી
ચ = પક્ષ (એમાં આત્મા શબ્દ પ્રકૃતિનો વાચક ના માની શકાય.)
ભાવાર્થ
ઉપનિષદમાં આત્મદર્શન કરવાનો, આત્મનિષ્ઠ બનવાનો કે આત્મામાં સ્થિતિ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે, અને આત્મા એટલે કે પરમાત્માએ સૃષ્ટિરચનાનો સંકલ્પ કર્યો એવું કહેવામાં આવ્યું છે. ત્યાં આત્મા શબ્દ પ્રકૃતિને માટે વપરાયો હોત તો આગળ પર એનો એટલે કે પ્રકૃતિનો પરિત્યાગ કરીને પરમાત્માં પ્રતિષ્ઠિત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો હોત. પરંતુ એવો ઉલ્લેખ – પ્રકૃતિનો પરિત્યાગ કરવાનો ઉલ્લેખ આત્માશબ્દનો આધાર લઈને કોઈપણ ઠેકાણે નથી કરવામાં આવ્યો. જેને જગતના કારણરૂપ કહેલા છે તેમાં જ નિષ્ઠા કરવાનો સંદેશ મળે છે. એટલે આત્મા શબ્દનો અર્થ ત્યાં પ્રકૃતિ નથી કરવાનો પરંતુ પરબ્રહ્મ પરમાત્મા લેવાનો છે. એ જ, પરબ્રહ્મ પરમાત્મા જ, જગતના નિમિત્ત તથા ઉપાદાન કારણ છે.