Wednesday, 15 January, 2025

Adhyay 1, Pada 1, Verse 11

151 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 11

Adhyay 1, Pada 1, Verse 11

151 Views

११. श्रुतत्वाच्च ।

અર્થ
શ્રુતત્વાત્ = શ્રુતિમાં ઠેકઠેકાણે એ જ હકીકતનું પ્રતિપાદન અથવા સમર્થન કરવામાં આવ્યું છે એથી
ચ= પણ.

ભાવાર્થ
જુદાં જુદાં મંતવ્યો ધરાવતા લગભગ બધા જ લોકોત્તર વિદ્વાનો કે વિચારકો વેદ તથા ઉપનિષદ પ્રત્યે એક સરખો આદરભાવ ધરાવે છે અને એમને પ્રમાણભૂત માને છે. એને લીધે પણ પરબ્રહ્મ પરમાત્મા જગતના અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, પ્રકૃતિ નહિ, એવું પુરવાર થાય છે. વેદ તથા ઉપનિષદો એ સિદ્ધાંતનું સમર્થન કરે છે. એમનાં વાક્યોને બ્રહ્મવાક્ય બરાબર માનવામાં આવે છે. અને તત્વજ્ઞાન સંબંધી શંકાના સમાધાન માટે એમનો આધાર લેવામાં આવે છે, એમાં કશું ખોટું નથી. માણસે ક્યાંક તો પોતાની શ્રદ્ધાને ધારણ કરવી જ જોઈએ. કોઈક પ્રાતઃસ્મરણીય સ્વાનુભવસંપન્ન સત્પુરૂષમાં અથવા સદ્ ગ્રંથમાં. પોતાની જાતમાં પણ શ્રદ્ધા રાખી શકાય પરંતુ અપૂર્ણતાની અવસ્થામાં એ શ્રદ્ધા જોઈતું પરિણામ ના પેદા કરી શકે.

પરમાત્મામાં પરમશ્રદ્ધા રાખીને પણ પ્રજ્ઞાના પાવન પ્રકાશની પ્રાપ્તિ થઈ શકે પરંતુ એવી શ્રદ્ધાપ્રાપ્તિ પણ કાંઈ સહજ નથી હોતી. સત્પુરૂષો સદાને માટે પ્રાપ્ય નથી હોતા ત્યારે એમના અક્ષરદેહ જેવા સદ્ ગ્રંથો સર્વકાળે ને સ્થળે સર્વસુલભ હોય છે. એમનાં વચનોમાં વિશ્વાસ રાખીને કોઈપણ માનવ શંકામુક્ત બનીને આગળ વધી શકે છે. વેદ અને ઉપનિષદ એવા શાશ્વત સુપ્રકાશ રેલતા સદ્ ગ્રંથો તરીકે સર્વસ્વીકૃત બનેલા છે. એમના અભિપ્રાયની અવજ્ઞા ના કરી શકાય. એ જગતના એકમાત્ર કારણ તરીકે કેવળ પરમાત્માનું જ પ્રતિપાદન કરે છે એ દેખીતું છે. અત્યાર સુધીની ચર્ચાવિચારણા પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે એ સંબધી હવે કોઈ સંશય ના રહેવો જોઈએ.

શ્વેતાશ્વતર ઉપનિષદ અસંદિગ્ધ સ્પષ્ટ સ્વરમાં જણાવે છે કે ‘પરમાત્મા સૌના કારણ તથા સમસ્ત કારણોના અધિપતિઓના અધીશ્વર છે. એમના કોઈ પિતા નથી ને કોઈ સ્વામી નથી.’
स कारणं करणाधिपाधिपो न चास्य कश्चिज्जनिता न चाधिपः ।

કઠ ઉપનિષદ જણાવે છે કે ‘પરમાત્મા એક, સૌના નિયંતા, સર્વ ભૂતોના અંતરાત્મા બનીને રહેલા છે. એ એક હોવા છતાં પોતાના સ્વરૂપને સંસારના રૂપે અનેક પ્રકારે પ્રકટ કરે છે. જે જ્ઞાની પુરૂષો એમનું પોતાની અંદર દર્શન કરે છે તેમને જ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, બીજાને નથી થતી.’
एको वशी सर्वभूतान्तरात्मा  एकं रूपं बहुधा यः करोति ।
तमास्थं येङनुपश्यंति धीरा   स्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥

‘જે એક હોવા છતાં અનેકની ઈચ્છા પૂરી કરે છે’
एको बहूनां चो बिदधाति कामान् ।

શાસ્ત્રોએ પરમાત્માને એક, અદ્વિતીય અને અનંત કહ્યા છે એટલે અને એ સૌના આદિ તથા પુરાણ પુરૂષ હોવાથી સૌના મૂળ કારણ એ જ છે અને એમનામાંથી જ સૌનો આવિર્ભાવ થયો છે એ સ્પષ્ટ છે.

સૃષ્ટિના રહસ્ય સંબંધમાં એવી રીતે ભારતના સુપ્રસિદ્ધ, શાસ્ત્રગ્રંથો એક અત્યંત અગત્યની હકીકતનું આજથી હજારો વરસો પહેલાં પ્રતિપાદન કરે છે કે સૃષ્ટિના મૂળમાં એક પરમતત્વ રહેલું છે અને એ પરમતત્વ જડ નથી પરંતુ ચેતન છે. બીજી અગત્યની હકીકત એ જણાવે છે કે એ ચેતન પરમતત્વ સૃષ્ટિના રૂપમાં વિભિન્ન નામ તથા રૂપમાં સર્વત્ર વિલસી રહ્યું છે. ભારતીય ઋષિમુનિઓનાં મનનશીલ મસ્તક સત્યની શોધ કરતાં વિકાસના કેવા સર્વોચ્ચ શિખર પર પહોંચ્યાં હતાં અને એ ઋષિમુનિઓ આત્મવિચાર અને આત્માનુભૂતિની દિશામાં કેટલા બધા આગળ વધેલા એનો ખ્યાલ એના પરથી સહેલાઈથી આવી શકે છે. એમને માટે આપણને ગૌરવ અને આદરભાવ થાય છે અને એમને પછાત અથવા અસંસ્કૃત કહેનારાઓને માટે કરૂણા.

વિજ્ઞાન પ્રયોગશીલ છે. એ પ્રયોગ કરીને વિશ્વની પાછળની ને વિશ્વમાં વ્યાપેલી એક સનાતન ચેતન સત્તાનું જ્ઞાન મેળવશે ત્યારે ઋષિમુનિઓનું એ રહસ્યજ્ઞાન વધારે વાસ્તવિક બનશે ને મૂલ્યવાન થઈ પડશે. વિજ્ઞાન એ સૃષ્ટિવિષક રહસ્યજ્ઞાનની ઉપલબ્ધિ કરે એવું આપણે અવશ્ય ઈચ્છીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *