Adhyay 1, Pada 1, Verse 17-19
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 1, Verse 17-19
By Gujju29-04-2023
१७. भेदव्यपदे शाङ्च ।
અર્થ
ભેદવ્યપદેશાત્ = જીવાત્મા તથા પરમાત્મા એકમેકથી જુદા છે એવું બતાવવામાં આવ્યું છે એથી.
ચ = પણ.
ભાવાર્થ
આનંદમય શબ્દ જીવાત્માને માટે નથી વપરાયો પરંતુ પરમાત્માને માટે જ વપરાયો છે એવું માનવા-મનાવવાનું એક બીજું પણ કારણ છે. તે એ કે જીવાત્મા તથા પરમાત્મા એકમેકથી અલગ અલગ છે. જીવાત્મા પરમાત્માનો અંશ છે પરમાત્મા પરિપૂર્ણ છે અને જીવાત્મા અપૂર્ણ, પરમાત્મા કલેશમુક્ત ને જીવાત્મા કલેશયુક્ત, પરમાત્મા પ્રશાંત ને જીવાત્મા અશાંત, પરમાત્મા પરમયુક્ત ને જીવાત્મા બદ્ધ, પરમાત્મા પરમાનંદનાં પ્રતીક ને જીવાત્મા પરમાનંદનો પ્રવાસી કે પ્યાસી. તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લીમાં સાતમા અનુવાદમાં જણાવ્યું છે કે જીવાત્મા રસસ્વરૂપ પરમાત્માને પામીને આનંદનો અનુભવ કરે છે. ત્યાં પરમાત્માને પરમાનંદમય, આનંદદાતા કહેવામાં આવ્યા છે અને જીવાત્માને આનંદ મેળવનારો કહ્યો છે. એને લીધે સ્પષ્ટ રીતે સમજાય છે કે જીવાત્મા નહિ પણ પરમાત્મા જ આનંદમય છે અને આનંદમય શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે.
—
१८. कामाच्च नानुमानोपक्षा ।
અર્થ
ચ = અને
કામાત્ = આનંદમયમાં કામનાનો ઉલ્લેખ હોવાથી.
અનુમાનોપક્ષા = અનુમાન-કલ્પિત જડ પ્રકૃતિને આનંદમય શબ્દ દ્વારા ગ્રહણ કરવાની આવશ્યકતા.
ન = નથી.
ભાવાર્થ
જે વિચારધારા જીવાત્માના સંબંધમાં તે જ પરમાત્માના સંબંધમાં પણ લાગુ પાડી શકાય છે. ઉપનિષદમાં પરમાત્માએ હું અનેકવિધ બનું એવી કામના કરી અને તપ કરીને રચના કરી એવું કહેવામાં આવ્યું છે. તે કથન પ્રમાણે પ્રકૃતિ જડ હોવાથી એવી કામના ના કરી શકે તથા જગતની રચના અને તપ પણ ના કરી શકે. એટલે આનંદમય શબ્દનો પ્રયોગ પ્રકૃતિને માટે પણ નથી કરવામાં આવ્યો.
—
१९. अस्मिन्नस्य च तद्योगं शास्ति ।
અર્થ
ચ = એ ઉપરાંત
અસ્મિન્ = આ પ્રકરણમાં.
અસ્ય = આ જીવાત્માનું
તદ્યોગમ્ = એ આનંદમય સાથેનું સંમિલન.
શાસ્તિ = શ્રુતિ બતાવે છે.
ભાવાર્થ
ઉપનિષદ કહે છે કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બની જાય છે. ब्रह्मविद् ब्रह्मैव भवति ।
બૃહદારણ્યક કહે છે કે ‘પરાત્મદર્શી પુરૂષ પરમાત્મમય થઈને પરમાત્મામાં વિલીન થાય છે.
ब्रह्मैव सन् ब्रह्मोप्येति ।
તૈત્તિરીય ઉપનિષદ કહે છે કે ‘આનંદમય પરમાત્માના રહસ્યને આવી રીતે જાણનાર પુરૂષ આનંદમય પરમાત્માને પ્રાપ્ત કરી લે છે.’स य एवंविद अतमानंदमयमात्मानमुपसंक्रामति ।
એ વર્ણન પરથી સ્પષ્ટ અનુમાન કરી શકાય છે કે જીવાત્મા જડ પ્રકૃતિમાં કે પોતાના જેવા બીજા જીવાત્મામાં વિલીન ના થઈ શકે. પુરૂષ પરમાત્મદર્શી બનીને પરમાત્મમય થઈને બીજા કશામાં નહિ પરંતુ પરમાત્મામાં વિલીન થાય છે કે મળી જાય છે એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. પદાર્થ જ્યાંથી પ્રાદુર્ભાવ પામે છે તેમાં જ મળી જાય છે. એટલે આનંદમય શબ્દ દ્વારા પરમાત્માનું જ વર્ણન કરવામાં આવ્યું છે; પ્રકૃતિનું અથવા જીવાત્માનું નથી કરવામાં આવ્યું.