Adhyay 2, Pada 2, Verse 32-33
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 32-33
By Gujju29-04-2023
३२. सर्वथानुपपत्तेश्च ।
અર્થ
સર્વથા = સર્વ પ્રકારે.
અનુપપત્તેઃ = અસંગતિ દેખાતી હોવાથી.
ચ = પણ.
ભાવાર્થ
બૌદ્ધ મતના સિદ્ધાંતોનો એવી રીતે જેમ જેમ વધારે ને વધારે વિચાર કરીએ છીએ તેમ તેમ તેની ત્રુટિઓ કે અસંગતિઓ વધારે ને પ્રમાણમાં જણાતી જાય છે, એની વિચારસરણી નિર્દોષ, આદર્શ અને અનુકરણીય નથી લાગતી. એટલા માટે એને કોઈયે નથી સ્વીકારી શકાય તેમ.
—
३३. नैकस्मिन्नम्भवात् ।
અર્થ
એકસ્મિન્ = એક સત્ય પદારથની અંદર.
ન = પરસ્પર વિરૂદ્ધ અનેક ધર્મો ના રહી શકે.
અસંભવાત્ = એ અસંભવ હોવાથી.
ભાવાર્થ
જૈન મતમાં સાત પદાર્થ અને પંચ અસ્તિ કાયને માનવામાં આવે છે, જીવ, અજીવ, આસ્ત્રવ, સંવર, નુર્જન, બધ અને મોક્ષ એ સાત પદાર્થ છે અને જીવાસ્તિકાય, પુદ્ ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ પાંચ અસ્તિકાય. એ ઉપરાંત, એની અંદર સપ્તભંગી ન્યાયનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છેઃ-
(૧) સાદસ્તિ એટલે કે પદાર્થની સત્તા છે.
(૨) સ્યાન્નાસ્તિ એટલે કે પ્રકારાંતરે પદાર્થની સત્તા નથી.
(૩) સ્યાદસ્તિ ચ નાસ્તિ ચ એટલે કે બની શકે કે પદાર્થની સત્તા હોય અથવા ના પણ હોય.
(૪) સ્યાદવક્તવ્ય એટલે કે સંભવ છે કે વસ્તુ કહેવા કે વર્ણવવા યોગ્ય ના હો.
(૫) સ્યાદસ્તિ ચાવક્તવ્યશ્ચ એટલે કે સંભવ છે કે વસ્તુની સત્તા હોય પરંતુ વર્ણવવા યોગ્ય ન હો.
(૬) સ્યાન્નાસ્તિ ચાવક્તવ્ય એટલે કે સંભવ છે કે વસ્તુની સત્તા ના હોય અને એ વર્ણવવા યોગ્ય પણ ના હો.
(૭) સ્યાદસ્તિ ચ નાસ્તિ ચાવક્તવ્યશ્ચ એટલે કે સંભવ છે કે વસ્તુની સત્તા હોય, ના પણ હોય, અને એ વર્ણવવા યોગ્ય પણ ના હો.
એવી રીતે એમાં અનેક પ્રકારના વિકલ્પ રાખવામાં આવ્યા છે. એ વિકલ્પ જરા વિચિત્ર છે.
એમને ધ્યાનમાં રાખીને અહીં કહેવામાં આવે છે કે જે સત્ય પદાર્થ હોય તેમાં જાતજાતના વિરોધી ધર્મો ના હોઈ શકે. જે વસ્તુ હોય એનો અભાવ ના હોય, જેનો અભાવ હોય એનું અસ્તિત્વ ના હોય. જે પદાર્થ નિત્ય હોય, તે નિત્ય જ હોય, અનિત્ય ના હોય. એવી રીતે અનિત્ય પદાર્થ પણ નિત્ય ના હોય. એ રીતે વિચારતાં અનેક પ્રકારની શક્યતા અને અશક્યતાવાળી એ વિચારસરણી દોષપાત્ર લાગે છે.