Adhyay 2, Pada 2, Verse 34-35
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 34-35
By Gujju29-04-2023
३४. एवं चात्माकार्त्स्न्यम् ।
અર્થ
એવં ચ = એવી જ રીતે.
આત્માકાર્ત્સ્ન્યમ્ = આત્માને અર્પણ, એકદેશીય અથવા શરીરના જેવા માપવાળ માનવો તે પણ બુદ્ધિ તથા યુક્તિસંગત નથી લાગતું.
ભાવાર્થ
જે લોકો એવું માને છે કે આત્મા શરીરના માપ જેવા માપવાળો છે એ લોકોની માન્યતાને ભૂલભરેલી બતાવવા માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે. આત્માને જો શરીર પ્રમાણે વધનારો ને ઘટનારો માનીએ તો માણસના શરીરમાં એ એક પ્રકારનો, કીડીના શરીરમાં બીજા પ્રકારનો, હાથીના શરીરમાં ત્રીજા પ્રકારનો એટલે કે હાથી જેવડો થશે. એને જુદે જુદે વખતે જુદા જુદા માપ અથવા આકારવાળો કરવો પડશે.
એક જ શરીર બાલ્યાવસ્થામાં નાનું હોય છે, યુવાવસ્થામાં એથી મોટું થાય છે, ને પ્રૌઢાવસ્થામાં એથી પણ મોટું બને છે. તો એમાં રહેનારો આત્મા એ શરીરના પ્રમાણમાં શું મોટો થતો જશે ? એ શરીરના એકાદ અંગનો નાશ થતાં આત્માનો પણ એટલો ભાગ નાશ પામશે એવું માનવું પડશે. એ બધી દૃષ્ટિએ વિચારતાં આત્મા શરીરના માપ જેવા માપવાળો છે એવી માન્યતા બરાબર નથી લાગતી.
—
३५. न च पर्यायादप्यविरोधो विकारादिभ्यः ।
અર્થ
ચ = એ ઉપરાંત.
પર્યાવાત્ = આત્માને વધનારો તથા ઘટનારો માની લેવાથી.
અપિ = પણ.
અવિરોધઃ = વિરોધનું નિવારણ
ન = નથી થઈ શકતું.
વિકારાદિભ્યઃ = એવું માનવાથી આત્માને વિકારાદિ દોષવાળો માનવો પડશે એટલા માટે.
ભાવાર્થ
જુદાં જુદાં શરીરોના માપ પ્રમાણે આત્મા પણ નાનામોટા માપવાળો બને છે એવું માની લેવાથી આત્મા નિર્દોષ નહિ રહી શકે પરંતુ દોષયુક્ત સાબિત થશે, અવિકારીને બદલે વિકારી માનવો પડશે, અને અનિત્ય સમજવો રહેશે. એને અવયવરહિત, અવિકારી અથવા નિત્ય નહિ કહી શકાય. એની અંદર અને પ્રકૃતિના પરિવર્તનશીલ બીજા પદાર્થોની અંદર કોઈ જાતનો ભેદ નહિ રહે. એટલે એ આખીયે માન્યતા બધી રીતે દોષપાત્ર છે અને અસ્વીકાર્ય છે.