Thursday, 14 November, 2024

Adhyay 2, Pada 3, Verse 06-07

119 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 06-07

Adhyay 2, Pada 3, Verse 06-07

119 Views

६. प्रतिज्ञाहानिरव्यतिरेकाच्छब्देभ्यः ।

અર્થ
અવ્યતિરેકાત્ = પરમાત્માના કાર્યથી આકાશને અલગ ના માનવાથી જ.
પ્રતિજ્ઞાહાનિઃ = એકના જ્ઞાનથી સર્વના જ્ઞાન સંબંધી પ્રતિજ્ઞાની રક્ષા કરી શકાય છે.
શબ્દેભ્યઃ = ઉપનિષદના શબ્દોથી એ જ સિદ્ધ થાય છે.

ભાવાર્થ
ઉપનિષદમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે એક પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનથી સમસ્ત જગતનું જ્ઞાન થઈ જાય છે. એ કથનની સિદ્ધિ ત્યારે જ થઈ શકે કે જ્યારે આકાશને પણ એ પરમાત્માનું જ કાર્ય માનવામાં આવે. આકાશ બીજા બધા પદાર્થો તથા સમસ્ત જગતની જેમ પરમાત્માનું કાર્ય હોય ને પરમાત્મા એના એકમાત્ર કારણ હોય તો જ પરમાત્માના જ્ઞાનથી એનું જ્ઞાન થઈ શકે છે એવું જણાવી શકાય. એટલે ઉપનિષદના એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આકાશ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલું છે.

ઉપનિષદમાં એવું પણ જણાવ્યું છે કે આ બધું બ્રહ્મ જ છે. વેદ પણ એવું જ કહી બતાવે છે. सर्व खल्विदं ब्रह्म । એ સર્વની અંદર આકાશનો સમાવેશ પણ થઈ જાય છે એ દેખીતું છે. બ્રહ્મ અને આકાશ બે જુદાં જુદાં સર્વોપરી તત્વો નથી. બ્રહ્મ બીજા બધા પદાર્થોની પેઠે આકાશનું પણ કારણ છે.

७. यावद्विकारं तु विभागो लोकवत् ।

અર્થ
તુ = તથા.
લોકવત્ = સામાન્ય લૌકિક વ્યવહારની જેમ.
યાવદ્દવિકારમ્ = વિકારમાત્ર સર્વ કાંઈ.
વિભાગઃ = બ્રહ્મના જ વિભાગ કે કાર્યરૂપ છે.

ભાવાર્થ
ઉપનિષદમાં નામરૂપાત્મક સમસ્ત વિકારો કે જગતના પદાર્થોને પરમાત્માના કાર્યરૂપ કહેવામાં આવ્યા છે તો પછી આકાશ એ પદાર્થોથી અલગ ના રહી શકે અને એ પરમાત્માનું કાર્ય હોય એ દેખીતું છે. સમસ્ત વિકારો, પદાર્થો કે જગતમાં આકાશનો સમાવેશ પણ સહેજે થઈ જાય છે. તેજ તથા બીજા પદાર્થોની ઉત્પત્તિના કોઈક વર્ણન દરમિયાન આકાશનું નામ ના આવ્યું હોય તો પણ એનો અર્થ એવો નથી કરવાનો કે પરમાત્મામાંથી આકાશની ઉત્પત્તિ નથી થઈ અને એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે. આકાશનો ઉલ્લેખ બીજે ઠેકાણે સ્પષ્ટ રીતે કરેલો હોવાથી ત્યાં પણ આકાશનો ઉલ્લેખ સમજી લેવાનો છે. વાયુ તથા આકાશને અમૃત કહેવાનું કારણ એમને બીજા પદાર્થો કરતાં દીર્ઘજીવી કે ચિરસ્થાયી બતાવવાનું અથવા પરમાત્મા સ્વરૂપ જણાવવાનું છે.

સંસારમાં સામાન્ય રીતે જોઈએ છીએ કે કોઈક પુરૂષના પુત્રોનો પરિચય આપતી વખતે કહેવામાં આવે છે કે આ બધા પુત્રો એ પુરૂષના છે. બીજીવાર એ બધામાંથી એક બેનો પરિચય કરાવતાં એ પેલા પુરૂષના પુત્રો છે એવું કહેવામાં આવે તો એનો અર્થ એવો તો ના જ થાય કે એ સિવાયના બીજા પુત્રો કોઈ બીજા પુરૂષના છે. બધા એ જ પુરૂષના પુત્રો છે એવું સમજી લેવાય છે. કોઈ ખેડૂત પોતાની વિશાળ જમીન બતાવીને કહે કે આ બધી જમીન મારી છે, અને પછી એમાંથી થોડીક જમીન પોતાની છે એવું પુનઃ કહી બતાવે તેથી શેષ જમીન તેની નથી ને બીજાની છે એવું નથી સાબિત થતું. અથવા કોઈ એમ કહે કે આ હાથ મારો છે, એથી બીજા અવયવો અને આખું અંગ એનું નથી એવું નથી મનાતું. એવી રીતે સમસ્ત જગત પરમાત્મામાંથી પેદા થાય છે એવું જણાવીને એ જગતમાં જે છે તે બધું જ પરમાત્માનું કાર્ય છે એવું જણાવી દીધું છે. આકાશ એ કાર્યથી અલગ અથવા એમાં અપવાદરૂપ નથી એ સહેજે સમજી શકાય તેવું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *