Adhyay 2, Pada 3, Verse 08-10
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, Verse 08-10
By Gujju29-04-2023
८. एतेन मातरिश्वा व्याख्यातः ।
અર્થ
એતેન = આની દ્વારા, અથવા આકાશની ઉત્પત્તિ સિદ્ધ કરનારા વર્ણનથી.
માતરિશ્વા = વાયુની ઉત્પત્તિ.
વ્યાખ્યાનઃ = કહી બતાવી.
ભાવાર્થ
અત્યાર સુધીની ચર્ચાવિચારણાના પરિણામે પુરવાર થયું કે આકાશની ઉત્પત્તિ પરમાત્મામાંથી જ થાય છે. એ જ ચર્ચાવિચારણાના આધાર પર એના અનુસંધાનમાં કહી શકાય કે આકાશની જેમ વાયુની ઉત્પત્તિ પણ પરમાત્મામાંથી જ થયેલી છે. વાયુનું અસ્તિત્વ પણ પરમાત્માથી અલગ નથી.
—
९. असम्भवस्तु सतोङनुपपत्तेः ।
અર્થ
સતઃ = સત્ શબ્દ પરમાત્મા વિના (બીજા કોઈનું ઉત્પન્ન ના થવાનું)
તુ = તો અસંભવ છે.
અનુપપત્તેઃ = કારણ કે એવી અનુત્પત્તિ તર્કવિતર્ક કે પ્રમાણ દ્વારા પુરવાર નથી થઈ શકતી.
ભાવાર્થ
ઉપનિષદમાં પરમાત્માને માટે સત્ શબ્દનો પ્રયોગ કરેલો છે. એ સત્ શબ્દ દ્વારા વર્ણવાયલા પરમાત્મા અજન્મા અને અવિનાશી છે. એ પરમાત્માની ઉત્પત્તિ નથી થઈ શકતી. પરંતુ એમના સિવાયનું જગતના રૂપમાં જે કાંઈ દેખાય છે કે અનુભવાય છે તે બધું જ ઉત્પત્તિશીલ છે. એની ઉત્પત્તિ નથી થતી એવું ક્યાંય નથી કહેવામાં આવ્યું. બુદ્ધિ, અહંકાર, કાળ, અણુ કે પરમાણુ સઘળું ઉત્પન્ન થાય છે. પ્રલય સમયે એક માત્ર પરમાત્મા જ શેષ રહે છે, બીજું કશું જ નથી રહેતું, એવું શાસ્ત્રોએ સ્પષ્ટ રીતે કહી બતાવ્યું છે.
—
१०. तेजोङतस्तथा ह्याह ।
અર્થ
તેજઃ = તેજ.
અતઃ = આ (વાયુ) માંથી. (ઉત્પન્ન થયું.)
તથા હિ = એવું જ.
આહ = બીજે કહેલું છે.
ભાવાર્થ
તેજ શેમાંથી પેદા થયું એ જણાવવા માટે આ સૂત્ર લખવામાં આવ્યું છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે પરમાત્માએ તેજની રચના કરી, અને તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે પરમાત્મામાંથી આકાશનો, આકાશમાંથી વાયુનો ને વાયુમાંથી તેજનો પ્રાદુર્ભાવ થયે. તો પછી તેજની ઉત્પત્તિ વાયુમાંથી થઈ કે પરમાત્મામાંથી એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ પેદા થઈ શકે છે.
એના ઉત્તરમાં અહીં જણાવવામાં આવે છે કે તેજની ઉત્પત્તિ વાયુમાંથી થઈ શકે છે એવું ઉપનિષદમાં અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે પરમાત્માએ આકાશની ઉત્પત્તિ કરીને આકાશમાંથી વાયુની ને વાયુમાંથી તેજની સૃષ્ટિ કરી એવું કહીએ કે પરમાત્માએ આકાશની, વાયુની કે તેજની રચના કરી એવું કહીએ એમાં વસ્તુતઃ કશો ફેર નથી પડતો. એવી રીતે એ બંને પ્રકારના કથનમાં એકવાક્યતા રહેલી છે. મહત્વનો મૂળ મુદ્દો એ છે કે એક પદાર્થનું પેટા કારણ ગમે તે હોય તો પણ સૌનું મૂળ કારણ પરમાત્મા સિવાય બીજું કશું ય નથી. પરમાત્મામાંથી જ સૌનો પ્રાદુર્ભાવ થાય છે.