Thursday, 9 January, 2025

Adhyay 2, Pada 3, Verse 11-13

126 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 11-13

Adhyay 2, Pada 3, Verse 11-13

126 Views

११. आपः ।

અર્થ
આપઃ- જલ (તેજમાંથી પેદા થયું.)

ભાવાર્થ
એવી રીતે ઉપનિષદના આધાર પર સંશયરહિત રીતે સમજી લેવું જોઈએ કે તેજમાંથી જલની સૃષ્ટિ થઈ અથવા તેજમાંથી પાણી પેદા થયું.

१२. पृथिव्यधिकाररूपशब्दान्तेरभ्यः ।

અર્થ
પૃથ્વી = (એ પ્રકરણમાં અન્નના નામથી) પૃથ્વીનો જ નિર્દેશ કરવામાં આવ્યો છે.
અધિકાર રૂપ શબ્દાન્તરેભ્યઃ = કારણ કે પાંચ તત્વોની ઉત્પત્તિનું છે, એમાં જણાવેલું કાળું રૂપ પૃથ્વીનું જ માનવામાં આવે છે, અને બીજો ઠેકાણે પણ પાણીમાંથી પૃથ્વીની ઉત્પત્તિ કહી બતાવી છે.
 
ભાવાર્થ
છાંદોગ્ય  ઉપનિષદમાં કહ્યું છે કે પાણીએ અન્નની રચના કરી, ત્યાં અન્ન શબ્દ પૃથ્વીના વિશાળ અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે એવું સમજવાનુ છે કારણ કે ત્યાં પાંચ તત્વોની કે મહાભૂતોની ઉત્પત્તિનો પ્રસંગ ચાલી રહ્યો છે, સ્થૂળ અન્નનો નથી ચાલતો. ત્યાં જે કાળું રૂપ બતાવ્યું છે તે પણ અન્નનું નથી પરંતુ પૃથ્વીનું જ છે.

તૈત્તિરીય ઉપનિષદમાં સૃષ્ટિ રચનાનું જે ક્રમ વર્ણન આવે છે તેમાં પણ પૃથ્વીની ઉત્પત્તિ પાણીમાંથી થાય છે એવું જણાવ્યું છે. એની સાથે પૃથ્વીમાંથી ઔષધિ અને ઔષધિમાંથી અન્ન થાય છે એવું કહ્યું છે. એટલે પાણીમાંથી સીધી અન્નની ઉત્પત્તિ થાય છે એવું માનવાનું શાસ્ત્રસંગત, પ્રત્યક્ષ અનુભવને અનુરૂપ તથા બરાબર નથી લાગતું. જલ તત્વમાંથી પૃથ્વી તત્વની અને પૃથ્વીમાંથી અન્નની ઉત્પત્તિ થાય છે એવું માનવું જ બરાબર છે.

१३. तदभिध्यानादेव तु तल्लिङ्गात्सः ।

અર્થ
તદભિધ્યાનાત્ = એ તત્વોનું સુચારૂરૂપે ચિંતન કરવાનું કથન હોવાથી.
એવ = જ.
તુ = તો (પુરવાર થાય છે કે)
સઃ = તે પરમાત્મા જ એમની રચના કરે છે.
તલ્લિંગાત્ = એ લક્ષણો એમને જ બંધ બેસે છે એટલા માટે.

ભાવાર્થ
આકાશ પરમાત્મામાંથી પેદા થાય છે એવું ઉપનિષદમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે, પરંતુ એની પછીના બીજા તત્વોની ઉત્પત્તિ ક્રમશઃ થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એના પરથી પ્રશ્ન થાય છે કે આકાશ સિવાયના બીજાં બધાં તત્વો પોતાની મેળે જ એકમેકમાંથી પેદા થાય છે કે બધાં જ તત્વો પરમાત્મામાંથી પ્રાદુર્ભાવ પામે છે ? એનો ઉત્તર એ જ છે કે જડ તત્વો પરમાત્માની મદદ વિના મેળે જ પોતાની ઉત્પત્તિ નથી કરી શકતાં. પરમાત્મા જ એમને સૃષ્ટિ રચનાના કર્મમાં પ્રવૃત્ત કરે છે.

ઉપનિષદમાં ચિંતન કે સંકલ્પ કરવાનો જે નિર્દેશ મળે છે તે નિર્દેશ પ્રમાણે વિચારીએ તો પણ સહેલાઈથી સમજાય છે કે એવી ચિંતનની કે સંકલ્પની શક્તિ જડ તત્વોમાં કદાપિ ના હોઈ શકે. એવી શક્તિ તો પરમાત્મામાં જ સંભવી શકે એટલે પરમાત્મા પોતે જ એક તત્વમાંથી બીજા તત્વની અને એવી રીતે સમસ્ત સૃષ્ટિની રચના કરે છે. જે થાય છે તે બધું પરમાત્મામાંથી જ પેદા થાય છે. સૌના મૂળભૂત મુખ્ય કારણ પરમાત્મા જ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *