Thursday, 14 November, 2024

Adhyay 2, Pada 3, Verse 24-26

112 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 24-26

Adhyay 2, Pada 3, Verse 24-26

112 Views

२४. अवस्थितिवैशेष्यादिति  चेन्नाध्युपगमाद् धृदि हि ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે. 
અવસ્થિતિવૈશેષ્યાત્ = ચંદન અને આત્માની સ્થિતિમાં તફાવત હોવાથી (ચંદનનું ઉદાહરણ ઉચિત નથી. ઈતિ)
ન = તો તેવું નથી.
હિ = કારણકે.
હૃદિ = હૃદય પ્રદેશમાં.
અધ્યુપગમાત્ = એની સ્થિતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ભાવાર્થ
પૂર્વપક્ષી પોતાની દલીલના અનુસંધાનમાં આગળ કહે છે કે જો એવું કહેવામાં આવે કે આત્મા વિશે વિચારતી વખતે ચંદનનું ઉદાહરણ આપવાનું બરાબર નથી તો તે કથનને ન્યાય યુક્ત ના કહી શકાય. કારણ કે ચંદનની જેમ આત્માની સ્થિતિ વિશે પણ શ્રુતિએ સ્પષ્ટ કર્યું છે કે આત્મા હૃદય પ્રદેશમાં રહેલો છે.  ह्यद्येष आत्मा । ‘આત્મા હૃદયમાં રહેલો છે.’ એ પ્રશ્નોપનિષદના શબ્દો સુપ્રસિદ્ધ છે. ચંદનની પેઠે આત્મા પણ એકદેશીય છે તો પણ શરીરના જુદા જુદા ભાગોના સુખદુઃખોને અનુભવી શકે છે.

२५. गुणाद्वा लोकवत् ।

અર્થ
વા = અથવા એવું માનો કે અણુપરિમાણવાળા જીવાત્માનું.
ગુણાત્ = ચેતના રૂપી ગુણથી શરીરને ચેતનાથી યુક્ત કરી દેવાનું શક્ય છે.
લોકવત્ = લોકમાં એવું દેખાય છે તેવી રીતે.

ભાવાર્થ
સંસારમાં દેખાય છે કે ફૂલને એક સ્થળ પર રાખવામાં આવે છે અને અગરબત્તીને એક ઓરડામાં સળગાવવામાં આવે છે તો પણ એની સુવાસ ઘરમાં બધે જ ફરી વળે છે. સૂર્ય આકાશના એક ભાગમાં પ્રકટીને સર્વત્ર પ્રકાશ પાથરે છે, ને તેવું જ ઘરના ખૂણામાં કરેલા દીપકના સંબંધમાં છે. તે પોતાના પ્રકાશથી સર્વત્ર ફરી વળે છે. તેવી જ રીતે શરીરમાં એક સ્થળે રહેતો જીવાત્મા પોતાની ચેતનાથી સમસ્ત શરીરને ભરી દે છે, એ વાત સમજી શકાય તેવી છે. એ ચેતના દ્વારા શરીરના સુખદુઃખોનો અનુભવ એને માટે શક્ય બને છે.

२६. व्यतिरेको  गंधवत् ।

અર્થ
ગંધવત્ = ગંધની જેમ.
વ્યતિરેકઃ = ગુણનું ગુણીથી અલગ થવાનું શક્ય છે.

ભાવાર્થ
કોઈને એવો સંદેહ થાય કે ગુણ ગુણીથી અલગ રહીને કાર્ય કરી શકે તો એના સમાધાન માટે અહીં જણાવવામાં આવે છે કે ગુણને માટે ગુણીથી અલગ બનીને કાર્ય કરવાનું અશક્ય નથી. કેવી રીતે તે સમજાવવા માટે ગંધનું ઉદાહરણ આપીને કહેવામાં આવે છે કે ગંધ પોતાના ગુણી પુષ્પથી છૂટી પડીને અથવા અગરબત્તીમાંથી બહાર નીકળીને બધે ફેલાઈ જાય છે તેવી રીતે. આત્માની ચેતના પણ આત્માથી અલગ થઈને એવી રીતે સમસ્ત શરીરમાં, ઉપરથી નીચે સુધી, બધે જ ફેલાઈ જાય છે. એમાં ના માનવા જેવું કશું જ નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *