Wednesday, 15 January, 2025

ભગવાન શંકરની પ્રસન્નતા

372 Views
Share :
ભગવાન શંકરની પ્રસન્નતા

ભગવાન શંકરની પ્રસન્નતા

372 Views

{slide=Lord Shiva appeased}

Krishna and Arjun sang hymn of Lord Shiva’s praise and pleased Lord Shiva. Arjun revealed his desire for Pashupatastra. Lord Shiva told him that he had hide his beloved weapon in a nearby lake. They should, therefore look for Pashupatastra there.

Arjuna and Krishna reached their destination but found two fierce snakes guarding the lake. They offered worship to snakes and with Lord Shiva’s blessings snakes turned into bow and arrow. Arjuna grabbed and presented them to Lord Shiva. Lord Shiva blessed Arjuna. Thereafter, Arjuna felt relieved and became fully confident of his victory.

ભગવાન કૃષ્ણે અને અર્જુને કરેલી ભગવાન શંકરની દ્રોણપર્વના ૮૦મા અધ્યાયમાં સ્થાન પામેલી સ્તુતિ આ પ્રમાણે-

नमो भवाय शर्वाय रुद्राय वरदाय च ।
पशूनां पतये नित्यमुग्राय च कपर्दिने ॥

महादेवाय भीमाय त्र्यंबकाय च शांतये ।
इशानाय मखघ्नाय नमोङस्तवन्धकथातिने ॥

विलोहिताय धूम्राय व्याधायानपराजिते ।
नित्यं नीलशिखंडाय शूलिने दिव्यचक्षुषे ॥

होत्रे पोत्रे त्रिनेत्राय व्याधाय वसुरेतसे ।
अचिंत्यायांबिकाभर्त्रे सर्वदेवस्तुताय च ॥

वृषध्वजाय मुंडाय जटिने ब्रह्मचारिणे ।
तप्यमानाय सलिले ब्रह्मण्यायजिताय च ॥

विश्वात्मने विश्वसूजे विश्वमावृत्य तिष्ठते ।
नमो नमस्ते सेव्याय भूतानां प्रभवे सदा ॥

ब्रह्मावक्त्राय सर्वाय शंकराय शिवाय च ।
नमोङस्तु वाचस्पतये प्रजानां पतये नमः ॥

नमो विश्वस्य पतये महतां पतये नमः ।
नमः सहस्त्रशिरसे सहस्त्रभुज मृत्यवे ॥

सहस्त्रनेत्रपादाय नमोङसंख्येय कर्मणे ।
नमो हिरण्यावर्णाय हिरण्यकवचाय च ॥

भक्तानुकंपिने नित्यं सिध्यतां नो वरः प्रभो ।

એ સ્તુતિનો ભાવાર્થ આ પ્રમાણે-

સર્વના પ્રભુ, સર્વના સંહર્તા, રુદ્ર, વરદાતા, પશુઓના પતિ, ઉગ્ર, જટાધારી મહેશ્વરને અમારા નમસ્કાર હો.

મહાન દેવ, ભીમ, ત્રિનેત્ર, શમપ્રધાન, અસ્ખલિત ઇચ્છાવાળા, પ્રજાપતિ દક્ષના યજ્ઞનો નાશ કરનારા, અને અંધકાસુરનો સંહાર કરનારા શ્રી શંકરને અમારા નમસ્કાર હો.

કાર્તિક સ્વામીના પિતા, નીલકંઠ, પ્રજાઓના વિધાતા, પિનાક ધનુષ્યને ધારણ કરનારા, હવિષ્ય યોગ્ય હોવાથી હાવિષ્ય, સત્યસ્વરૂપ સર્વવ્યાપક શ્રી શંકરને નમસ્કાર હો.

વિલોહિત, ધૂમ્ર, મૃગસ્વરૂપ બ્રહ્મદેવની પાછળ પારધિના સ્વરૂપને ધારણ કરનારા, અપરાજિત, નિત્ય, નીલકેશ, ત્રિશૂલધારી, દિવ્ય દૃષ્ટિવાળા; હોતાસ્વરૂપ, યજ્ઞિય ઋત્વિજસ્વરૂપ, ત્રિનેત્ર, વ્યાધ સ્વરૂપ, પરમશક્તિ સ્વરૂપ, અચિંત્ય, પાર્વતીપતિ, સર્વના પોષક, સર્વ દેવોથી સ્તુતિ કરાયેલા, વૃષભધ્વજ, દીક્ષિત હોવાથી મુંડ, જટાધારી, વીર્યનું ધારણ કરનારા હોવાથી બ્રહ્મચારી, જળમાં તપશ્ચર્યા કરનારા, બ્રહ્મવેત્તા, અજિત; વિશ્વરૂપ, વિશ્વના સ્ત્રષ્ટા, સમસ્ત વિશ્વમાં વ્યાપક, સેવવા યોગ્ય, સર્વભૂતોના પ્રભુ આપને સદા અમારા નમસ્કાર હો, નમસ્કાર હો.

વેદરૂપી મુખવાળા, સર્વવ્યાપક, સુખકારક, મંગલસ્વરૂપ, વાણીના પતિ, પ્રજાઓના સ્વામી શ્રી શંકરને અમારા નમસ્કાર હો.

વિશ્વના પતિ, મહત્તત્વાદિકના પતિ, હજાર મસ્તકવાળા, હજાર ભુજાઓવાળા તથા મૃત્યુસ્વરૂપ એવા શ્રીમહેશ્વરને અમારા નમસ્કાર હો.

હજાર લોચન અને ચરણવાળા, અસંખ્ય પરાક્રમો કરનારા, સુવર્ણસમાન વર્ણવાળા, સુવર્ણના કવચને ધારણ કરનારા, ભક્તો પર અનુકંપા વરસાવનારા, શ્રીમહેશ્વરને અમારા નમસ્કાર હો. હે પ્રભુ ! અમને આપેલા વરદાનની સદા સિદ્ધિ થાવ.

પ્રસન્ન ચિત્તવાળો અર્જુન હાથ જોડીને પ્રફુલ્લિત નેત્રે સમગ્ર તેજના ભંડાર ભગવાન શંકરનું દર્શન કરવા લાગ્યો.

એણે મનથી શ્રીકૃષ્ણનું તથા શંકરનું પૂજન કર્યું, અને ‘હું દિવ્ય અસ્ત્રની ઇચ્છા રાખું છું’ એમ ભગવાન શકંરને કહ્યું.

ભગવાન શકંરે જણાવ્યું કે અહીં પાસે એક દિવ્ય અમૃતમય સરોવર છે. તેમાં મેં મારાં દિવ્ય ધનુષ્યબાણને રાખી મૂક્યાં છે. એ ધનુષ્યબાણથી મેં યુદ્ધમાં દૈત્યોનો સંહાર કર્યો હતો. તમે એ સરોવરમાંથી એ ઉત્તમ ધનુષ્યબાણને લઇ આવો.

એ બંનેએ મનમાં લેશ પણ ગભરાયા વિના મહાદેવે બતાવેલા એ પવિત્ર સરોવર તરફ પ્રયાણ કર્યું.

તેમણે પાણીમાં એક ભયંકર સર્પને જોયો. વળી તે જ સ્થળે એક હજાર ફેણવાળો બીજો સર્પ પણ જોવામાં આવ્યો. તે સર્પ મુખમાંથી મોટી મોટી જ્વાળાઓ કાઢતો હતો, અને અગ્નિસમાન તેજસ્વી દેખાતો હતો. શ્રીકૃષ્ણે અને અર્જુને તે સરોવરના જળનું આચમન કર્યું. મનથી શિવને નમસ્કાર કરી અને હાથ જોડીને તે સર્પોની પાસે ઊભા રહ્યા.

ભગવાન મહાદેવના મહાત્મયથી એ બંને સર્પોએ પોતાનું સ્વરૂપ છોડી દીધું. તે સર્પો શત્રુઓનો નાશ કરે તેવાં ધનુષ્ય અને બાણના સ્વરૂપમાં ફેરવાઇ ગયા. તે જોઇને તે બંને પ્રસન્ન થયાં. તેમણે ઉત્તમ કાંતિવાળાં એ ધનુષ્યબાણને ધારણ કર્યાં, અને ભગવાન શંકરને અર્પણ કર્યા. તે વખતે શ્રી શંકરના એક અંગમાંથી પિંગળા નેત્રવાળા, તપના ક્ષેત્રરૂપ અને બળવાન એવા એક બ્રહ્મચારીનો આવિર્ભાવ થયો. તેણે તે ધનુષ્યને ધારણ કરીને વીરાસને બેસીને મંત્રવિધિપૂર્વક તેની ઉપર બાણનું અનુસંધાન કર્યું.

અચિંત્ય પરાક્રમવાળા અર્જુને ધનુષ્યની પ્રત્યંચાનું આકર્ષણ, ધનુષ્યનું મુઠીમાં ધારણ, શરના અનુસંધાનને, સંપૂર્ણ રીતે જોઇ લીધું. પછી મહાદેવે ઉચ્ચારેલા મંત્રનું શ્રવણ કરીને એ અસ્ત્રને ગ્રહણ કર્યું.

શંકર ભગવાને પ્રસન્ન થઇને અર્જુનને વરદાન આપ્યું.

પોતાની પ્રતિજ્ઞાને સંપૂર્ણ કરવામાં સમર્થ તથા દિવ્ય એવા એ ઘોર પાશુપતાસ્ત્રને શ્રી શંકર ભગવાન પાસેથી મેળવીને અર્જુન રોમાંચિત થઇ ગયો અને પોતાના કાર્યને પરિપૂર્ણ થયેલું માનવા લાગ્યો.

ભગવાન શંકરની આજ્ઞા મેળવીને પરમપ્રસન્ન બનીને વીર અર્જુન તથા કેશવ પોતાની છાવણીમાં આવી પહોંચ્યાં.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *