Wednesday, 15 January, 2025

ભૌમાસુર

370 Views
Share :
ભૌમાસુર

ભૌમાસુર

370 Views

ભગવાન કૃષ્ણનું સમસ્ત જીવન સામાજિક સેવાનું સક્રિય જીવન છે. એ જીવન દ્વારા એમણે લોકહિતના અનેક અવનવીન કાર્યોનો આધાર લીધો છે. સમાજમાં એમને જ્યાં પણ દુઃખ દેખાયું, યંત્રણા દેખાઇ, અને અધર્મ, અન્યાય અને અત્યાચારનો અંત આણવાની આવશ્યકતા પ્રતીત થઇ ત્યાં ત્યાં સમાજના એક સાચા સેવાભાવી સ્વયંસેવક તરીકે પહોંચીને એમણે એમની સમયોચિત સેવા સમર્પિત કરી. એમણે એના બદલામાં કશુંયે ના ઇચ્છયું કે ના માગ્યું. એ રીતે વિચારતાં એમનું જીવન નિષ્કામ કર્મયોગના પૂર્ણતમ પ્રતીકરૂપ છે. બીજાને બંધનમુક્ત કરવામાં, શાંતિ આપવામાં ને બીજાનાં અશ્રુને લુછવામાં એમને અલૌકિક આનંદ આવતો, એ એમનો સ્વભાવ હતો, એવું ચોક્કસપણે લાગે છે. એ પવિત્ર પ્રેમના, અહેતુકી કરુણાના અને સ્વાર્થરહિત સેવાભાવનાના અવતાર હતા અને સમાજથી અલગ રહેવાને બદલે સમાજ સાથે ભળીને એકરૂપ બની ગયેલા એમાં શંકા નથી. એ એમની વિશેષતા હતી. એ વિશેષતા સૌના માટે પદાર્થપાઠરૂપ ને પ્રેરક છે.

*

ભૌમાસુરે વરુણનું છત્ર, અદિતિનાં કુંડલ અને મેરુપર્વત પર રહેનારા દેવતાઓનું મણિપર્વત નામે સ્થાન એ બધું પોતાના પરાક્રમથી પડાવી લીધેલું. એથી દુઃખી થઇને ઇન્દ્રે દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની મદદ માગી તેથી કૃષ્ણ સત્યભામા સાથે ભૌમાસુરની રાજધાની પ્રાગ્જયોતિષપુરમાં પહોંચી ગયા.

પ્રાગ્જ્યોતિષપુરનો પ્રવેશ ધાર્યા જેટલો સહેલો ન હતો. એની આજુબાજુ પર્વતોની કુદરતી કિલ્લેબંધી હતી. એની અંદર શસ્ત્રોનો ભંડાર હતો. પછી પાણીથી ભરેલી ખાઇ, એ પછી અગ્નિ અથવા વિજળીની દુર્ભેદ્ય દાહક દિવાલ હતી અને એની અંદર ગેસ કે વાયુ રાખેલો. એની પાછળ મુર દૈત્યે શહેરની ચારે તરફ દસ હજાર ભયંકર જાળ બિછાવેલી. પરંતુ ભગવાન કૃષ્ણની શક્તિ આગળ એ બધી માયાનું શું ચાલે ? એમણે પોતાની ગદાથી પર્વતોને ભેદી નાખ્યા અને શરવર્ષા કરીને શસ્ત્રોને નિષ્ક્રિય કરી દીધાં. પછી ચક્રની મદદથી પવન, પાણી અને અગ્નિની દુર્ભેદ્ય દિવાલને તોડીને મુર દૈત્યની માયાજાળનો તલવારથી નાશ કર્યો. યંત્રોને શંખનાદથી નિરર્થક કરી નગરના દરવાજાને તોડી નાખ્યો.

શંખનાદ સાંભળીને મુર દૈત્ય જાગીને બહાર આવ્યો. એના પાંચ મસ્તક હતાં અને એ પાણીમાં સુતેલો. એ ત્રિશૂળ લઇને લડવા લાગ્યો પરંતુ કૃષ્ણે એને ત્રિશૂળરહિત કરીને એનાં મસ્તકને ચક્રની મદદથી કાપી નાખ્યાં. એ પછી ભૌમાસુરના સેનાપતિઓને પણ યમસદનમાં પહોંચાડ્યા એટલે હાથીઓની સેના લઇને ભૌમાસુર પોતે આવી પહોંચ્યો.

છેવટે ચક્રના પ્રહારથી કૃષ્ણે ભૌમાસુરના મસ્તકને કાપીને એના જીવન પર પડદો પાડી દીધો. પૃથ્વી એના અત્યાચારમાંથી મુક્તિ પામી.

ભૌમાસુરે એના રાજપ્રાસાદમાં સોળ હજાર જેટલી કુમારિકાઓને બળજબરીથી હરીને રાખેલી. એના પરથી એની દુર્બુદ્ધિનો અને એના ભયંકર અનાચારનો ખ્યાલ આવે છે. એનું જીવન સમાજને માટે કેટલું બધું આતંકરૂપ હતું તે સમજાય છે. એના રાજપ્રાસાદમાં પ્રવેશીને ભગવાન કૃષ્ણે એ કન્યાઓને મુક્તિ આપી. કન્યાઓ એમને જોઇને અદમ્ય આકર્ષણને અનુભવતાં એમને જ વરવાની ઇચ્છા કરતાં ઊભી રહી. એમણે પોતાને ઘેર જવાની ના પાડી. કૃષ્ણે એમની ભાવનાનો તથા સુરક્ષાનો વિચાર કરીને એમને સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવી પાલખીઓમાં બેસાડીને ખૂબ જ સન્માનપૂર્વક દ્વારકા તરફ વિદાય કરી. એમની સાથે અઢળક ધનસંપત્તિ, રથ તથા ઘોડા પણ મોકલી આપ્યા.

દ્વારકામાં પાછા ફરીને ભગવાન કૃષ્ણે ભૌમાસુરના રાજપ્રાસાદમાંથી મુક્ત કરાયલી સોળ હજાર જેટલી કુમારિકાઓને એમના અનુરાગપૂર્ણ આગ્રહને લક્ષમાં લઇને અપનાવી લીધી.

*

ભૌમાસુરની એ કથાને જરાક જુદી રીતે, આધ્યાત્મિક સંદર્ભમાં વિચારી જોઇએ. ભૌમાસુર મિથ્યા દેહાધ્યાસ અથવા અવિદ્યાયુક્ત અહંકાર છે. એ પ્રાગ્જ્યોતિષપુરનો-માનવશરીરનો સર્વસત્તાધીશ બની ગયો છે અને એની ઉપર એકછત્ર શાસન ચલાવે છે. શાસ્ત્રો તથા સત્પુરુષો કહે છે કે મનુષ્ય ચોવીસ કલાકમાં ચોવીસ હજાર છસો જેટલા શ્વાસ લે છે. એ સઘળા શ્વાસપ્રશ્વાસ અને મનની વૃત્તિઓ પર અહંકારે કાબુ કર્યો છે.

એ દેહાધ્યાસ અથવા અહંકારનું નિવાસસ્થાન બહારથી દેખાય નહિ એવું અથવા સૂક્ષ્મ છે. એની આજુબાજુ સ્થૂળ શરીરની મજબૂત કિલ્લેબંધી છે. એની અંદર જીવનશક્તિ સમાયેલી છે તથા મનોમય અને પ્રાણમય કોશની દુર્ભેદ્ય દિવાલ પથરાયેલી છે. એની પાછળ વિજ્ઞાનમય કોશરૂપી મુર દૈત્યે બુદ્ધિની મદદથી આનંદમય જાળ ફેલાવી છે. એ જાળને, દુર્ભેદ્ય દિવાલને, વિષયવતી વૃત્તિને તથા સ્થૂળ શરીરની આસક્તિની કઠોર કિલ્લેબંધીને કોણ તોડી શકે ? જીવનો એ દિશાનો પુરુષાર્થ કામ લાગે ખરો પરંતુ એ પુરુષાર્થ પૂરતો નહિ થાય. એ પુરુષાર્થને પરિપૂર્ણ અથવા સફળ કરવા એણે શિવનું શરણ લીધા સિવાય છૂટકો નથી. એની પ્રેમપૂર્ણ પ્રાર્થનાથી અને એના અનુરાગયુક્ત અદ્દભુત આત્મનિવેદનથી પ્રસન્ન થઇને ભગવાનની અસીમ શક્તિ એને મદદ કરવા તૈયાર થાય છે. એથી એનો માર્ગ સરળ બને છે. ભગવાનના અસાધારણ અનુગ્રહની આગળ સર્વ પ્રકારના અંતરાયો દૂર થાય છે, પાંચે કોશોનાં બંધન તૂટી જાય છે, ને અહંકાર અથવા દેહાધ્યાસરૂપી ભૌમાસુરનો અંત આવે છે. જીવનની ચેતના તથા વૃત્તિઓ પરનો એનો અંકુશ દૂર થાય છે. એ ચેતના તથા વૃત્તિઓ એના બંધનમાંથી મુક્તિ મેળવીને ભગવાનની થઇ જાય છે કે ભગવાનમાં મળી જાય છે. ભગવાનના અલૌકિક અનુગ્રહથી ઉદાત્તતા ધારણ કરીને ધન્ય થાય છે.

એ ભૌમાસુરનું સામ્રાજ્ય સંસારમાં સર્વત્ર પથરાયેલું છે અને એમાંથી મુક્તિ મેળવવા ભગવાનની શ્રદ્ધાભક્તિને કે શરણાગતિને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. ભગવાનનું સ્નેહપૂર્ણ સ્મરણ કરવામાં આવે તો માયા, દેહાધ્યાસ કે કાળ કશું જ ના કરી શકે. ભગવાનના શરણ તથા સ્નેહપૂર્ણ સ્મરણમાં એટલી બધી શક્તિ છે. એ શક્તિનો સ્વાદ તો જેને સાંપડ્યો હોય તે જ જાણી શકે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *