Sunday, 22 December, 2024

મહાદેવજીનો મોહ

353 Views
Share :
મહાદેવજીનો મોહ

મહાદેવજીનો મોહ

353 Views

 ભાગવતના આઠમા સ્કંધના બારમા અધ્યાયમાં ભગવાન વિષ્ણુના મોહિનીરૂપને નિહાળીને થયેલા ભગવાન શંકરના અથવા મહાદેવજીના મોહનું વર્ણન છે. એ વર્ણનને વાંચીને કોઇને શંકા થવાનો સંભવ છે કે એ વર્ણન ભગવાન વિષ્ણુ કરતાં ભગવાન શંકર ઓછા શક્તિશાળી અથવા ઉતરતા છે એવું બતાવવા માટે તો નથી કરવામાં આવ્યું ? ભગવાન શંકર તો દેવોના દેવ તથા યોગીઓના યોગી હતા. ભાગવતમાં જ અને આજ સ્કંધમાં અન્યત્ર એમની પરમાત્મા તરીકે પ્રશસ્તિ કરવામાં આવી છે. એવા પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન શંકર પેલા સમુદ્રમંથન વખતે એકઠા થયેલા જડ આસુરીસંપત્તિપ્રધાન દૈત્યોની જેમ મોહિનીથી મોહાય અને સાનભાન ભૂલી જાય એ શું માનવા જેવું છે ? એમાં શું ભગવાન શંકરનું અપમાન નથી લાગતું ? ભગવાન શંકર એવા વિષયાસક્ત ને નિર્બળ હતા ? એમણે તો કામદેવને ભસ્મીભૂત કરેલો. એ એવા કમજોર કે કામી કેવી રીતે હોઇ શકે ? કે પછી ભાગવતના ભગવાન શંકરના સંમોહના એ પ્રસંગને ક્ષેપક કે પાછળથી ઉમેરાયેલો માનીને મહત્વ ના આપવું ? શાસ્ત્રોમાં વખતના વીતવા સાથે એવા કેટલાય પ્રસંગો પાછળથી પેસી ગયા કે ઉમેરવામાં આવ્યા હોય એ બનવાજોગ છે. એમનો વિચાર તટસ્થ રીતે નીરક્ષીર બુદ્ધિથી કરવો જોઇએ અને જે સમુચિત ના હોય તેનો ત્યાગ કરતાં અચકાવું ના જોઇએ. પરંપરા, રૂઢિ કે શાસ્ત્રોની પવિત્રતાના નામે તેને પોષવાની પ્રવૃત્તિ બરાબર નથી. તે પદ્ધતિને તિલાંજલિ આપવી જોઇએ. એવા પ્રસંગો ભક્તોએ પોતાના આરાધ્યદેવને શ્રેષ્ઠ અને બીજાને કનિષ્ઠ બતાવવા ચીતર્યા હોય એ સમજી શકાય તેવું છે. પરંતુ તેથી બીજા ભક્તોની ભક્તિભાવના ઘવાય છે ને જે દેવો કે ભગવત્સ્વરૂપોને અત્યંત આદરભાવે અવલોકવામાં આવતા હોય તે દેવો કે ભગવત્સ્વરૂપોને હલકા પાડવાનો પ્રયાસ થાય છે. એ પ્રયાસ પ્રશંસનીય તો નથી જ પરંતુ વખોડવા લાયક છે. તેથી ધર્મની સેવા નથી થતી કિન્તુ કુસેવા થાય છે.

એવા વર્ગની વિચારધારા અને એમાંથી થયેલી શંકા સાવ વજુદ વગરની તો નથી જ.

એની સામે એક બીજો વર્ગ અને વિરલ વર્ગ પોતાની વિરોધી વિચારધારાને રજુ કરતાં કહે છે કે મોહિનીના મોહ કે સંમોહના એ પ્રસંગમાં ભગવાન શંકરને ઉતારી પાડવાનો કે કનિષ્ઠ કહી બતાવવાનો આશય નથી સમાયેલો. એ આખોય પ્રસંગ ભાગવતનો છે, મૂળ છે ને સાચો છે. એ પ્રસંગ ભગવાનની મહાદુર્ઘર્ષ માયાની પ્રબળતાનો પરિચય કરાવવા માટે જ આલેખવામાં આવ્યો છે. ભગવાનની માયા અને સ્ત્રીરૂપી માયા કેટલી બધી પ્રબળ છે તેનો તેથી ખ્યાલ આવે છે. મોટા મોટા મુનિવરો, યોગીઓ, જ્ઞાનીઓ અને દેવો પણ એ માયાની આગળ ભાન ભૂલી જાય છે. એમાં ભગવાન શંકર પણ અપવાદરૂપ નથી. કથા કેવળ એટલું બતાવે છે અને સાધકને નમ્રાતિનમ્ર, નિરાભિમાની ને સાવધ બનવાનું સુચવે છે.

પરંતુ શંકા કરનાર પહેલો વર્ગ કહે છે કે ભગવાનની માયાની પ્રબળતાને બતાવવા માટે પણ ભગવાન શંકરને મોહિનીથી સંમોહિત થતા બતાવ્યા એને બદલે કોઇક બીજા દેવ કે યોગીને બતાવ્યા હોત તો શંકરનો મહિમા જળવાત અને શંકરનું સન્માન સાચી રીતે સુયોગ્ય રીતે જ સચવાત એવું નથી લાગતું ? ભગવાન શંકરના નામને કથામાંથી એટલા પૂરતું બાકાત ના રાખી શકાત ?

રાખી શકાત; પરંતુ માયાની મહાપ્રબળતાનું અનુમાન એમના નામને લીધે વધારે સારી રીતે કરી શકાય છે. બીજો વર્ગ એવી દલીલ કરે છે તો પણ એ દલીલ પહેલા વર્ગને ગળે નથી ઉતરતી.

હવે ભગવાન શંકરના સંમોહનો પ્રતિઘોષ પાડતી ભાગવતની એ કથાને જોઇએ.

*

ભગવાન વિષ્ણુએ મનહર મોહિનીરૂપ ધારણ કરીને અમૃતપાનની આકાંક્ષાવાળા અસુરોને મોહિત કરીને દેવોને અમૃતપાનનો આસ્વાદ કરાવ્યો એ જાણીને ભગવાન શંકર પાર્વતી તથા પોતાના ગણોની સાથે ભગવાન વિષ્ણુ પાસે જઇ પહોંચ્યા. ભગવાને એમનો સમુચિત સત્કાર કર્યો એટલે શંકરે એમની પ્રેમપૂર્વક પૂજ્યભાવે પ્રશસ્તિ કરીને કહ્યું કે જુદા જુદા ગુણધર્મોને ધારીને તમે લીલા કરવા માટે અનેકવિધ અવતારોને ગ્રહણ કરો છો ત્યારે એમના અવલોકનથી હું કૃતાર્થ થઉં છું. તમે સુંદરી સ્ત્રીનું સ્વરૂપ લઇને દાનવોને મોહિત કરીને દેવોને અમૃતપાન કરાવ્યું એ સુપ્રસિદ્ધ છે. તો તમારા એ સુંદર સ્ત્રીસ્વરૂપને નિહાળવાની મારી ઉત્કટ ઇચ્છા છે.

ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે એ રૂપ તો કામોત્તેજક હોઇને કામીઓને માટે જ માનનીય છે. તો પણ શંકર ભગવાન એને જોવા માટે કૃતસંકલ્પ હોવાથી એમની ઇચ્છાને સંતોષવા માટે ભગવાન ત્યાંથી થોડા જ વખતમાં અદૃશ્ય થઇ ગયા.

ભગવાન શંકરે સામે એક સુંદર સુવાસિત ઉપવન જોયું. એ સુમનસુશોભિત નયનમનોહર ઉપવનમાં એક અતિશય સૌંદર્યવતી સુકુમારી દડા સાથે ક્રીડા કરી રહેલી. એણે આકર્ષક સાડી પહેરેલી, દડા સાથે રમતી હોવાથી એ સુકુમારીનું વસ્ત્ર મર્યાદામાં નહોતું રહી શક્તું. એણે શંકર તરફ દૃષ્ટિપાત કરતાં વેંત જ એમનું મન કાબુમાં ના રહ્યું. એ પાર્વતી તથા ગણોને પણ ભૂલી ગયા. એટલામાં એ સુકુમારીનું વસ્ત્ર પવનની લલિત લહરીએ ઉડાડી દેવાથી એના અંગપ્રત્યંગો ખુલ્લાં પડી ગયાં. એના હાવભાવથી એને પોતાના પ્રત્યે આકર્ષાયલી જોઇને શંકર પણ એના પ્રત્યે આકર્ષાયા વિના ના રહી શક્યા. અને એની પાસે પહોંચવા માટે બીજું બધું જ ભૂલીને મંત્રમુગ્ધ બનીને ચાલી નીકળ્યા.

એ સુકુમારી શંકરને પોતાની તરફ આવતા જોઇને સંકોચવશ જુદાં જુદાં વૃક્ષોની પાછળ છૂપાઇને હસવા લાગી. ભગવાન શંકરનું મન જરા પણ વશમાં ના રહ્યું. એ કામથી મોહિત, વિમોહિત અને સંમોહિત બની ગયા. એ સુકુમારી એમના સુદૃઢ બાહુપાશમાંથી છૂટવાનો પ્રયાસ કરવા લાગી. ભગવાનની માયા હોવાથી આખરે એ એમના બાહુપાશમાંથી મુક્તિ મેળવીને દોડવા માંડી. શંકર પરવશની પેઠે એની પાછળ દોડવા માંડ્યા. એ એમના અમોઘ આત્મસંયમને ખોઇ બેઠા.

એ પછી થોડા જ સમયમાં એમનો સંમોહ મટી ગયો અને એમને ભાન આવ્યું. એમને ભગવાનની અત્યંત ગહન મહામહિમામયી મોટા મોટા મુનિઓના મનમાં ભ્રાંતિ પેદા કરનારી માયાનો ખ્યાલ આવ્યો. એમના ખેદનો અને પશ્ચાતાપનો પાર ના રહ્યો. ભગવાનની અનંત શક્તિનો પાર કોણ પામી શકે અને એ શક્તિનો પૂરેપૂરો જય પણ કોણ કરી શકે ?

ભગવાન શંકર પોતાની સ્વરૂપનિષ્ઠામાં પુનઃ ને પોતાની મેળે જ પ્રતિષ્ઠિત થઇ શક્યા અને સ્વસ્થ થયા એ જોઇને મોહિનીસ્વરૂપને છોડીને સ્વ-સ્વરૂપને ધારણ કરી ચૂકેલા વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. એમણે એમને અભિનંદન આપીને કહ્યું કે તમારા સિવાય મારી માયામાંથી પોતાની મેળે અને આટલી સહેલાઇથી કોણ છૂટી શકે ? જિતેન્દ્રિય પુરુષો એમાંથી નથી છૂટી શક્તા; પરંતુ તમારા પર એ કોઇ પણ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ નહિ પાડી શકે.

ભગવાન શંકર પછી કૈલાસ ગયા. પાછળથી એકવાર પાર્વતીને વાત નીકળતા કહેલું કે એ સનાતન પરમપુરુષ જ મારા એકમાત્ર આરાધ્યદેવ છે. વેદ એમને વર્ણવી નથી શક્તા. કાળ પોતાની સીમામાં બાંધી નથી શક્તો. હું એમની ઉપાસના કરું છું. એ અનંત અને અનિર્વચનીય છે.

*

ભગવાન શંકર કૈલાસમાં ગયા એ શું સૂચવે છે ? એ જ કે પરમપ્રબળ પરમાત્માની એવી જ મહાબળવાન મહામોહમયી માયાના શિકાર ના બનાય એટલા માટે સાધકે સદાય નિર્વિકલ્પ સમાધિમાં અને એના પરિણામે પમાતી સહજ સમાધિમાં તથા પરમાત્માનિષ્ઠાના પરમપવિત્ર ઉચ્ચતમ અનુભવ પ્રદેશમાં જ રહેવું જોઇએ. જે સાધક એ અનુભવ પ્રદેશથી નીચે આવે છે અથવા આત્માની અમૂલખ નિષ્ઠામાંથી વંચિત થાય છે તે મોહિત થાય છે ને માયાના અનેકવિધ ગુણધર્મોમાં તેમ જ બંધોમાં બંધાય છે. સદા સ્વરૂપમાં રહેવું એ કૈલાસમાં રહેવું છે. આપણે જીવનની જ્યોતિર્મયતા તથા કૃતકૃત્યતાકાજે એ કલ્યાણકારક કૈલાસમાં શ્વાસ લેતાં શીખવાનું છે. પછી પરમાત્મા સિવાયનું બધું જ લાસ અથવા ખલાસ થઇ જશે.

સમુદ્રમંથન પ્રત્યેકના જીવનમાં નિત્યનિરંતર ચાલ્યા જ કરે છે. જીવનના સુદુર્લભ શક્તિશાળી સમુદ્રમંથનમાંથી શું મેળવીશું ? મેળવવાનો આગ્રહ રાખીશું ? એમાંથી સત્સંગ, સ્વાધ્યાય, સંતસમાગમ, સત્કર્મ, સદ્દવિચાર, સદ્દભાવ અને પરમાત્માની શ્રદ્ધાભક્તિ, શરણાગતિ તથા કૃપાનાં મહારત્નો મેળવવાનાં છે. એ મહામૂલ્યવાન મહારત્નો જ આપમા જીવનને જ્યોતિર્મય કરી શકશે અને આખરે જીવનના આ મહામંથનમાંથી પરમાત્મારૂપી પરમામૃત પણ મેળવી લેવાનું છે. એનો આસ્વાદ માણ્યા પછી મેળવવા તથા માણવા જેવું બીજું બાકી નહિ રહે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *