Tuesday, 3 December, 2024

મહર્ષિ વ્યાસનો અસંતોષ

328 Views
Share :
મહર્ષિ વ્યાસનો અસંતોષ

મહર્ષિ વ્યાસનો અસંતોષ

328 Views

ભારતીય ધર્મ, સંસ્કૃતિ તથા તત્વજ્ઞાનનું પ્રતિબિંબ પાડનારા તેમજ પ્રતિનિધિત્વ કરનારા મહાન લોકોત્તર ધર્મગ્રંથોમાં વાલ્મીકિ રામાયણનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. પરંતુ એ ધર્મગ્રંથની રચનાના મૂળમાં મહર્ષિ વાલ્મીકિનો ઘેરો વિષાદ હતો. તમસા નદીના નિર્મળ તપઃપૂત તટપ્રદેશ પર નિષાદના શરથી કામમોહિત ક્રૌંચપક્ષીના યુગ્મમાંથી એક પક્ષીનું મરણ થતું જોઇને અને બીજા ક્રૌંચપક્ષીને પણ એની પાછળ મૃત્યું પામતું પેખીને મહર્ષિ વાલ્મીકિનું સુકોમળ હૃદય સંવેદનશીલ બનીને હાલી ઊઠયું, વિષાદથી ભરાઇ ગયું, અને એમાંથી કવિતાની સ્વયંભૂ પંક્તિઓ નીકળી પડી. વિષાદ અને વેદનાના એ અનોખા અનુભવ પછી એમણે રામાયણની રચના કરી. એનું મૂળભૂત કથાવસ્તુ પણ મોટે ભાગે એવું જ હતું. ત્યાં પણ જીવનના મધુમય મહોત્સવનો અનેરો લહાવો લેનારાં પારસ્પરિક પ્રેમથી પરિપ્લાવિત પ્રાણવાળા રામ અને સીતા હતાં. પ્રકૃતિની પ્રશાંત ગોદમાં એ ક્રૌંચ પક્ષીની પેઠે જ વિહાર કરી રહેલા. ત્યાં તો રાવણે નિષાદની જેમ વેરભાવથી વચ્ચે આવીને એમના વિયોગનું બાણ માર્યું. એ બાણ એ ઉભયને માટે મર્મઘાતક થઇ પડ્યું. મહર્ષિ વાલ્મીકિના સંવેદનશીલ હૃદયે એના પરથી એક અવનવું મહાકાવ્ય રચ્યું. વિષાદ એવી રીતે એકલા મહર્ષિને માટે જ નહિ પરંતુ સમસ્ત સંસારને માટે ઉપકારક ઠર્યો. એ ના હોત તો માનવજાતિ એક અદ્દભુત મંગલમય મહાકાવ્યથી વંચિત રહી જાત.

બીજો એવો જ આદરપાત્ર ધર્મગ્રંથ યોગવાસિષ્ઠ. વેદાંતની વિશદ વિચારધારાને સફળતાપૂર્વક વ્યક્ત કરતા એ મહાગ્રંથના મૂળમાં પણ રામનો વિષાદ રહેલો છે. રામને જો વિષાદ ના થયો હોત અને વૈરાગ્યનાં ભાવતરંગોને પરિણામે એમનું મન દુન્યવી પ્રવૃત્તિઓથી ઉપરામ ના બન્યું હોત તો મહામુનિ વસિષ્ઠ એમને આત્મજ્ઞાનનો અમૂલખ ઉપદેશ આપવા પ્રેરાત નહિ અને યોગવસિષ્ઠની રચના અશક્ય બનત.

મહાભારતના યુદ્ધના આરંભ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ઉપદેશાયલી સર્વશાસ્ત્રમયી ભગવદ્દગીતાનું પણ એવું જ છે. એનો ઉપદેશ પણ વિષાદને લીધે જ આપવામાં આવ્યો છે. સ્વજનો, સ્નેહીઓ કે ગુરુજનોને જોઇને અર્જુનના હાથ-પગ ઢીલા થઇ ગયા અને એણે સ્વધર્મને તિલાંજલિ આપીને ક્ષેત્રસંન્યાસ લેવાનો વિચાર કર્યો અને એ વિચાર ભગવાન કૃષ્ણની પાસે પ્રકટ કર્યો ત્યારે વિષાદરત કિંકર્તવ્યવિમૂઢ અર્જુનને વિષાદમુક્ત કરવા તથા કર્તવ્યનો કલ્યાણકારક પ્રકાશ પૂરો પાડવા ગીતાનો શાશ્વત શક્તિસંચારક સદુપદેશ સંભળાવવાની આવશ્યકતા ઊભી થઇ. કાદવમાંથી કમનીય કમળની સૃષ્ટિ થાય છે તેમ વિષાદમાંથી અથવા વિષાદને નિમિત્ત બનાવીને એવી રીતે અસાધારણ ધર્મગ્રંથરત્નોની રચના કરવામાં આવી છે. એ ત્રણે મહાગ્રંથો ભારતવર્ષના સાંસ્કૃતિક આકાશમંડળમાં પરમોજ્જવલ નક્ષત્રગણોની પેઠે અતીત સમયથી શોભી રહ્યા છે.

અને ભારતવર્ષના સાંસ્કૃતિક, સાધનાત્મક, તત્વજ્ઞાન વિષયક આત્માની અભિવ્યક્તિ કરનારા ચોથા મહાગ્રંથ શ્રીમદ્ ભાગવતના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. એની રચના પણ વિષાદ અથવા અસંતોષમાંથી જ થયેલી છે. તો પછી…..ભાગવતના રચયિતા તો મહર્ષિ વ્યાસ છે. એમના જીવનમાં એ ગ્રંથરત્નની રચના પહેલાં કે રચના દરમિયાન શું કોઇ સાધારણ કે અસાધારણ અસંતોષ અથવા વિષાદ હતો ? એ અસંતોષ અથવા વિષાદથી પ્રેરાઇને જ એમણે ભાગવતનું નિર્માણ કરેલું ?

એવો પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે. આપણે એનો પ્રત્યુત્તર હકારમાં આપીને એના સંપૂર્ણ સ્પષ્ટીકરણને માટે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના ચોથા તથા પાંચમા અધ્યાયમાં પ્રવેશ કરીશું.

ચોથા અધ્યાયના આરંભમાં જ આપણને બે વિરોધાભાસી પાત્રોનો પરિચય થાય છે. એક આત્મારામ, આપ્તકામ અને આત્મતૃપ્ત છે. પરમાત્માના સતત સંકીર્તનમાં સંલગ્ન રહે છે. એ પરમાત્મપ્રેમી તથા પરમાત્માદર્શી છે અને એમની ઉપર પરમાત્માની પરિપૂર્ણ કૃપા છે. માનવજાતિના પરમ મંગલને માટે એ પૃથ્વી પર પરમાત્માના ગુણગાન કરતા અહંકાર અને આસક્તિથી રહિત બનીને વિચરણ કરે છે. એ છે પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય દેવર્ષિ નારદજી. એક પૂર્ણતાપ્રાપ્ત જીવનમુક્ત પુરુષવિશેષનું વ્યક્તિત્વ કેવું હોય તેની સમજ એમના જીવન પરથી સાંપડી શકે છે.

બીજું પાત્ર મહર્ષિ વ્યાસનું છે. એ વસે છે તો એકાંતમાં અને એમના સમયના મહાન તત્વચિંતક તથા તપસ્વી છે, તો પણ શાશ્વતી શાંતિથી અને જીવનની કૃતકૃત્યતાની અલૌકિક અનુભૂતિથી  વંચિત છે. એક ધન્ય દિવસે એ બંનેનો મેળાપ થયો. એ મેળાપ મંગલકારક નીવડ્યો.

એક દિવસ સૂર્યોદય સમયે મહર્ષિ વ્યાસ પોતાના આશ્રમમાં સરસ્વતી નદીના શાંત એકાંત તટપ્રદેશ પર વિરાજેલા. એમણે લોકસંગ્રહની સર્વોત્તમ ભાવનાથી વેદોના વિભાગો કરેલા, બ્રહ્મસૂત્રની રચના કરેલી અને મહાગ્રંથ મહાભારતનું નિર્માણ કરેલું. પરંતુ એ બધું કરવા છતાં પણ એમના મનનો અસંતોષ ના મટ્યો અને એમનું જીવન ધન્યતા તથા પૂર્ણતાનું ગીત ના ગાઇ શક્યું. એના કારણની એમને સમજ ના પડી. એ વિશે વિચારો કરતા અને ઊદ્વિગ્ન બનતા એ એમના આશ્રમમાં બેઠેલા ત્યારે દેવર્ષિ નારદ એમની પાસે આવી પહોંચ્યા.

એમને જોઇને મહર્ષિ વ્યાસે ઊભા થઇને પરમ પ્રેમ અને આદરપૂર્વક એમનું સમુચિત સ્વાગત કર્યું.

એમણે અર્પેલા આસન પર વિરાજીને દેવર્ષિ નારદે એ મહામહિમામયી ભૂમિનું આનંદપૂર્વક અવલોકન કર્યું. એ ભૂમિ કેટલી બધી સુખદ, સુંદર અને શાંત હતી ! આજુબાજુના અત્યંત આકર્ષક હિમાચ્છાદિત પર્વતોની વચ્ચેથી એક બાજુથી અલકનંદા નદી વહી જતી હતી તો બીજી બાજુથી સરસ્વતીનો પ્રશાંત પ્રવાહ પસાર થતો હતો. આગળ જતાં એ બંનેનો સુભગ સંગમ થતો. એ દૃશ્ય પણ કેટલું બધું અદ્દભુત હતું ! નારદજી એને જોઇ રહ્યા ને પ્રસન્ન છતાં મંદ સુધામય સ્વરે બોલ્યા :

‘વ્યાસ ! તમે પરમવિદ્વાન તથા તપસ્વી છો. તમે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે, ધર્માચરણ કર્યું છે, અને આત્મા, અનાત્માની વિચારણામાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરી છે. છતાં પણ તમને જીવનની કૃતાર્થતાની અનુભૂતિ થતી હોય એવું નથી લાગતું. તમારા મુખમંડળ પર વિષાદ છે. તેનું કારણ શું ? જે આત્મજ્ઞાની હોય તે તો સર્વપ્રકારના શોક, મોહ, ભય, બંધન, અહંકાર અથવા વિષાદથી પર હોય છે.’

નારદજીની વાત સાંભળીને વ્યાસ વિચારમાં પડ્યા. એમનો અંતરાત્મા ખરેખર અશાંત હતો. એ જીવનની પરમ ધન્યતાની અનુભૂતિ નહોતા કરી શક્તા. એમણે દેવર્ષિને જણાવ્યું કે તમારી વાત સાચી છે. મેં તપશ્ચર્યાનો આધાર લીધો છે, એકાંત સેવ્યું છે, અને વેદોનો પણ સમ્યક પ્રકારે વિચાર કર્યો છે, છતાં પણ મારા જીવનમાં શાશ્વતી શાંતિનું સુંદર સ્વર્ણ પ્રભાત નથી પ્રકટ્યું. તેનું મૂળભુત કારણ તમારા સિવાય બીજું કોણ જાણી શકે ? તમે સૂર્યની પેઠે ત્રિભુવનમાં વિચરો છો, સૌના દ્રષ્ટા અને સર્વાન્તર્યામી છો તથા મનુષ્યોના પતન અને ઉત્થાનનું, હર્ષ અને શોકનું નિદાન કરવામાં કુશળ છો. માટે તમે જ મારા આંતરિક અસંતોષ અને વિષાદનું કારણ કહી બતાવો જેથી એમનાથી મુક્તિ મેળવી શકું.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *