Sunday, 22 December, 2024

પરીક્ષિતના પ્રશ્નો

344 Views
Share :
પરીક્ષિતના પ્રશ્નો

પરીક્ષિતના પ્રશ્નો

344 Views

પ્રથમ સ્કંધની પરિસમાપ્તિ સમયે પરીક્ષિતે શુકદેવજીને પૂછેલા પ્રશ્નો આમ ઉપર ઉપરથી જોતાં તો પરીક્ષિતના પોતાના જ પ્રશ્નો લાગે છે પરંતુ એ પ્રશ્નો એકલા પરીક્ષિતના નથી પણ માનવ માત્રના છે. આજે આટલાં બધાં વરસો વીત્યા પછી પણ સમજુ માણસો પોતાની જાતને એ પ્રશ્નો પૂછે છે. માનવનું આત્યંતિક કલ્યાણ શેમાં છે અને શું કરવાથી એને સનાતન સુખશાંતિની કે જીવનની ધન્યતાની પ્રાપ્તિ થાય એ સમસ્યા સુશિક્ષિત માનવના મનને આજે પણ નથી સતાવતી એવું નહિ. ભાવ અથવા અભાવ, ઉભયની વચ્ચે વસનારા માનવોમાંના કેટલાય એ પ્રશ્નો આજે પણ પૂછી રહ્યા છે કે જીવન દરમિયાન એવી કયી સાધનાનો આધાર લેવો જોઇએ જેથી જીવનને જ્યોતિર્મય, સુખશાંતિથી સંપન્ન, મુક્ત કે પૂર્ણ કરી શકાય ? આજે આજુબાજુ બધે જ વૈજ્ઞાનિક વાતાવરણનું વિસ્તરણ થઇ રહ્યું છે ત્યારે પણ માનવની એ જિજ્ઞાસા સંપૂર્ણપણે નથી શમી. ભૌતિક સંપત્તિ, સમૃદ્ધિ તથા સુખસાહ્યબી અને એને માટેની સતત સાધનાની વચ્ચે પણ માનવની એ જિજ્ઞાસા કાયમ છે. એ એક સારું, આવકારદાયક લક્ષણ છે એમ કહીએ તો ખોટું નથી કારણ કે એ દર્શાવે છે કે સંસારના બાહ્ય પદાર્થો, વિષયો, વ્યવસાયો, રૂપરંગો, રસો અને પ્રલોભનો તથા ભયસ્થાનોની વચ્ચે પણ માનવનો અંતરાત્મા નથી મર્યો. એ જાગૃત છે અને એવા પ્રશ્નોના પ્રત્યુત્તરોને શોધે છે તથા ઝંખે છે ત્યાં સુધી એના જીવનવિકાસની આશા છે. જિજ્ઞાસાવૃત્તિ જો રચનાત્મક હોય તો ઉત્કર્ષને માટે આશીર્વાદરૂપ ઠરે છે.

પરીક્ષિતના પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપે શુકદેવજીએ જે કાંઇ કહ્યું છે તે પણ માનવમાત્રને માટે ઉપયોગી છે. પરીક્ષિતની સાથે સાથે માનવમાત્રને અવિદ્યામાંથી મુક્તિ આપીને તેનું કલ્યાણ કરવાની તેમાં શક્યતા રહેલી છે. એ કથન કોઇક કાળવિશેષ કે સંજોગવિશેષ પૂરતું સીમિત નથી પરંતુ સર્વ પ્રકારના સમય તથા સંજોગોને એકસરખી રીતે લાગુ પડે છે. એની પાછળ સમાયેલો સંદેશ સનાતન છે. એને લીધે જેમ પરીક્ષિતને પ્રકાશ મળ્યો ને પથપ્રદર્શન સાંપડ્યું તેમ બીજા કોઇને પણ મળી તેમ જ સાંપડી શકે છે. અને આજે જ શા માટે, ભવિષ્યમાં પણ એ સંદેશ શાશ્વત હોઇને એવો જ પ્રેરક થઇ પડશે. માનવના અશાંત, અતૃપ્ત, અવિદ્યાગ્રસ્ત અંતરાત્માની એવી જિજ્ઞાસા હંમેશા રહેવાની એટલે એના જવાબની પણ જરૂર પડવાની. જિજ્ઞાસા જ્યાં સુધી જાગૃત ને સનાતન છે ત્યાં સુધી જવાબ પણ જરૂરી, જાગૃત ને સનાતન રહેવાનો.

પરીક્ષિતને એ પ્રશ્નો સતાવી રહેલા પરંતુ શુકદેવજી એ પ્રશ્નોમાંથી પસાર થઇ ચૂકેલા અથવા એમના સમુચિત સ્વાનુભવસિદ્ધ પ્રત્યુત્તરો પામી શકેલા. છતાં પણ એમણે પરીક્ષિતના પ્રશ્નોને નિરર્થક ના માન્યા. એમને વ્યાધિ ના હોવાથી ઔષધની આવશ્યકતા નહોતી રહી, પરંતુ પરીક્ષિતનું મન વ્યાધિગ્રસ્ત હોવાથી એને ઔષધ વિના નહોતું ચાલે તેમ, એટલે એમણે એમની પ્રત્યે સ્વાભાવિક સહાનુભૂતિ રાખી અને એમને પથપ્રદર્શન કરવાની તૈયારી બતાવી.

શુકદેવજીએ પરીક્ષિતને એવા સુંદર સર્વોપયોગી પ્રશ્નો પૂછવા માટે અભિનંદન આપ્યાં. સંસારના વિષયોમાં આસક્ત બનેલા ને ભાન ભૂલેલા મનુષ્યોને એવા પ્રશ્નો ના ઊઠી શકે. એવા પ્રશ્નો પૂછવાનો વિચાર પણ ના આવી શકે. પરીક્ષિત એવા પ્રશ્નો પૂછવા પ્રેરાયા એ એમનું સદ્દભાગ્ય હતું. જે ભગવાને જન્મ પહેલાં માતા ઉત્તરાના ઉદરમાં એમની રક્ષા કરેલી તે જ ભગવાને અંતકાળે એમનું આત્મિક કલ્યાણ કરવાની યોજના ઘડેલી. માટે જ એમને શુકદેવ સરખા સ્વાનુભવસંપન્ન સર્વોત્તમ મહાપુરુષનો મેળાપ થયો અને એમના અનુગ્રહનો લાભ મળ્યો.

જે અભય અને સર્વોત્તમ પદને પ્રાપ્ત કરવા માગે છે એણે શું કરવું જોઇએ ? સંસારની આસક્તિથી, પ્રકૃત્તિની મમતાથી અથવા પ્રેમમાર્ગની ઉપાસનાથી જીવનનું અભય અથવા સર્વોત્તમ પદ નથી મળી શકતું. કઠ ઉપનિષદમાં પ્રેય અને શ્રેય બંને માર્ગોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રેય એટલે ભૌતિક સમુન્નતિ કે સુખાકારીનું મહત્વ પણ ઓછું નથી. એના પ્રત્યે કાયમી આંખમીંચામણા નથી કરવા જેવાં. ભૌતિક રીતે પછાત તથા પામર કે પરાધીન જીવન પણ પરિપૂર્ણ, ધન્ય ને સફળ જીવન નથી કહી શકાતું. એ ઉપરાંત એક બીજી હકીકત પણ યાદ રાખવાની છે કે ભૌતિક સમુન્નતિ તથા સુખાકારીના ક્ષેત્રમાં સંતોષકારક રીતે આગળ વધવાથી અને શ્રેયની એટલે કે આત્મકલ્યાણની સાધનાનો અનાદર કરવાથી પણ સંપૂર્ણ શાંતિ નથી મળી શકતી ને જીવનની ધન્યતા પણ નથી અનુભવાતી. એની અંદર એક અથવા બીજી ત્રુટિ રહી જાય છે. એટલે ભૌતિક અને આત્મિક બંને પ્રકારની પ્રગતિની આવશ્યકતાનો સ્વીકાર કરવામાં આવે તે ઉત્તમ છે.

પરીક્ષિત ભૌતિક સમુન્નતિના તથા સુખાકારીના સર્વોચ્ચ પદ પર પહોંચી ચૂકેલા. હવે તો એમનો અંતકાળ સમીપ હતો. અને અંતકાળ જ્યારે સમીપ હોય ત્યારે પ્રકૃતિની કે પ્રેયની ઉપાસનાથી શું વળે ? એ ઉપાસના અને એના પરિણામે પ્રાપ્ત થનારા ભૌતિક વિષયો કે પદાર્થો તો અહીં ને અહીં જ પડ્યા રહેવાના છે. એ કોઇની સાથે નથી આવવાના. અંતકાળ સમીપ હોય ત્યારે તો સંસારની અસારતાનો વિચાર કરીને અને એમાંથી મનને પાછું વાળીને પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવે તે જ બરાબર છે. બધી જાતની લાલસા, વાસના અથવા આસક્તિનો અંત આણીને મનને પરમાત્માપરાયણ બનાવવામાં જ જીવનની સાર્થકતા છે. અજ્ઞ કે વિષયગ્રસ્ત મનુષ્ય પણ જાણે છે કે આ શરીરમાં આવી રીતે યાવચ્ચંદ્રદિવાકરૌ નથી રહેવાનું. એક દિવસ પંચમહાભૂતના આ ભાડૂતી ઘરને ખાલી કરીને ઇચ્છાએ કે અનિચ્છાએ એકદમ અજ્ઞાત માર્ગે ચાલી નીકળવાનું છે. તો પણ એ માર્ગે ચાલવાની તૈયારી આગળથી કોણ કરે છે ?

એક શ્રીમંત પુરુષને નવાં નવાં મકાનો બાંધવાનો શોખ હતો. એની સ્ત્રી વિવેકી હોવાથી એને અવારનવાર કહ્યા કરતી કે તમે કાંઇ અમરપટો લઇને આવ્યા છો ? હવે તમને પંચોતેર વરસ થયાં. તમે બહારનાં સ્થૂલ મકાનોને બાધવા-બંધાવવામાં અત્યાર સુધી રસ લીધો છે પરંતુ જીવનના મૂલ્યવાન મકાનને તૈયાર કરવામાં જરા પણ રસ નથી લીધો એ કેટલું બધું દુઃખદ છે ? આ મકાનોને મૂકીને તો એક દિવસ ચાલી નીકળવાનું છે !

પેલા શ્રીમંતને એની શિખામણ જરા પણ સારી ન લાગતી.

એકવાર એણે એક નવું સુંદર સુવિશાળ મકાન તૈયાર કરાવ્યું. એ મકાન પોતાના વસવાટ માટે તૈયાર કરાવેલું. એના વાસ્તુનો દિવસ નક્કી કરવામાં આવ્યો. એ દિવસે બ્રહ્મભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

શહેરમાં સરિતાના શાંત તટપ્રદેશ પર એક ભજનાનંદી સંતપુરુષ રહેતા. એમને પણ એ અવસરે જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આમંત્રણ મેળવીને સંત વિચિત્ર રીતે હસ્યા. શિષ્યોએ એનું કારણ પૂછયું તો એમણે જણાવ્યું કે આપણાથી જમવા માટે નહિ જઇ શકાય. બીજા પણ કોઇ નહિ જઇ શકે. વાસ્તુ બંધ રહેશે.
બંધ રહેશે ?
હા.
શિષ્યોને સંતના શબ્દોની પાછળના સાચા રહસ્યની સમજ ના પડી.
વાસ્તુના આગલા દિવસે રાતે એ સંતપુરુષે પોતાના આશ્રમમાં સમૂહ પ્રાર્થના વખતે મહાત્મા કબીરનું પેલું પ્રખ્યાત પદ ગાયું :
इस तनधनकी कौन बडाइ,
देखत नैनमें मिट्टी मिलाइ.
हाड जले जैसे लकडीकी मूली,
बाल जले जैसे घासकी पूली.
अपने खातर महल बनाया,
आप हि जाकर जंगल सोया.
कहत कबीर सुनो भाइ साधो,
आप मुवे पिछे डूब गइ दुनिया.

બીજે દિવસે વહેલી સવારે જ એમના એ એકાંત આશ્રમમાં પેલા શેઠનો નોકર આવ્યો ને કહેવા માંડયો કે આજનું બ્રહ્મભોજન અને વાસ્તુ બંધ રહ્યું છે.
સંતપુરુષે અને એમના શિષ્યોએ એનું કારણ પૂછયું તો એણે સંક્ષેપમાં  કહ્યું કે શેઠનું રાતે બાર વાગ્યા પછી મરણ થયું છે.
સંતપુરુષે ત્યારે પણ સહેજ સ્મિત કર્યું. એમના સ્મિતનું ને ગઇ કાલના મહાત્મા કબીરના એમણે સંભળાવેલા પ્રાર્થનાપદનું સાચું રહસ્ય શિષ્યોને ત્યારે જ સમજાયું.

જેણે પોતાના વસવાટને માટે મહેલ જેવું સુંદર મકાન બંધાવેલું એ એનું વાસ્તુ પણ ના કરી શક્યો. એને વાસ્તુના દિવસે કે સમયે જ સ્મશાનમાં સૂવું પડ્યું. જીવન એવું જ ચંચળ અનિત્ય છે. એની ઉપર આંખ મીંચીને ઉઘાડતામાં જ પડદો ક્યાં, ક્યારે ને કેવી રીતે પડશે એની ખબર પણ કોને પડે છે ? છતાં પણ મનુષ્યો સંસારના નાનામોટા વિષયોમાં આસક્ત બનીને પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન નથી કરતા ને જીવનના પ્રધાન પ્રયોજનને ભૂલી જાય છે એ કેટલું બધું કરૂણ અથવા આશ્ચર્યકારક છે.

સંસારમાં થોડાક વિરલા મનુષ્યો જ પોતાના જીવનની ચંચળતા અને અનિત્યતાનો વિચાર કરીને જાગૃત રહે છે ને આત્મકલ્યાણની કલ્યાણકારક પ્રવૃત્તિ કરે છે. એમને અંતકાળના એંધાણ પણ મળી જાય છે ને તદ્દનુસાર એ મનને બાહ્ય પ્રવૃત્તિમાંથી પાછું વાળી લે છે.

મસૂરીમાં દોઢેક વરસ પહેલાં એક પ્રસંગ બનેલો. ત્યાં એક ગાંધીજી કરીને સદ્દગૃહસ્થ હતા. તેમને કોઇ વાર હાર્ટએટેક થઇ આવતો. છેલ્લી વારના હાર્ટએટેક પછી ડોકટરના કહેવાથી એમણે ઘરમાં રહીને લાંબા વખત સુધી આરામ કર્યો ત્યારે છેવટના દિવસોમાં એક વાર જણાવ્યું કે હવે મારું શરીર વધારે વખત સુધી નથી રહેવાનું. હવે એકાદ અઠવાડિયાનો જ મહેમાન છું.

એમની સૂચના પ્રમાણે દૂરના શહેરોમાં રહેતાં એમનાં સંતાનોને બોલાવવામાં આવ્યાં. એમના મૃત્યુ પછી એમની પત્નીને કશી મુશ્કેલી ના પડે એટલે એમણે પોતાનું બેન્કનું ખાતું એના નામે ફેરવવાની વ્યવસ્થા કરી. મ્યુનિસિપાલીટીના બાકી રહેલા બીલ એમના છોકરાને સઘળી સમજ પાડીને ભરાવી દીધાં. આપવા જેવી આવશ્યક સૂચનાઓ પણ આપી.

છેલ્લે દિવસે એમણે પોતાની સ્ત્રીને કોઇ પણ પ્રકારનો શોક ના કરવા અને ઇશ્વરની પ્રાર્થના કરવા જણાવ્યું. અંતકાળ પહેલાં એમણે કહ્યું કે ગીતામાં યોગીના દેહત્યાગનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે હું પ્રણવ મંત્રના જપ કરતાં કરતાં બેસીને દેહત્યાગ કરવાની આકાંક્ષા રાખું છું. પોતાની પત્નીને એમણે બેસવા માટે મદદ કરવાની ભલામણ કરી, એની મદદ મેળવીને એ બિમાર હોવાં છતાં બેઠા થયા અને પ્રણવના ઉચ્ચાર સાથે દેહનો ત્યાગ કરીને દિવ્ય દેશની યાત્રાએ ચાલી નીકળ્યા.

એમની પરલોકયાત્રાનો એ પ્રસંગ ખરેખર અસાધારણ હતો. એવા પ્રસંગો જગતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરલોકપ્રવાસના એ પ્રસંગને એક ધન્ય પ્રસંગ કહી શકાય.

કોઇક વિરલ પુરુષવિશેષનો અંતકાળ જ એવી રીતે સાર્થક બને છે કે સુધરી શકે છે. અંતકાળ સમીપ આવ્યો છે કે નથી આવ્યો એની ખબર પણ કેટલાકને પડે છે ? એની માહિતી મળે કે ના મળે તો પણ એને સુધારવાની કોશિશ તો કરવી જ જોઇએ.

અંતકાળ સમીપ છે એવું જાણીને એને સુધારવા માટે માનવે શું કરવું જોઇએ ? તીર્થાટન ? ના. તો પછી તપ કે વ્રત ? ના. તો પછી શું યોગાભ્યાસનો આરંભ કરવો જોઇએ ? ના. શાસ્ત્રોનું અધ્યયન શરૂ કરવું જોઇએ ? સંસારની ક્ષણભંગુરતાનો સમ્યક વિચાર કરીને મનને પરમાત્મામાં પરોવી દેવું જોઇએ. સર્વ પ્રકારની લૌકિક લાલસાઓ, વાસનાઓ, કામનાઓ કે રસવૃત્તિઓનો પરિત્યાગ કરીને મનને વધારે ને વધારે નિર્મમ અને અનાસક્ત કરીને ઇશ્વરનું સ્મરણ, મનન અથવા આરાધન કરવું જોઇએ. મૃત્યુ સમયે ઇશ્વરની સ્મૃતિ ચાલુ રહે અને મન અન્ય નશ્વર પદાર્થમાં આસક્ત ના બને તેનું ધ્યાન રાખવું જોઇએ. જે અભયપદને પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખતા હોય તેમણે ભગવાનની લીલાઓનું શ્રવણ, મનન અને સંકીર્તન કરવું જોઇએ. એ જ માત્ર કલ્યાણકારક છે. શુકદેવજી પરીક્ષિતને એ જ ઉપદેશ આપે છે ને કહે છે :

तस्माद् भारत सर्वात्मा भगवान् हरिरीश्वरः ।
श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यश्चेच्छताभयम् ॥ (દ્વિતીય સ્કંધ, અધ્યાય ૧, શ્લોક પ)

જ્ઞાનનો, ભક્તિનો, તપનો, વ્રતનો તથા ધર્માનુષ્ઠાનનનો મુખ્ય લાભ એ જ છે કે જીવન ઇશ્વરપરાયણ બને. એટલા માટે જ એ સૌનો આધાર લેવામાં આવે છે. એ બધાનો આશ્રય લેવામાં આવ્યા પછી પણ માનવ સંસારના વિવિધ વિષયોમાં જ રત રહે અને ઇશ્વરનો વિશ્વાસ તથા પ્રેમ જગાવીને ઇશ્વરનો બને, એનું મન ઇશ્વરમાં સ્થિરતા ના ધારણ કરે તો એ જ્ઞાન, ભક્તિ, તપ, વ્રત તેમજ ધર્માનુષ્ઠાનનો શો લાભ ? એનાથી શો ઉપયોગી હેતુ સરી શકે ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *