Tuesday, 28 January, 2025

પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ

494 Views
Share :
પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ

પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ

494 Views

{slide=Arjuna acquire Pashupatastra}

Jayadrath became instrumental in the death of Abhimanyu, Arjun’s teenage son. When Arjun got this heartbreaking news, he was drown in deep grief. Arjun pledged to kill Jayadrath before sunset the following day except if he surrenders to Pandavas. Arjun took this pledge in rush of blood but later realized that Kauravas made plans to protect Jayadrath and accordingly Jayadrath was to be placed farthest from Pandavas army. Arjun realized that It would be really difficult to even reach to Jayadrath. However, Lord Krishna was there with Arjun to see that his pledge get fulfilled.

Arjun had a dream that night in which he saw him accompanied by Krishna. Krishna advised him to please Lord Shiva and acquire Pashupatastra to kill Jayadrath. Accordingly, Arjun began Lord Shiva’s worship. In a deep meditative state, Arjun found himself at Mt. Kailash with Lord Krishna. Together, they sang hymns of Lord Shiva’s praise.

મહાભારતના મહાભીષણ યુદ્ધમેદાનમાં અર્જુનપુત્ર અભિમન્યુનો અધર્મપૂર્વક કહી શકાય તેવી રીતે અંત આવ્યો અને એને માટે પરમ પરાક્રમી સિંધુરાજ જયદ્રથ નિમિત્ત બન્યો.

અભિમન્યુના અંતના એ અતિદુઃખદ શોકયુક્ત સમાચારને સાંભળીને અર્જુનના દુઃખનો પાર રહ્યો નહીં. એનું કાળજું ક્રંદન કરી ઊઠ્યું. જાણે કે કપાઇ ગયું. દિલમાં દાવાનલ પેદા થયો. એ નિશ્વાસ નાખી બેભાન થઇને ધરતી પર ઢળી પડયો.

એને ભાન આવ્યું ત્યારે એ કંપવા તથા નિઃશ્વાસ નાખવા અને ધ્રુસકે ધ્રુસકે રુદન કરવા માંડયો. એણે ઉન્મત્તની પેઠે સૌના તરફ જોઇને જણાવ્યું કે હું તમારા બધાની સમક્ષ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે આવતી કાલે હું જયદ્રથનો વધ કરીશ.

જો મરણના ભયથી ત્રાસ પામીને તે કૌરવોને છોડી જાય નહીં, પુરુષોત્તમ શ્રીકૃષ્ણને શરણે જાય નહીં, અથવા યુધિષ્ઠિરને શરણે આવે નહીં, તો આવતી કાલે હું એનો વધ કરીશ. તેણે કૌરવોનું પ્રિય કરવા ધાર્યુ છે તે મારા સ્નેહને ભૂલી ગયો છે, અને એક બાળકનો વધ કરવામાં કારણભૂત બન્યો છે. માટે એ પાપી જયદ્રથનો આવતી કાલે અવશ્ય વધ કરીશ. તેનું રક્ષણ કરવાની ઇચ્છાથી જે કોઇ કાલે મારી સામે યુદ્ધ કરશે તે દ્રોણાચાર્ય કે કૃપાચાર્ય હશે તોપણ હું તેમને બાણોને છોડીને ઢાંકી દઇશ. આવતીકાલના યુદ્ધમાં જો હું જયદ્રથનો વધ ના કરું તો શૂરવીર પુરુષોને પ્રિય એવા પુણ્યશાળીઓને મળતા દિવ્યલોકને નહીં પામું. જો હું આવતી કાલે જયદ્રથનો વધ ના કરું તો માતાપિતાનો ઘાત કરનારા, ગુરુની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા, ચાડિયા, સત્પુરુષોની અસૂયા કરનારા, નિંદા તથા વિશ્વાસઘાત કરનારા, બીજાએ ભોગવેલી સ્ત્રીનો સ્વીકાર કરનારા, પાપની પ્રશંસા કરનારા, બ્રહ્મહત્યા અને ગોહત્યા કરનારા પુરુષોને નરક આદિ જે લોકની પ્રાપ્તિ થાય છે તેને હું પામું.

જો હું આવતી કાલે સૂર્યાસ્ત સુધીમાં એ પાપીને ના મારી શકું તો અહીં જ અતિભયંકર અગ્નિમાં પ્રવેશ કરીશ. અસુરો, દેવો, મનુષ્યો, પક્ષીઓ, સર્પો, પિનરો, રાક્ષસો, બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અથવા આ જગતમાં જે કોઇ ચરાચર પ્રાણી છે તેમનામાંના કોઇપણ મારા એ શત્રુનું રક્ષણ કરવાને સમર્થ નથી. જો કદાચ તે રસાતળમાં પેસી જશે, આકાશમાં પ્રવેશશે, દેવનગરમાં દાખલ થશે, અથવા દૈત્યોના નગરમાં ભરાશે તો પણ હું અભિમન્યુના એ શત્રુનું મસ્તક આવતી કાલે સો બાણોથી છેદી નાંખીશ.

અર્જુને એવી પ્રતિજ્ઞા કરી એટલે તે સ્થળે સત્વર હજારો વાદ્યોના ઘોષો થયા અને પાંડવોનો સિંહનાદ થઇ રહ્યો.

વિજયની લાલસાવાળા પાંડવોના ભયંકર શબ્દને સાંભળીને તથા ગુપ્તચરોએ જણાવેલી અર્જુનની પ્રતિજ્ઞાની વાત જાણીને જયદ્રથનું હૃદય શોકથી મૂઢ થઇ ગયું. રાજાઓની સભામાં જઇને એ સર્વ રાજાઓની આગળ વિલાપ કરવા લાગ્યો.

દ્રોણાચાર્યે સમજાવીને ધીરજ આપી એટલે એણે ભયનો ત્યાગ કરીને યુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો.

અર્જુને સિંધુરાજ જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી ત્યારે શ્રીકૃષ્ણે એને ઉદ્દેશીને જણાવ્યું કે તેં તારા ભાઇઓની સંમતિ લીધા વિના જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરી નાખી છે. તેમ મારી સાથે વિચારવિમર્શ કર્યો નથી અને મોટામાં મોટો ભાર ઉપાડી લીધો છે. તો આપણે લોકોમાં હાંસીપાત્ર કેમ નહીં થઇએ ? મેં દુર્યોધનની છાવણીમાં આપણા દૂતોને મોકલ્યા હતા.

મને મળેલી માહિતી પ્રમાણે રાજા દુર્યોધને જયદ્રથનું રક્ષણ કરવા માટે દ્રોણાચાર્યની પ્રાર્થના કરી અને દ્રોણાચાર્યે તેને માટે યોગ્ય ઉપાય કર્યો છે.

શ્રીકૃષ્ણે પરિસ્થિતિની ગંભીરતાને સમજી જઇને અર્જુનને યુદ્ધમાં વિજયી બનાવવાનો અને એની પ્રતિજ્ઞાને સફળ કરવાનો નિર્ણય કર્યો. તેને માટેની યોજના પણ બનાવી.

અર્જુન પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરતાં નિદ્રાવશ થઇ ગયો.

એને એક સ્વપ્ન દેખાયું. તેમાં તેણે ગરુડધ્વજ શ્રીકૃષ્ણને પોતાની પાસે આવેલા જોયા. ગોવિંદને આસન આપીને અર્જુન આસન પર નહીં બેસતાં સામે ઊભો રહ્યો. તે પછી મહાતેજસ્વી શ્રીકૃષ્ણ આસન પર બિરાજ્યા, અને અર્જુનના નિશ્ચયને જાણી લઇને બોલ્યા કે, તું મનમાં ખેદ ના કર, કારણ કે કાળ દુર્જેય છે. તે કાળ જ સર્વ ભૂતોને ભાવિ કર્તવ્યમાં પ્રવર્તાવે છે.

અર્જુને જણાવ્યું કે મેં જયદ્રથનો વધ કરવા માટે પ્રતિજ્ઞા કરી છે. મારા પુત્રનો નાશ કરનાર તે દુરાત્માને હું આવતી કાલે મારી નાખીશ. કૌરવો મારી પ્રતિજ્ઞાનો ભંગ કરવા માટે સિંધુરાજ જયદ્રથને સર્વ મહારથીઓના રક્ષણ નીચે સમસ્ત સૈન્યની પાછળ રાખશે. તેમની પાસે અતિ દુર્જય અગિયાર અક્ષૌહિણી સેના છે. તેમાંની કેટલીક સેનાઓ બાકી રહી છે. એ અક્ષૌહિણી સેનાથી તથા મહારથીઓથી ઘેરાયેલા દુષ્ટાત્મા સિંધુરાજાને જોઇ પણ કેમ શકાશે ? તો પછી મારી પ્રતિજ્ઞા કેવી રીતે પાર પડશે ? મારા જેવા પુરુષની પ્રતિજ્ઞાનો ભંગ થાય તો જીવી પણ કેમ શકાય ?

અર્જુનના શોકના કારણને જાણીને ગરુડના ચિહ્નવાળી ધ્વજાવાળા શ્રીકૃષ્ણ જલસ્પર્શ કરીને પૂર્વાભિમુખ બેઠા અને બોલ્યા કે પાશુપત નામનું એક સનાતન પરમ શસ્ત્ર  છે તે અસ્ત્રથી પૂર્વે ભગવાન શંકરે યુદ્ધમાં સર્વ દૈત્યોનો સંહાર કરેલો; એ અસ્ત્રનું તને જ્ઞાન હોય તો તું કાલે જયદ્રથનો વધ કરી શકીશ. તને એ શસ્ત્રનું જ્ઞાન ના હોય તો તું મનથી મહાદેવને શરણે જા. મનમાં તેમનું ધ્યાન ધરીને શાંત થઇને બેસી રહે. એટલે તારા પર તેમની કૃપા થશે, અને તે મહાન અસ્ત્રને તું પામી શકશે.

શ્રીકૃષ્ણનાં વચનોને સાંભળીને અર્જુન પૃથ્વી પર એકાગ્ર થઇને બેઠો અને મનથી મહેશ્વરને શરણે ગયો.

એવી રીતે ધ્યાન કરતાં કરતાં બ્રાહ્મમુહર્ત થયું. એટલે અર્જુન પોતાને શ્રીકૃષ્ણ સાથે આકાશમાં જતો જોવા લાગ્યો.

જોતજોતામાં તો તે હિમાલયના પવિત્ર શિખરને કે મણિમાન પર્વતને નિહાળવા લાગ્યો. એ પર્વત અનેક જ્યોતિર્ગણોથી વ્યાપેલો અને સિદ્ધ ચારણોના આશ્રયરૂપ હતો. અર્જુન વાયુસમાન વેગવાળી ગતિથી શ્રીકૃષ્ણની સાથે અનંત આકાશમાં પહોંચી ગયો. તે વખતે શ્રીકૃષ્ણે તેના જમણા હાથને પકડયો હતો. અર્જુન અદભુત દેખાવના પદાર્થોને જોતો આગળ જતો હતો. એણે સ્વલ્પ સમયમાં ઉત્તર દિશામાં શ્વેતગિરિને નિહાળ્યો. વળી કુબેરના ઉપવનમાં કમળોથી શોભતું સરોવર જોયું અને ઉત્તમ ગંગા નદીને નિહાળી.

અનેક પ્રકારના નામરૂપવાળા પર્વત પ્રદેશો પરથી પસાર થયા પછી તેણે છેક ગિરિશિખરની ટોચ પર બેઠેલા, નિત્ય તપ કરનારા ભગવાન મહેશ્વરના દર્શન કર્યા. પોતાના તેજથી તે દેવ હજારો સૂર્યની પેઠે ઝળહળી રહ્યા હતા. તે ત્રિશૂળધારી જટાધારી ગૌર હતા. તેમણે વલ્કલ વસ્ત્રોને ધારણ કરેલાં.

ધર્માત્મા વાસુદેવે તેમનું દર્શન કરીને અર્જુનની સાથે ૐકારરૂપ સનાતન બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં પોતાના મસ્તકને પૃથ્વી પર મૂકીને પ્રણામ કર્યા.

એ બન્નેને પોતાની પાસે આવેલા જોઇને મનમાં પ્રસન્ન થયેલા શંકરે તેમને સત્કારીને વરદાન માગવા જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણે અને અર્જુને ભક્તિપૂર્વક દિવ્યસ્તોત્રથી તેમની સ્તુતિ કરવા માંડી.

પાંડવોના અથવા એમના પ્રતિનિધિ જેવા અર્જુનના જીવનમાં શ્રીકૃષ્ણનું સ્થાન કેવું અનિવાર્ય અથવા અનુપમ હતું અને શ્રીકૃષ્ણની પવિત્ર પ્રેરણા એમના જીવનમાં કેવી અદભુત રીતે કાર્ય કરી રહેલી એની કલ્પના પ્રસ્તુત પ્રસંગ પરથી સહેલાઇથી કરી શકાશે. શ્રીકૃષ્ણ પાંડવોના અને અર્જુનના પ્રધાન પથપ્રદર્શક, પ્રેરક અથવા તો પ્રાણ હતા એવું કહીએ તો એમાં અલ્પ પણ અતિશયોક્તિ નથી થતી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *