Wednesday, 15 January, 2025

પ્રહલાદની કથા

344 Views
Share :
પ્રહલાદની કથા

પ્રહલાદની કથા

344 Views

 

કહેવાય છે કે કુદરત જ્યાં વ્યાધિ પેદા કરે છે ત્યાં કૃપા કરીને એની અમોઘ ઔષધિને પણ ઉત્પન્ન કરે છે. હિરણ્યકશિપુના સંબંધમાં એ વિધાન સાચું ઠર્યું. એ પોતે સમસ્ત સમાજને માટે મહાભયંકર મર્મઘાતક વ્યાધિરૂપ હતો એવું કહીએ તો એની સાથે સાથે એવું પણ કહેવું જોઇએ કે એ વ્યાધિને દૂર કરવાની અકસીર અમૂલખ ઔષધિનું સર્જન સંસારના સર્વસૂત્રધારે એના ઘરમાં જ કર્યું – એના જ પરમધર્માત્મા પુત્ર પ્રહલાદના રૂપમાં.
પરમધર્માત્મા પુત્ર પ્રહલાદની સાથે જ એનો વિરોધ થયો અને એ વિરોધ વખતના વીતવાની સાથે દિનપ્રતિદિન એવો તો વધતો ગયો કે છેવટે એનો સર્વનાશ કરનારો સાબિત થયો. એણે અમર બનવાનું વરદાન તો માંગેલું, પરંતુ આ અવનીમાં કોઇ અમર થઇ શક્યું છે કે એ થાય ? યોગીઓએ મૃત્યુંજય બનવાના પ્રયોગો કર્યા છે ખરા. એમના સાધનાત્મક પ્રયોગોની સફળતાની આકાંક્ષા રાખવામાં પણ કશી હરકત નથી દેખાતી. એમનાં જીવન અવનીને માટે અમૂલખ આશીર્વાદરૂપ હોય છે અને અનંતકાળ કે વધારેમાં વધારે સમય સુધી ટકે તો બીજાને લાભ થાય, પરંતુ હિરણ્યકશિપુ જેવા આસુરી પ્રકૃતિના પુરુષોનાં શરીર તો વહેલી તકે સમાપ્ત થાય એને માટે લોકો ઇચ્છે ને પ્રાર્થે. એવા અવનીમાં આતંક ફેલાવનારા પુરુષો યાવચ્ચંદ્રદિવાકરૌ અમર બનીને સંસારમાં શ્વાસ લે તો સંસારની દશા કેટલી બધી કરૂણ, ક્લેશકારક કે કફોડી થાય તેની કલ્પના સહેજે કરી શકાય તેમ છે. એવા પૃથ્વીને પીડા પહોંચાડનારા પુરુષોની અમર બનવાની મહત્વકાંક્ષા અધુરી રહે એ જ બરાબર છે જેથી સંતપ્ત સંસાર થોડોક રાહતનો દમ ખેંચી શકે.

કુદરતે અથવા એના અધીશ્વરે હિરણ્યકશિપુના સર્વનાશનો શિલાન્યાસ કેવી રીતે કર્યો અને એની ઉપર ચણતરકામ કેવી રીતે પ્રારંભ્યું ને પૂરું કર્યું એનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. એ ઇતિહાસનું અવલોકન ક્રમેક્રમે કરીશું. હાલ તો ભાગવતકારે કરાવેલો પ્રહલાદનો સંક્ષિપ્ત પરિચય જોઇ જઇએ. એ પરિચય પણ એટલો જ રસિક તથા પ્રેરક છે. ભાગવતકાર એકીસાથે પિતા ને પુત્રના બે વિરોધાભાસી વ્યક્તિત્વને રજૂ કરે છે. સરોવરમાં કાદવ પણ હોય છે ને કમળ પણ પ્રકટે છે. સમુદ્રમાંથી વિષ અને અમૃત બંનેની સૃષ્ટિ થઇ છે. ચંદ્રમાં ચારુતા પણ છે ને શ્યામતા પણ સમાયલી છે. એવી રીતે એક જ ઘરમાં વિરોધી વ્યક્તિત્વવાળા પિતાપુત્રનું એ દર્શન કરાવે છે. પ્રકૃતિની એ વિશેષતા ને વિલક્ષણતા છે – પ્રહલાદ અને હિરણ્યકશિપુ. એક પવિત્ર ને બીજા મલિન. એક ઇશ્વરપ્રેમી ને બીજો ઇશ્વર વિરોધી. એક સૌનું હિત ચાહનાર ને બીજો અહિત કરનાર. એક દૈવી સંપત્તિનો સંપુટ ને બીજો આસુરી સંપત્તિનો અવતાર. એક પ્રકાશ તો બીજો અંધકાર. એક આશીર્વાદ તો બીજો અભિશાપ. પ્રકૃતિની લીલા કેવી વિચિત્ર છે ? જ્યાં ગુલાબ થાય છે ત્યાં જ કાંટા પણ થતા હોય છે. એકનો ઉદ્ધાર થયો ને બીજાનો સર્વનાશ. એકને શાંતિ મળી ને બીજાને અશાંતિ. એક પરમ પુરુષનો ઉપાસક હતો તો બીજો એની દાસી જેવી પ્રકૃતિનો પામર પરિચારક. માનવજીવનના જુદા જુદા વિકાસપથ પર પ્રયાણ કરનારા એ પ્રવાસી હતા. માનવની વિવિધ પ્રગતિના પ્રતિનિધિ કે પ્રતીક. માનવે એમનાં વિરોધાભાસી રેખાચિત્રોનું તટસ્થ અવલોકન કરીને પોતે શું બનવું છે – પ્રહલાદ કે હિરણ્યકશિપુ અને એ બંનેમાંથી કોના જીવનનું અનુસરણ કરવું છે તે નક્કી કરવાનું છે. એ રેખાચિત્રો મુખ્યત્વે એટલા માટે જ છે.

પ્રહલાદનો પરિચય કરાવતાં ભાગવતકાર કહે છે કે પ્રહલાદ હિરણ્યકશિપુના ચાર પુત્રોમાં સૌથી નાનો હતો. નાનો હોવા છતાં સદ્દગુણોની ને બીજી યોગ્યતાની દૃષ્ટિએ મોટો હતો. સંતો પ્રત્યે એને પ્રથમથી જ પ્રીતિ હતી તેમ જ સંતસમાગમની પ્રબળ રુચિ. મોટા પુરુષોને પુજ્ય ભાવથી પેખવાની વૃત્તિ એને જાણે કે વારસામાં મળેલી. એ નમ્રતાની મૂર્તિ હતો. લોક અને પરલોકના પદાર્થોને એ પરિવર્તનશીલ અને અસાર સમજતો હોવાથી કોઇ પણ પદાર્થની લાલસા એના મનમાં નહોતી પેદા થતી. તન, મન અને ઇન્દ્રિયો પર એનો અધિકાર હતો. અસુરને ત્યાં જન્મ મળ્યો હોવા છતાં એનામાં આસુરી સંપત્તિનો છાંટો પણ ન હતો. એની સૌથી મહાન વિશેષતા એ હતી કે એના પ્રાણમાં ભગવાનનાં ચારુ ચરણોનો જન્મજાત સ્વાભાવિક પ્રેમ પ્રકટ થયેલો.

वासुदेवे भगवति यस्य नैसर्गिकी रतिः । (સ્કંધ ૭, અધ્યાય ૪, શ્લોક 3૬ ઉત્તરાર્ધ)
कृष्णग्रहगृहीतात्मा न वेद जगदीश्वरम् ।  (સ્કંધ ૭, અધ્યાય ૪, શ્લોક 3૭ ઉત્તરાર્ધ)  

ભગવાન કૃષ્ણના અનુરાગરૂપી ગ્રહે એના અંતરને એવું તો વશ કરેલું કે એને સંસારનું ભાન જ ના રહેતું. બાલ્યાવસ્થામાં બહારની રમતગમતને છોડી દઇને એનું મન ભગવાનના ધ્યાનમાં ડૂબી જતું અને ચિંતનમનનમાં મશગુલ થતું. એને ભગવાનની સંનિધિનો સતત અનુભવ થયા કરતો.

ભક્તિમાર્ગના અનુભવસિદ્ધ આચાર્યોએ ભક્તોના જીવનમાં સમય સમય પર જોવા મળતા અષ્ટ મહાભાવોનું વર્ણન કર્યું છે. એ વર્ણન પ્રમાણે જેના અંતરમાં ભગવદ્દભક્તિનો ઉદ્વેક પેદા થાય છે તે ભક્ત ભગવાનનું સ્મરણ, મનન કે સંકીર્તન કરતાં કદી કદી ભાવવિભોર બનીને હસે છે, રડે છે, તો કદીક નૃત્ય કરવા માંડે છે. કોઇકવાર ગાવા માંડે છે તો કોઇકવાર શૂન્યમનસ્કની જેમ જડ બનીને બેસી રહે છે. કોઇકવાર એને રોમાંચ થાય છે, કોઇકવાર એ સ્તબ્ધાવસ્થાનો અનુભવ કરે છે, તો કોઇવાર ભગવાનની સાથે સંભાષણ કરવા લાગે છે ને બેહોશ બની કે સૂધબૂધ ભૂલી જાય છે. એવા મહાભાવોનું અને એમની જનની જેવી ભગવાનની ભક્તિનું પ્રાક્ટય ભગવદ્દભક્તિથી ભરેલા ભગવદ્દભક્તોના શુભાશીર્વાદ અને સુરદુર્લભ શાંતિપ્રદાયક સમાગમ સિવાય નથી થતું. કોઇ કોઇ અતિવિરલ પુરુષવિશેષના જીવનમાં જન્માંતર સંસ્કારોના સુ-પરિણામરૂપે જન્મની સાથે જ એનું દર્શન થાય છે. વિષયીજનોના જીવનમાં એવા ભાવો વિષયોના સ્મરણમનનથી પ્રાદુર્ભાવ પામે છે ને ભગવદ્દભક્તોના જીવનમાં ભગવાનના સ્મરણમનનથી. વિષયી જનોને માટે એ ભાવો ક્લેશકારક અથવા અશાંતિદાયક થઇ પડે છે અને ભગવદ્દભક્તોને માટે શાંતિદાયક અને કલ્યાણકારક.

પ્રહલાદના જીવનમાં એ મહાભાવોનું દર્શન શરૂઆતથી જ થયા કરતું. એનું હૃદય સાત્વિક, શુદ્ધ, નિર્વિકાર અને ભાવમય હતું. તો પણ હિરણ્યકશિપુએ એનો વિરોધ કર્યો એટલું જ નહિ પરંતુ એની ઉપર વેરવૃત્તિ રાખીને એને જુદી જુદી રીતે પીડા પહોંચાડવાના પ્રયત્નો કર્યા એનું કારણ ? કોઇ બીજો પિતા હોત તો પોતાની કુળપરંપરામાં એવો અસાધારણ ભગવદ્દભક્ત પાક્યો એને માટે ગૌરવ ગણત અને એનું દર્શન કરીને ધન્ય બનત. પોતાના શરીરધારણને સફળ અથવા સાર્થક સમજત. એને સર્વ પ્રકારની સાનુકૂળતા કરી આપત. પોતે પણ ભગવદ્દભક્તિની એ ભાગીરથીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવીને કૃતાર્થ થાત. પરંતુ એને બદલે હિરણ્યકશિપુએ એની સાથે વિરોધી વ્યવહાર કર્યો તેનું કારણ ?

ભાગવતના સાતમા સ્કંધના પાંચમા અધ્યાયમાં એના કારણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એનો મુખ્ય સાર એ છે કે પ્રહલાદને જે ભગવાન પ્રત્યે અલૌકિક અનુરાગ હતો એ ભગવાનને હિરણ્યકશિપુ જરા પણ પ્રિય નહોતો માનતો. ભગવાનને એ શત્રુ સમજતો હોવાથી પ્રહલાદને પણ પોતાનો શત્રુ સમજવા લાગ્યો. અને એટલે જ, એનો સમુચિત સત્કાર કરવાને બદલે અને એને અસાધારણ આદરભાવથી જોવાને બદલે એનો ઉપહાસ અને એની અવજ્ઞા કરવા માંડ્યો.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *