પ્રહલાદનો વિરોધ
By-Gujju29-04-2023
પ્રહલાદનો વિરોધ
By Gujju29-04-2023
દૈત્યોના પુરોહિત શુક્રાચાર્યના શંડ અને અમર્ક નામના પુત્રો હિરણ્યકશિપુના આદેશાનુસાર પ્રહલાદને અને બીજા દૈત્યબાળકોને વિદ્યાભ્યાસ કરાવવાનું કામ કરતા.
એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું કે તને કયી વાત સૌથી વધારે સારી લાગે છે ?
પ્રહલાદે કહ્યું કે અહંતા, મમતા, આસક્તિ અને રાગ-દ્વેષની ભયંકર વિષવરાળમાં અટવાઇને સંસારના મોટા ભાગના મનુષ્યો દિનરાત દુઃખી થાય છે એ જોઇને મને કાંઇનું કાંઇ થઇ જાય છે. આવા દુઃખમય અને શોકસંતપ્ત સંસારમાં મને અવિદ્યારૂપી અંધકારથી ભરેલા ઘરરૂપી કૂવામાંથી બહાર નીકળીને વનમાં જવાનું ને ભગવાનનું શરણ લેવાનું જ શ્રેયસ્કર અને સારું લાગે છે.
પ્રહલાદનો પ્રત્યુત્તર સાંભળીને હિરણ્યકશિપુ હસ્યો. એને એ પ્રત્યુત્તર જરા પણ સારો ના લાગ્યો. એને થયું કે પ્રહલાદની બુદ્ધિ બગડી હોવાથી જ એ પોતાના વેરી ભગવાન વિષ્ણુનું શરણ લેવાની વાત કરે છે. બુદ્ધિ પ્રહલાદની નહોતી બગડી, એની પોતાની જ બગડેલી; છતાં પણ એ અજ્ઞાનને લીધે એવું સમજી બેઠો. બુદ્ધિ બગડે છે ત્યારે કુવિચારો પેદા થાય છે, મનુષ્ય વ્યસનો તથા વિકારોનો દાસ બને છે, ને કુમાર્ગે વળે છે. એ અહંતા ને મમતામાં કેદ બને છે ને વિષયોમાં આસક્તિ કરીને બેસી જાય છે. વિષયી જીવન જીવે છે ને ભગવાનને ભૂલી જાય છે. એ આત્માનો નહિ, અનાત્માનો આરાધક બને છે. એથી ઉલટું, બુદ્ધિ સુધરે છે કે સુધરવા માંડે છે ત્યારે મનુષ્ય સદ્દવિચાર, સદ્દભાવ, સુસંસ્કાર અને સત્કર્મથી સંપન્ન બને છે, અહંતા-મમતા તથા વિષયાસક્તિને દૂર કરે છે, અનાત્મબુદ્ધિમાંથી મુક્તિ મેળવીને આત્માનો આરાધક બને છે, ને ભગવાનનો થઇને અહર્નિશ ભગવાનમાં જ જીવે છે, રહે છે ને રમે છે. એવા સુધરેલી બુદ્ધિવાળા માનવો-કહો કે માનવરત્નો અવનીમાં બહુ ઓછા મળે છે અને બગડેલી બુદ્ધિવાળા ઢગલાબંધ જડે છે. તો પણ એમની એ કમનસીબી છે કે એ સુધરેલી બુદ્ધિવાળા સમજે છે એ રીતે એ એમનો લાભ નથી ઊઠાવી શક્તા. એ તો ઠીક પરંતુ એથી આગળ વધીને એમના માર્ગમાં અંતરાયો નાખે છે અને એમને હેરાન કરે છે. દુનિયાની દૃષ્ટિમાં ડાહ્યા દેખાતા કેટલાય વાસ્તવિક રીતે જોતાં દિવાના દેખાશે ને દિવાના દેખાતા કેટલાક તટસ્થ રીતે વિચારતાં કે ચકાસતાં ડાહ્યા લાગશે.
પ્રહલાદ ડહાપણનો દરિયો હોવાથી એને બીજું કશું ભણવામાં સાર જ નહોતો દેખાતો. સાચું છે. માનવજીવનમાં વિકાસની એવી એક ઉચ્ચ ભૂમિકા અવશ્ય આવે છે જ્યારે ભગવાનની સંનિધિ સિવાય બીજું કશું જ નથી ગમતું. ભગવાન જ એના જીવનમાં એકમાત્ર આશ્રય, આરાધ્ય અથવા આદર્શ બની રહે છે. એને થાય છે કે હવે બહારનું બીજું કશું જ શીખવાની કે સમજવાની જરૂર નથી રહી. કેવળ ઇશ્વરને જ જાણવાની જરૂર છે. એ અલૌકિક અવસ્થાએ આસીન ક્યારે થઇ શકાશે એ વિશે ચોક્કસપણે કશું જ ના કહી શકાય. એવી અવસ્થા એકાદ જન્મમાં પણ મળે અને એને માટે જન્મજન્માંતરો પણ વીતી જાય. પરંતુ પ્રત્યેક માનવ વહેલો કે મોડો એ અવસ્થાએ પહોંચશે એ ચોક્કસ છે.
પ્રહલાદ એ અલૌકિક અવસ્થાની પાસે પહોંચ્યો હોવાથી જ એવો ઉત્તર આપી શક્યો. આત્મવિકાસની અસાધારણ અવસ્થાએ પહોંચ્યા પછી બીજો કોઇ ઉત્તર આપવાનું શક્ય જ ના બને.
પ્રહલાદના વિદ્યાગુરુઓએ એને એવો ઉત્તર આપવા માટે ધમકાવ્યો તેમ જ એની બુદ્ધિ ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એ પ્રયાસ વ્યર્થ ગયો. પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત હતો, ભક્તિના સંસ્કારોને લઇને આવેલો, ને ભગવદ્દભક્ત થવા સરજાયેલો. એણે પોતાના વિદ્યાગુરુઓને પણ જણાવ્યું કે અહંતા તથા મમતાનો પરિત્યાગ કરીને ભગવાનની ભક્તિની મદદથી ભગવાનની પાસે પહોંચીને ભગવાનનો સાક્ષાત્કાર કરવાથી જ જીવનનું સાચું શ્રેય સાધી શકાય છે. એ સિવાય બીજો કોઇ માર્ગ નથી. તમે પણ એ માર્ગે વળો, આગળ વધો ને જીવનનું કલ્યાણ કરો.
વિદ્યાગુરુઓને એની એ વાત જરા પણ ના રુચી. એમને થયું કે દૈત્યોના કુળમાં આ કુળાંગાર ક્યાંથી પાક્યો ? ચંદનના સુંદર સુવિકસિત વનમાં આ બાવળીયો કેવી રીતે પેદા થયો ? એ એને ના સમજી શક્યા. ને ક્યાંથી સમજી શકે ! એમની બુદ્ધિ વિષયી અને અલ્પ હતી. ભગવદ્દભક્ત બનવું તો કઠિન છે જ પરંતુ ભગવદ્દભક્તને ઓળખવાનું અથવા સહાનુભૂતિથી સમજવાનું કામ પણ એટલું જ કઠિન છે. એનો આધાર પણ મોટેભાગે માણસના પોતાના સંસ્કાર પર ને ભગવદ્દભક્તોની અહેતુકી કલ્યાણકારિણી કૃપા પર રહેતો હોય છે. એમની કૃપા વિના એમને પરિપૂર્ણપણે કોણ જાણી શકે ? માનવની મર્યાદિત બુદ્ધિ એમને સહાનુભૂતિથી સમજે કે સમજવાનો પ્રયત્ન કરે અને એ પ્રયત્નમાં ઓછેવત્તે અંશે સફળ બને એટલું જ.
હિરણ્યકશિપુએ પ્રહલાદે પ્રાપ્ત કરેલી વિદ્યા જાણવા માટે પ્રહલાદને કેટલાક વખત પછી એકવાર ફરી પ્રશ્ન પૂછયો ત્યારે પ્રહલાદે પોતાના ઉદાત્ત ભક્તિભાવનો ને સર્વોચ્ચ સંસ્કારોનો પરિચય કરાવતાં કહ્યું :
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् ।
अर्चमं वंदनं दास्यं सख्यमात्मानिवेदनम् ॥
(સ્કંધ ૭, અધ્યાય પ, શ્લોક ર3)
‘વિષ્ણુ ભગવાનની ભક્તિ મુખ્યત્વે નવ પ્રકારની કહેવાય છે. એ નવ પ્રકાર અનુક્રમે આ પ્રમાણે છે – ભગવાનના મહિમા તથા ભગવાનની લીલા, કથા તથા ભગવાનના નામનું શ્રવણ તથા સંકીર્તન, ભગવાનનું શ્રદ્ધાભક્તિ સહિતનું સતત સ્મરણ, એમના ચરણોનું પૂજન તેમજ સેવન, એમની અનુરાગપૂર્વકની અનેકવિધ આરાધના, વંદન, સખ્ય, દાસ્ય અને આત્મનિવેદન. ભગવાનના ચરણોમાં સર્વસમર્પણભાવ. એ નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો એના જેવું ઉત્તમ અધ્યયન બીજું કોઇ જ નથી. એ અધ્યયનની અથવા અધ્યાત્મવિદ્યાની પ્રાપ્તિ મેં કયારનીય કરી લીધી છે.’
ભક્તિના નવ પ્રકારનું એ વર્ણન ભાગવતનું વિશિષ્ટ વર્ણન છે. દેવર્ષિ નારદે પોતાના ભક્તિદર્શનમાં ભક્તિના અપરા અને પરા એવા બે પ્રકારો બતાવ્યા છે. એમને ગૌણી તથા મુખ્યા ભક્તિના નામથી પણ કહી બતાવ્યા છે. મુખ્યા ભક્તિને એમણે રાગાત્મિકા ભક્તિનું બીજું નામ પણ આપેલું છે. એ જ આત્મનિવેદન ભક્તિ છે. એનો આવિર્ભાવ થતાં ભક્ત પોતાનું જીવનસર્વસ્વ ઇશ્વરનાં ચરણોમાં ને ઇશ્વરને માટે સમર્પિત કરે છે અને ઇશ્વરના દૈવી દર્શનને માટે બેચેન બને છે. આત્મનિવેદન ભક્તિને ભક્તિનું સારતત્વ કહી શકાય. એની સંપ્રાપ્તિ થતાં ભક્તનું જીવન કૃતાર્થ થાય છે ને આરંભની બીજી બધી જ ભક્તિસાધના સફળ બને છે. ભક્તિની સઘળીયે પ્રારંભિક સાધના છેવટે તો હૃદયને નિર્મળ, નિર્વાસનિક અને રાગમય કરીને ઇશ્વરદર્શનની લગનીને પેદા કરવા તથા પ્રબળ બનાવવા માટે છે. એવી આતુરતાયુક્ત અવસ્થાની પ્રાપ્તિ થતાં ઇશ્વરદર્શન દૂર નથી રહી શક્તું. જેમને પણ ઇશ્વરદર્શનનો અદ્દભુત લાભ મળ્યો છે તેમણે જીવનમાં એવી અભૂતપૂર્વ લગનીને પેદા કરી છે.
પ્રહલાદનો પ્રત્યુત્તર સાચો અને આનંદદાયક હતો તો પણ તેના પિતા હિરણ્યકશિપુને તે આનંદ ના આપી શક્યો. એને સાંભળીને એ ખૂબ જ ક્રોધે ભરાયો. એટલું એનું દુર્ભાગ્ય હતું. એ શુક્રાચાર્યના પુત્ર પર પ્રહલાદને એવી અનર્થકારક વિદ્યા શીખવવા માટે રોષે ભરાયો અને ઠપકો આપવા લાગ્યો ત્યારે ગુરુપુત્રે જણાવ્યું કે એ વિદ્યા અમારી કોઇની આપેલી નથી પરંતુ એને જન્માંતર સંસ્કારના કે પૂર્વપ્રજ્ઞાના પરિણામરૂપે વારસામાં મળેલી છે.
પ્રહલાદે કહ્યું કે પરમાત્માની પવિત્રતમ પ્રેમભક્તિના પ્રભાવથી જીવનમાં સર્વે પ્રકારના સદ્દગુણોનો, સાત્વિકતાનો તથા સદ્દવૃત્તિનો ને સદ્દબુદ્ધિનો ઉદય થાય છે. પરમાત્મા પરમજ્ઞાનસ્વરૂપ હોવાથી એમના શરણાગતને જ્ઞાનની પ્રાપ્તિ આપોઆપ થાય છે. એથી એની ઇન્દ્રિયલોલુપતાનો, દુન્યવી વિષયોની આકર્ષણવૃત્તિનો અને અવિદ્યાનો અંત આવે છે. એનો અહંકાર પણ ઓગળી જાય છે. જેની બુદ્ધિ તેમજ ચિત્તવૃત્તિ ભગવાનના ચારુ ચરણકમળનો સ્પર્શ કરે છે એના જન્મમરણરૂપ અનર્થનું સદાને સારુ શમન થઇ જાય છે.