Wednesday, 15 January, 2025

પુરંજનોપાખ્યાન

447 Views
Share :
પુરંજનોપાખ્યાન

પુરંજનોપાખ્યાન

447 Views

પુરંજનોપાખ્યાન ભાગવતનું સુપ્રસિધ્ધ ઉપાખ્યાન છે. એનો સારસંદેશ સર્વોપયોગી ને સમજવા જેવો છે. એ ઉપાખ્યાનનું વિહંગાવલોકન કરી લઇએ.

પુરંજનોપાખ્યાન દેવર્ષિ નારદે રાજા પ્રાચીન બર્હિષને સંભળાવેલું. એ આખ્યાન રાજા પ્રાચીન બર્હિષની મોહાસક્તિને, મમતાને અને એની મૂળ માતા અવિદ્યાને દૂર કરવાના આશયથી એક રૂપક તરીકે કહેવામાં આવેલું. પુરંજન એક યશસ્વી રાજા હતો. તેના એક સન્મિત્રની વૃત્તિ તથા પ્રવૃત્તિના રહસ્યને કોઇ જાણી શક્તું નહોતું. તે પુરંજન રાજા રાજ્યને માટે સાનુકૂળ ક્ષેત્રની શોધ કરતો કરતો પૃથ્વી પર પર્યટન કરવા લાગ્યો. પર્યટન કરતાં કરતાં એણે હિમાલયના દક્ષિણ તરફના શિખરોની ઉપર એક નવ દરવાજા વાળી ત્રુટિરહિત નગરીને જોઇ. એ નગરી ખૂબ જ સુશોભિત હતી.

એના ઉપવનમાં એણે એક પરમ સૌન્દર્યવતી સ્ત્રીને જોઇ. તે સ્ત્રીની સાથે દસ સેવકો હતાં. પાંચ મસ્તકવાળો સર્પ એ સ્ત્રીની રક્ષા કરતો એની પાછળ પાછળ ચાલતો હતો. એ સ્ત્રી પોતાને યોગ્ય પતિની શોધમાં સર્વત્ર ફરી રહેલી. એ સ્ત્રીના સમાગમ અને એની સાથેના સંભાષણથી પુરંજનનું મન મોહિત થઇ ગયું. એણે એ સ્ત્રીની આગળ પોતાની પત્ની બનવાનો પ્રસ્તાવ મૂક્યો. એ પ્રસ્તાવને સ્ત્રીએ સસ્મિત સ્વીકારી લીધો.

એ પછી એ સ્ત્રી-પુરુષે સુંદર પુરમાં પ્રવેશ કર્યો. એ બંને એ અલૌકિક નગરીમાં આનંદ કરવા લાગ્યા.

વખતના વીતવાની સાથે રાજા પુરંજન પોતાની પત્નીમાં આસક્ત થઇને એને પ્રસન્ન કરવાની પ્રવૃત્તિઓ કરવા લાગ્યો..

એક દિવસ એ રાજા મોટું ધનુષ્ય ધારણ કરી, સુવર્ણનું કવચ પહેરી દસ સૈનિકો અને એમના અગિયારમાં અધિનાયક સાથે સુવર્ણના સાજવાળા રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયો. એણે મૃગયાની લાલસાથી એ વનમાં પોતાની પત્ની વિના એકલો જ પ્રવેશ કરેલો.

વનમાં વિવિધ પશુઓનો સંહાર કરીને એ પોતાના અંતઃપુરમાં આવ્યો ત્યારે પોતાની પત્નીને ના જોવાથી એને ખૂબ જ દુઃખ થયું.

એની પત્ની પર્યંક પર સુવાને બદલે પૃથ્વી પર પથારી પણ કર્યા વગર અસ્તવ્યસ્ત વસ્ત્રો સાથે પડી હતી. તેને જોઇને એ ખૂબ જ ગભરાઇ ગયો ને ઉદ્વિગ્ન બન્યો. એ એને જેમ તેમ કરીને સમજાવવા માંડ્યો. આખરે એની પત્ની પુરંજની પ્રસન્ન થઇને એને સર્વ પ્રકારે સંતોષ આપવા તૈયાર થઇ.

એની સાથે ઇચ્છાનુસાર કામોપભોગ કરતાં પુરંજનને અનેક પુત્રો તથા પુત્રીઓની પ્રાપ્તિ થઇ. એ પુરંજનીમાં એકદમ આસક્ત થઇ ગયો.

એણે જાતજાતના હિંસક યજ્ઞો કર્યા.

એટલામાં ચંડવેગ નામનો ગંધર્વોનો અધિપતિ પોતાના ત્રણસો સાઠ ગંધર્વ સેવકો તથા પોતાની સ્ત્રીઓ સાથે એ નગરીને ઘેરી લઇને લૂંટવા તથા નષ્ટ કરવા લાગ્યો, ત્યારે તે નગરીની રક્ષા કરનારા પાંચ માથાવાળા નાગે તેનો સામનો કર્યો. તે સૌની સાથે લડતાં લડતાં એ નાગ નબળો પડ્યો ત્યારે પુરંજન રાજા ખૂબ જ ચિંતાતુર બની ગયો.

એ જ વખતે એક બીજી આપત્તિ આવી પહોંચી. કાળની એક કન્યા પતિની શોધમાં બધે ફરતી હતી તો પણ એને કોઇ સ્વીકારતું નહોતું. એ અભાગિની કાળકન્યા-જરા-દુર્ભગાના નામથી પણ ઓળખાતી. યવનરાજ ભયે એને પોતાની બેન બનાવીને પોતાના પ્રજ્વાર નામના ભાઇનો પરિચય કરાવ્યો.

એ યવનરાજ ભયના સૈનિકોએ પ્રજ્વાર તથા કાળકન્યાની મદદથી એક દિવસ પેલી પુરંજનપુરીને ઘેરી લીધી. પ્રજ્વારે એ પુરીને આગ લગાડી દીધી. એ જોઇને પેલા વૃદ્ધ સાપની પીડાનો પાર ના રહ્યો. એ ત્યાંથી નાસવાની તૈયારી કરવા લાગ્યો પરંતુ શત્રુઓએ એને રોકી રાખ્યો.

રાજા પુરંજન અજ્ઞાન અથવા મોહને વશ થઇને પોતાના પરિવારનો શોક કરવા લાગ્યો. એ વખતે ભય નામના યવનરાજે એને પકડી લીધો, અને એને દીનહીનની પેઠે પોતાના સ્થાન તરફ લઇ જવા માંડ્યો. એના અનુચરોએ અને પેલા સર્પે પણ એનું અનુસરણ કર્યું તો પણ એણે અજ્ઞાનવશ પોતાના મિત્ર અવિજ્ઞાતનું સ્મરણ ના કર્યું.

સ્ત્રીની આસક્તિને લીધે અંત સમયે પણ સ્ત્રીનું સ્મરણ મનન ચાલુ રહેવાથી બીજા જન્મમાં એનો વિદર્ભરાજને ત્યાં સુંદરી કન્યારૂપે જન્મ થયો.

પુરંજનોપાખ્યાનનું રહસ્ય ચતુર્થ સ્કંધના ર૮મા તથા ર૯મા અધ્યાયોમાં કહી બતાવવામાં આવ્યું છે. એ પ્રમાણે પુરંજન જીવ છે. એ પોતાને માટે પુરનું કે નગરનું નિર્માણ કરે છે માટે પુરંજન કહેવાય છે. એ જીવનો અવિજ્ઞાત નામનો મિત્ર તે ઇશ્વર છે. એના રહસ્યનો પૂરેપૂરો ઉકેલ કોઇથી નથી કરી શકાતો એટલા માટે એ અવિજ્ઞાત કહેવાય છે. જીવ જુદા જુદા વિષયોનો ઉપભોગ કરવા ઇચ્છે છે અને અન્ય શરીરો કરતાં નવ દ્વાર, બે હાથ, બે પગવાળા માનવ શરીરને વધારે પસંદ કરે છે. પુરંજનની સ્ત્રી બુદ્ધિ અથવા અવિદ્યા છે. દસ ઇન્દ્રિયો એના મિત્રો છે અને ઇન્દ્રિયોની વૃત્તિઓ એની સખીઓ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન નામનો પંચવિધ પ્રાણવાયુ નગરની રક્ષા કરનારો પાંચ ફેણવાળો સાપ છે. દસ ઇન્દ્રિયોના અધિપતિ મનને અગિયારમો મહાબળવાન યોદ્ધા કહ્યો છે. શબ્દાદિ પાંચ વિષય પાંચાલદેશ છે. એમાં નવ દ્વારવાળું નગર વસેલું છે.

સંવત્સર ચંડવેગ નામે ગંધર્વરાજ છે. ત્રણસો સાઠ દિવસો અને ત્રણસો સાઠ રાત્રીઓ ત્રણસો સાઠ ગંધર્વો તથા ગંધર્વ પત્નીઓ છે. એ ક્રમે ક્રમે જીવનનો નાશ કરે છે. કાળકન્યા જેને વરવા માટે કોઇએ તૈયાર નથી થતું તે વૃદ્ધાવસ્થા છે. મૃત્યુ યવનરાજ છે.

પુરંજનોપાખ્યાનના ઉપસંહારમાં એ મહત્વનો શ્રેયસ્કર સારસંદેશ આપવામાં આવે છે. એ સંદેશ નૂતન નથી, પ્રાચીન અથવા પરંપરાગત છે, પરંતુ જે રીતે એની રજુઆત થઇ છે, તે રીત તદ્દન નવી ને રસમયી છે.

ચતુર્થ સ્કંધની પરિસમાપ્તિ વખતે વિદુર મહાત્મા મૈત્રેયની વિદાય લઇને શાંતચિત્ત થઇ પોતાના આપ્તજનોને મળવા હસ્તિનાપુર ગયા એવો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *