Tuesday, 7 January, 2025

વિસરાતી જતી બાળવાર્તાઓ 5

165 Views
Share :
વિસરાતી જતી બાળવાર્તાઓ 5

વિસરાતી જતી બાળવાર્તાઓ 5

165 Views

બાપા કાગડો…. હા બેટા કાગડો !

એક ગામમાં એક શેઠ રહેતા હતા તેને કરિયાણાની નાની દુકાન હતી. આ શેઠ આખો દિવસ દુકાનમાં બેસી વસ્તુ વેચીને વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. શેઠને એક નાનો દીકરો હતો તે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના પિતાજીને કહ્યા કરે : બાપા જુઓ આ કાગડો.. !

શેઠ ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય : ‘હા બેટા કાગડો..’ !આવું વારંવાર થાય એમાં શેઠ ભૂલથી ચોપડામાં લખી નાખે : ‘ બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો ‘

ઘણા વર્ષો પછી શેઠ ઘરડા થઇ ગયા અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એક વાર ઘરડા શેઠે દુઃખી થઈને દીકરાને કાંઇક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જુના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા.

દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું :
“બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો”.

દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખુબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઇ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો.

બોધ : ઘરડા મા-બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ-મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જયારે આપણે મોટા થઇ જઈએ અને મા-બાપ ઘરડા થઇ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ.

મા મને છમ્મ વડું – વિસરાતી જતી બાળવાર્તાઓ

એક ગામ હતું તેમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને સાત દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો – ખવરાવતો.

એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડાં નથી ખાધાં તો લાવ આજે વડાં ખાઈએ. પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડાં ન બની શકે. એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સુઈ જાય પછી વડાં બનાવજે.

રાત પડી અને દીકરીઓ સુઈ ગઈ. પછી એમની માએ વડાં બનાવવા માંડ્યાં. વડાં બનાવતાં ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ્મ એવો અવાજ થાય. છમ્મ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ.

એ તરત રસોડામાં ગઈ અને બોલી, “મા મને છમ્મ વડું…”.
માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.

પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ્મ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એણે પણ મા પાસે જઈ કહ્યું, “મા મને છમ્મ વડું…”. માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.

આમ કરતાં સાતેય દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઇ ગયો. માંડ માંડ વડાં ખાવા મળતાં હતાં અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો સાતેય દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો.

છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દુર દુર દોડવા માંડી. એણે એક સરસ મજાનું મકાન જોયું. એણે મકાનમાં અંદર જઈ જોયું તો ખુબ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઇ ગઈ. નાચવા કુદવા લાગી. એણે તરત જ એની છ બહેનોને બોલાવી. સાતેય બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ-પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી.

આ બાજુ એમના બાપને ખુબ પસ્તાવો થયો કે, “અરેરે. હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડાં ખાધાં એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે?”

એ તો દોડતો જંગલમાં ગયો. ત્યાં એણે જોયું કે એની સાતેય દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી. સારું સારું ખાઈ-પીને ગુલાબી અને તંદુરસ્ત થઇ ગઈ હતી. એ ખુબ જ ખુશ થઇ ગયો. દીકરીઓને ભેટી પડ્યો. પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો.

બે સમજુ બકરી

એક નાના ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો નાનો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી. એ જ વખતે પુલના બીજી તરફના છોડેથી બીજી બકરી આવતી હતી.

બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ!

થોડી વાર પછી આ પુલ પર પુલના બન્ને છેડેથી આવતાં બે કૂતરાં પુલની વચ્ચે ભેગા થઈ ગયા. બન્ને સામ સામેના કિનારે પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો, બંને એક બીજાને બચકાં ભરી મારામારી કરવા લાગ્યા. તેમનું ધ્યાન રહ્યું નહિ ને બન્ને નીચે નદીના ઊંડા પાણીમાં જઈ પડ્યાં.

પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધી તણાઈ ગયા. સારું હતું કે બેઉ કૂતરાને તરતાં સારું આવડતું હતું એટલે જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતે કિનારે આવ્યા પણ બન્ને પોતાના અણસમજુ અને ઝગડાખોર સ્વભાવને કારણે બહુ જ હેરાન પરેશાન થઈ ગયા.

બોધ : જો આપણે પણ એક બીજા સાથે સંપ-સાથ-સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજુ બકરીની જેમ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી આગળ વધી શકીએ પણ જો એક બીજા સાથે લડવા-ઝગડવામાં રચ્યા-પચ્યા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય.

હાથી અને દરજી

એક હાથી હતો જાણે કે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ. તે સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વહાલો હતો. હાથી દરરોજ તળાવે નહાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં લાડુ આપે. આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી. નહાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે.

એક દિવસ દરજીને હાથીની મશ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યો, હાથીદાદા, આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ! દરજી દુકાનમાં બેઠો હતો. ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો.

હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મશ્કરા દરજીએ લાડુ આપતાં આપતાં સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતાના સાથે જ ખૂબ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઊડાવી છે. હાથીએ ચૂપચાપ લાડુ ખાઈ લીધો. તે ડોલતો ડોલતો તળાવે નહાવા પહોંચી ગયો. તળાવે નહાઈ પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું.

પાછા ફરતી વેળાએ રોજની માફક દરજીએ કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈ લથબથ થઈ ગયો. દુકાનનાં બધાં નવાં નકોર કપડાં પાણીમાં પલળી ગયાં. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોંકી હતી તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો છે. આ તો મેં કરેલી મશ્કરીનું જ પરિણામ છે.

બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો અને હાથી એને કમળનું ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહિ.

દુર્જન કાગડો

એક નદીના કિનારે ભગવાન શંકરનું મંદિર હતું. મંદિર પાછળ પીપળાનું મોટું ઝાડ. એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા. કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે. એને હંસ દીઠે ન ગમે. ઉનાળાના દિવસો હતા. એક થાકેલો-પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો. તેણે પોતાનાં ધનુષબાણ ઝાડના થડના ટેકે મૂક્યાં ને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો. થોડીવારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો. થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો.

ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી. મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાંયો કર્યો. કાગડાએ આ જોયું. કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી. તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો. કાગડો ઊડતો ઊડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો.

કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો. જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો. તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે. ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો.

આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *