Monday, 23 December, 2024

અંબરીષ અને દુર્વાસા – 2

301 Views
Share :
અંબરીષ અને દુર્વાસા – 2

અંબરીષ અને દુર્વાસા – 2

301 Views

રાજા અંબરીષની પત્ની પણ એના જેવી જ વિરક્ત, ધર્મપરાયણ, સાત્વિક અને ભક્તિમતી હતી. એવી અનુકૂળ સ્ત્રીની પ્રાપ્તિ થવી એ પણ જીવનનું એક મહાન સદ્દભાગ્ય હોય છે. એને ઇશ્વરની કૃપા કહી શકાય. અંબરીષે એ ધર્મપરાયણ સ્ત્રીની સાથે એકવાર એક વર્ષ સુધીનું દ્વાદશીપ્રધાન એકાદશી વ્રત શરૂ કર્યું.

એકાદશી વ્રત ઘણું પવિત્ર તથા ઉપયોગી મનાય છે ને ઠેરઠેર એનો આધાર લેવાય છે તે સારું છે. એ આરોગ્યની દૃષ્ટિએ તો લાભકારક છે જ પરંતુ ભારેખમ જાતજાતનાં ફરાળો કરવાથી આરોગ્યનો હેતુ માર્યો જાય છે. ઉલટું શરીર બગડે છે. એટલે ફરાળ સહિત એકાદશીવ્રત કરનારે ખૂબ જ સાદું, સૂક્ષ્મ ફરાળ અને એ પણ એક વાર કરવું જોઇએ. કેવળ ફરાળ ખાઇને કે દૂધ જેવા પ્રવાહી પદાર્થ પર રહીને વ્રત થઇ શકે તો વધારે સારું. પરંતુ તે સંબંધમાં પોતાની શક્તિની મર્યાદાનું માપ કાઢીને ઉચિત નિર્ણય કરી લેવો જોઇએ.

એકાદશીને દિવસે રોજ કરતાં વધારે જપ કે ધ્યાન તથા સ્વાધ્યાય કરવાનો નિયમ રાખવો જોઇએ. ઇન્દ્રિયોનાં ને મનનાં એકાદશ બારણાંને બંધ કરી, શાંતિપૂર્વક બેસીને પરમાત્માનો પરિચય પામવાનો વધારે પ્રયત્ન કરવો જોઇએ. ખોટા અથવા અકારણ ઉજાગરા કરવાને બદલે જરૂર જેટલી નિદ્રા લઇને શેષ સમય આત્મસાક્ષાત્કારની અમૂલખ સાધનામાં ગાળવો જોઇએ. એ દિવસે અસત્યભાષણ ના કરવું જોઇએ, કામ-ક્રોધના આવેગોને અધીન ના બનવું તથા કોઇ પણ પ્રકારનું કુકર્મ ના કરવું જોઇએ. તો જ તેનો જરૂરી લાભ થાય ને તેની મદદથી તન, મન, અંતરની નિર્મળતા, ઉદાત્તતા અને પરમાત્મપરાયણતારૂપી વૈકુંઠ મળી શકે. શ્રદ્ધા, ભક્તિ તેમજ ભજનની અભિવૃદ્ધિ થતાં ભગવદ્દદર્શનનો લાભ પણ થઇ શકે. ઇશ્વરની કૃપાનો અનુભવ, ઇશ્વરદર્શન, નિર્વાસનિક અવસ્થા અને આત્મશાંતિ એ જ વૈકુંઠ. એની આગળ બીજા વૈકુંઠની શી વિસાત ?

*

એકાદશી વ્રતની પરિસમાપ્તિ થયે કારતક મહિનામાં રાજા અંબરીષે ત્રણ રાતના ઉપવાસ કર્યાં અને એક દિવસ યમુનામાં સ્નાન કરીને મધુવનમાં ભગવાન કૃષ્ણની આરાધના કરી. પછી બ્રાહ્મણોની પૂજા કરીને એમનો દાનાદિથી સમુચિત સત્કાર કર્યો. ભાગવત તો કહે છે કે એમને ઘેર રાજાએ સાઠ કરોડ ગાયોને શણગારીને મોકલી દીધી. એમનાં શીંગડાં સુવર્ણથી મઢેલાં અને એમની ખરીઓએ ચાંદી જડેલી. એમને સુંદર વસ્ત્રોથી સુશોભિત કરેલી. એ બધી ગાયો નાની અવસ્થાની, આકર્ષક, વાછરડાંવાળી અને પુષ્કળ દૂધ આપનારી હતી. ભાગવતના એ વર્ણન પરથી ભારતનું ગોધન કેટલું બધું વિપુલ હતું એનું અનુમાન સહેલાઇથી કરી શકાય છે. દેશ પશુપાલનની દૃષ્ટિએ કેટલો બધો સમૃદ્ધ હશે તેની કલ્પના કરવા માટે એ હકીકત પૂરતી છે.

દાનાદિ સેવાકર્મોમાંથી નિવૃત્ત થઇને રાજા અંબરીષે એકાદશી વ્રતનું પારણું કરવાની તૈયારી કરી. પરંતુ એ પારણું કરે તે પહેલાં જ શાપ અને વરદાન દેવામાં સમર્થ દુર્વાસા મુનિ એની આગળ અતિથિના રૂપમાં આવી પહોંચ્યા.

અંબરીષે એમનો સમુચિત સત્કાર કરીને એમને ભોજન માટે પ્રાર્થના કરી. દુર્વાસા મુનિએ એની પ્રાર્થનાનો સત્વર સ્વીકાર કરીને જરૂરી નિત્યકર્મોથી નિવૃત્ત થવા માટે સરિતાતટ તરફ પ્રયાણ કર્યું.

દુર્વાસાને સરિતા તટ પર બ્રહ્મધ્યાનાદિ કરતાં ધાર્યા કરતાં ઘણો વધારે વખત વીતી ગયો. તે દરમિયાન અંબરીષને થયું કે દ્વાદશી એક ઘડી જેટલી જ બાકી રહી હોવાથી પારણું નહિ કરવામાં આવે તો દોષ ગણાશે, બીજી બાજુએ દુર્વાસા મુનિને જમાડ્યા વિના જમી લેવું પણ દોષરૂપ હતું. એટલે પંડિતો સાથે પરામર્શ કરીને એણે નક્કી કર્યું કે પાણી પીવાનું કાર્ય ભોજન કરવામાં ને ના કરવામાં બંનેમાં ગણાતું હોવાથી પાણી પીને પારણું કરવાનું જ બરાબર છે. એ નિર્ણયને અનુસરીને એણે પાણી પીને પારણું કરી લીધું.

દુર્વાસા મુનિ નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઇને અંબરીષ પાસે પાછા આવ્યા ત્યારે રાજાએ પારણું કરી લીધું છે એવું જાણીને ખૂબ જ ક્રોધે ભરાયા ને જેમ ફાવે તેમ બોલીને રાજાને ઠપકો દેવા માંડ્યા. રાજાને પોતાની પ્રખર શક્તિનો પરચો બતાવવા માટે જટાના વાળને ઉખાડીને એમણે એનો અંત આણવાના આશયથી એક ભયંકર કૃત્યાને ઉત્પન્ન કરી. એ પ્રલયાગ્નિ જેવી પ્રજવલિત કૃત્યા હાથમાં તલવાર લઇને રાજા અંબરીષ પર તૂટી પડી. પરંતુ એવી અકલ્પ્ય પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અંબરીષે સહેજ પણ ગભરાયા કે ડર્યા વિના સંપૂર્ણ શાંતિ રાખી. એ જ્યાં ઊભેલો ત્યાં જ ઊભો રહ્યો.

ભગવાને અંબરીષની રક્ષા માટે પહેલેથી જ સુદર્શન ચક્રને તૈયાર રાખેલું. એ ચક્રે દુર્વાસા મુનિએ પેદા કરેલી કૃત્યાને બાળીને તરત જ ભસ્મીભૂત કરી દીધી.

કૃત્યાને ભસ્મીભૂત કરીને સુદર્શન ચક્ર દુર્વાસા તરફ ચાલ્યું એટલે દુર્વાસા એથી ભયભીત બનીને પોતાના પ્રાણની રક્ષા માટે દોડવા લાગ્યા.

ચક્ર પણ એમની પાછળ પડ્યું ત્યારે એ સુમેરુ પર્વતની ગુફામાં પ્રવેશવા માટે એ પર્વતની દિશામાં ચાલી નીકળ્યા.

એ રીતે ભિન્નભિન્ન દિશામાં જવાની સાથે સાથે એ સ્વર્ગલોકમાં જઇ પહોંચ્યા, બ્રહ્મા પાસે તથા શંકર પાસે પણ પહોંચી ગયા, પરંતુ બ્રહ્મા તથા શંકર પણ એમની સુદર્શન ચક્રથી રક્ષા ના કરી શક્યા. છેવટે એ ભગવાનના પરમધામ વૈકુંઠમાં ગયા ને ભગવાનના પગમાં પડ્યા. એમણે ગદ્દગદ્દ કંઠે પ્રાર્થના કરતાં કહ્યું કે હે અચ્યુત, અવિનાશી, સમસ્ત સૃષ્ટિના જીવનદાતા ! હું અપરાધી છું. તમારો પ્રભાવ ના જાણવાને લીધે જ મેં તમારા ભક્તનો અક્ષમ્ય અપરાધ કર્યો છે. તમે મને એ ઘોર અપરાધમાંથી ઉગારો. તમે તો પરમકૃપાળુ છો. તમારી કૃપાની ભિક્ષા માગું છું.

ભગવાને પોતાના ભક્તોનો મહિમા બતાવતાં જણાવ્યું કે ‘દુર્વાસા ! હું તો ભક્તોને અધીન છું. મારી સ્વતંત્રતા ભક્તિની દૃષ્ટિએ જરા પણ નથી. મારા સીધા સાદા એકનિષ્ઠ ભાવપ્રધાન ભક્તોએ મારા હૃદયને જીતી લીધું છે. એ મને ભજે છે અને હું એમને ભજું છું.’

अहं भक्तपराधीनो ह्यस्वतंत्र इव द्विज ।
साधुभिर्ग्रस्ताहृदयो भक्तैर्भक्तजनप्रियः ॥ (સ્કંધ ૯, અધ્યાય ૪, શ્લોક ૬3)

એટલું કહીને ભગવાને દુર્વાસાને અખંડ એકનિષ્ઠ ભક્તિવાળા અંબરીષના શરણમાં જવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે જેનું અનિષ્ટ કરવાથી તમારે આવા ઘોર કષ્ટમાં પડવાનું થયું છે તેની પાસે પહોંચીને ક્ષમાયાચના કરવાથી જ તમને કષ્ટમાંથી મુક્તિ મળશે. તમારે માટે શાંતિની અનુભૂતિનો હવે બીજો કોઇ જ માર્ગ નથી રહ્યો. જે ભક્તોનું અથવા સંતોનું અમંગલ કરે છે અથવા કરવાનો પ્રયાસ કરે છે તેને પોતાને જ અમંગલનો, અશાંતિનો કે ક્લેશનો શિકાર બનવું પડે છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *