Adhyay 1, Pada 1, Verse 05-06
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 1, Verse 05-06
By Gujju29-04-2023
५. ईक्षतेर्नाशब्दम् ।
અર્થ
ઈક્ષતે = શ્રુતિમાં ઈક્ષ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલા માટે.
અશબ્દમ્ = શબ્દપ્રમાણરહિત પ્રધાન એટલે કે જડ પ્રકૃતિ.
ન = જગતનું કારણ ના હોઈ શકે અને નથી.
ભાવાર્થ
પરબ્રહ્મ પરમાત્મા સમસ્ત જગતમાં વ્યાપક છે એટલા માટે જગતના ઉપાદાનકારણ છે એવું માનવામાં આવે તો એની સામે એક શંકા થાય છે કે સાંખ્ય મતમાં કહ્યા પ્રમાણે પ્રકૃતિ પણ સમસ્ત જગતમાં ફેલાયેલી છે તો એને જગતનું ઉપાદાનકારણ શા માટે ના માનવામાં આવે ? એવી શંકાના સમાધાન માટે આ સૂત્ર દ્વારા સૂચવવામાં આવે છે કે ઉપનિષદમાં સૃષ્ટિની રચનાવિષયક વર્ણન વખતે ઈક્ષ ધાતુનો પ્રયોગ કરાયો છે. સોથી પહેલાં એક અદ્વિતીય સત્ હતું, એવું કહીને ત્યાં જણાવ્યું છે કે तदैक्षत बहु स्यां प्रजोयेय । એટલે કે એ સત્યે સંકલ્પ કર્યો કે હું અનેક પ્રકારે પ્રકટ થઉં. એ ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદનો છે.
એવી જ રીતે ઐતરેય ઉપનિષદમાં પણ આવે છે કે આરંભમાં એકમાત્ર આત્મા હતો.
स ईक्षत लोकान्नु सृजै । ‘એણે વિચાર્યું કે હું સૃષ્ટિની રચના કરૂ.’
ઉપનિષદના એ વર્ણનના અનુસંધાનમાં વિચારીએ તો સહેલાઈથી સમજી શકાય છે કે જડ પદાર્થમાં કદી સંકલ્પવિકલ્પની ક્રિયા ના સંભવી શકે. પ્રકૃતિ જડ હોવાથી જગતને ઉત્પન્ન કરવાનો સંકલ્પ ના કરી શકે. એવો સંકલ્પ તો પરમાત્મા જ કરી શકે. એ પરમસત્યરૂપી પરમાત્મા સૌના આરંભમાં હતા એવું સ્પષ્ટતાપૂર્વક કહીને જણાવવામાં આવ્યું છે કે એમણે અનેકરૂપ બનવાનો સંકલ્પ કર્યો, स: શબ્દનો પ્રયોગ પરમાત્માનો જ નિર્દેશ કરે છે. એટલે જગતના રચયિતા અથવા નિમિત્ત કારણ એ જ છે. જગતનું નિમિત્ત કારણ પ્રકૃતિ નથી. આરંભમાં એક અનન્ય પરમાત્મા જ હતા, એમના સિવાય બીજું કશું જ નહોતું તો પછી જે કાંઈ થયું તે એમની અંદરથી જ પ્રકટ થયું. એ રીતે વિચારતાં પરમાત્મા જ જગતના ઉપાદાનકારણ ઠરે છે. સંકલ્પ કરવાનો ધર્મ જડ વસ્તુનો નથી હોતો, ચેતનનો હોય છે. સર્જન તથા વિસર્જનની પ્રવૃત્તિ ચેતન જ કરી શકે છે એવો મહર્ષિ વ્યાસનો સુનિશ્ચિત અનુભવસિદ્ધ અભિપ્રાય છે.
—
६. गौणश्चेन्नात्मशब्दात् ।
અર્થ
ચેત= જો કહેતા હો કે;
ગૌણઃ= દક્ષિણ શબ્દનો પ્રયોગ ગૌણ રીતે પ્રકૃતિને માટે કરાયો છે;
ન= તો તે બરાબર નથી.
આત્મશબ્દાત્= કારણ કે ત્યાં આત્મશબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ભાવાર્થ
‘પાણી વહેવાની તૈયારીમાં છે’, ‘ઘર પડવાનો વિચાર કરી રહ્યું છે’ એવા પ્રયોગો લોકોમાં પ્રચલિત છે. એવા પ્રયોગો જડ પદાર્થોને માટે પણ કરવામાં આવે છે તો ‘એણે સંકલ્પ કર્યો કે હું બહુવિધ બનું’ એ ઉપનિષદનો ઉલ્લેખ પ્રકૃતિને માટે કરવામાં આવ્યો છે એવું માનીએ તો કશી હરકત છે ? ઘણી મોટી હરકત છે. ત્યાં કરાયેલો આત્મશબ્દનો પ્રયોગ સ્પષ્ટ રીતે સૂચવે છે કે એ પ્રયોગ અથવા એ વર્ણન પ્રકૃતિને માટે નથી જ. એને પ્રકૃતિનું વર્ણન માનીએ તો પ્રકૃતિને પરમસત્ય અને પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ માનવી પડે. સૌથી પહેલાં આરંભમાં પરમાત્મા નહોતા પરંતુ પ્રકૃતિ હતી એવું શાસ્ત્રવિરૂદ્ધ, તર્કવિરૂદ્ધ મિથ્યા વિધાન કરવું પડે. એથી તાત્વિક વિચારણાની ભૂમિકા જ તૂટી જાય અને અવ્યવસ્થા સરજાય. સૃષ્ટિની શરૂઆતમાં પ્રકૃતિ નહોતી પરંતુ પરમાત્મા હતા. એટલે જે કાંઈ થયું એ એમની દ્વારા અને એમનામાંથી જ કરાયું એવું સમજવું જોઈએ.