Sunday, 8 September, 2024

Adhyay 1, Pada 1, Verse 09

108 Views
Share :
Adhyay 1,  							Pada 1, Verse 09

Adhyay 1, Pada 1, Verse 09

108 Views

९. स्वाप्ययात् ।

અર્થ
સ્વાપ્યયાત્ = પોતાન અંદર વિલીન થવાનું કહી બતાવ્યું છે એટલા માટે.

ભાવાર્થ
ઉપનિષદમાં સૃષ્ટિની શરૂઆતમાં સતનું અસ્તિત્વ હતું એવું જણાવીને એમાં છેવટે સૃષ્ટિ વિલીન થાય છે એવું કહેવામાં આવ્યું છે. એ વર્ણન દરમ્યાન સત્ ને જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા એના લયનું કારણ કહ્યું છે. સત્  નામથી કહેલું જગતનું એ કારણ જડ ના હોઈ શકે પરંતુ ચેતન હોય એ દેખીતું છે, ઉપનિષદમાં એવું જ એક બીજું વર્ણન આવે છે. એ વર્ણન છાંદોગ્ય ઉપનિષદમાં અને જીવાત્માને અનુલક્ષીને કરવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે ‘यत्रैतपित् पुरूषः स्वपिति नाम सता सोम्य तदा संपन्नो भवति स्वमपीतो भवति तस्मोदनं स्वपित्याचक्षते’ એટલે કે ‘હે સોમ્ય, જ્યારે આ પુરૂષ અથવા જીવાત્મા સુઈ જાય છે ત્યારે તે પોતાના મૂળભૂત કારણ અથવા સ્વરૂપ સત્ થી સંપન્ન થાય છે અથવા તો એને મેળવીને, અનુભવીને, એમાં મળી જાય છે કે વિલીન થાય છે. એટલા માટે એને સ્વપિતિ કહે છે. સ્વ એટલે પોતાની અંદર અને અપીત એટલે વિલીન થાય છે. એ વર્ણન પરથી એવી શંકા થવાનો સંભવ રહે છે કે જીવાત્મા પોતાની અંદર લીન થાય છે એટલે જીવાત્મા જીવાત્મામાં લીન થાય છે એવું જણાવવામાં આવ્યું છે. પરંતુ એવી શંકા સેવવાનું કશું કારણ નથી. કારણ કે પહેલાં જ કહેવામાં આવ્યું છે કે જીવાત્મા જગતના કારણ સત્ થી સયુક્ત બને છે. એ સત્ ને ‘સ્વ’ નામથી ઓળખાવીને એમાં જીવાત્માના વિલીનીકરણની વાત કહેવામાં આવી છે. વિલીન થનારી વસ્તુથી જેની અંદર વિલીન થવાનું હોય છે, તે વસ્તુ ભિન્ન હોય છે. એ પરમ વસ્તુ પરમાત્મા છે. એટલે સત્  શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે.  

અત્યાર સુધીનાં અને હવે પછીનાં કેટલાંક બીજાં સૂત્રો વિરોધી વિચારસરણીમાં વિશ્વાસ રાખનારા વિદ્વાનો કે વિચારકોને લક્ષમાં રાખીને લખવામાં આવ્યા હોય એવું લાગે છે. પોતાના મત, મંતવ્ય અથવા અભિપ્રાયની પુષ્ટિ માટે અને બીજાના અભિપ્રાયના ખંડન કે સંશયની નિવૃત્તિ માટે એ તૈયાર થયાં હોય એવી છાપ પડે છે. વિરોધી વિચારસરણીવાળા વિદ્વાનોની સામે બેસીને પોતાના સુનિશ્ચિત વિચાર કે સિદ્ધાંતની સ્થાપના કરવાની હોય તેમ, ચર્ચાત્મક શૈલીમાં એમની રચના થઈ છે. એ વખતે સમાજમાં એવા વિરોધી વિદ્વાનો હશે જેમને વેદાદિ શાસ્ત્રોના શબ્દ પ્રયોગોમાં, વર્ણનમાં અથવા અર્થઘટનમાં શંકા હશે. એમની અંદર એકવાક્યતાનો અભાવ હશે. એને લીધે શાસ્ત્રોનાં અનેકવિધ અર્થઘટનો થયા કરતાં હશે. એમની અંદર એકવાક્યતા આણવા અને એમની વચ્ચેના પરંપરાગત વિરોધને શમાવવા મહર્ષિ વ્યાસને આ મહાન ગ્રંથ રચવાની આવશ્યકતા જણાઈ હશે એવું લાગે છે. કોઈ સુનિશ્ચિત સર્વમાન્ય શબ્દકોશ ના હોય ત્યાં સુધી સૌ કોઈ પોતાને મનગમતી જોડણી કર્યા કરે એવો સત્તાવાર શબ્દકોશ તૈયાર થતાં તેને જ વફાદાર રહીને જોડણીના જુદા જુદા નિયમોનું પરિપાલન કરવાનું રહે તેમ વેદાદિ ધર્મગ્રંથોના જુદા જુદા અર્થો તારવવામાં આવતા હશે ત્યારે એમને અનુલક્ષીને એમની સંગતિ બેસાડવા અને હાર્દ બતાવવા મહર્ષિ વ્યાસે આ સ્વાનુભૂતિ ભરેલા સત્તાવાર સદ્ ગ્રંથની રચના કરી હશે ને એ સદ્ ગ્રંથનું સૌએ સ્વાગત કર્યું હશે. એ સર્વત્ર સમાદરણીય થઈ પડ્યો હશે. જો કે એનો આધાર લઈને પણ અલગ અલગ અર્થઘટનો તો કરવામાં આવ્યા જ હશે તો પણ એણે એની આગવી રીતે સંસ્કૃતિસેવાનું કલ્યાણ કાર્ય કર્યું જ હશે. આજે આટલાં બધાં વરસો પછી પણ એનું એ કાર્ય ચાલી રહ્યું છે. એને લોકભોગ્ય બનાવવા માટે આચાર્યો અને વિદ્વાનોએ એના પર લેખો રચ્યાં છે. અભ્યાસીઓ એનો ચિરકાળથી લાભ ઉઠાવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *