Adhyay 1, Pada 1, Verse 29-31
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 1, Verse 29-31
By Gujju29-04-2023
२९. न वक्तुरात्मोपदेशादिति चेदध्यात्म संबंधभूमा ह्यस्मिन् ।
અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
વકતુ = વક્તા અથવા ઈન્દ્રનો હેતુ.
આત્મોપદેશાત્ = પોતાને જ પ્રાણ તરીકે કહી બતાવવાનો છે એથી; ન પ્રાણ શબ્દ પરમાત્માનો વાચક નથી.
ઈતિ = તો એ વાત.
ન = ઠીક નથી.
હિ = કારણ કે
અસ્મિન્ = આ પ્રકરણમાં.
અધ્યાત્મ સંબંધભૂમા = અધ્યાત્મ સંબંધી ઉપદેશની જ અધિકતા છે.
ભાવાર્થ
ઈન્દ્રે પોતાનો પરિચય પ્રદાન કરતાં ત્યાં પોતાને પ્રાણ કહ્યો છે તો પછી પ્રાણ શબ્દને ઈન્દ્રનો વાચક માનવાને બદલે પરમાત્માનો વાચક શા માટે માનવો એવી શંકાના સમાધાન માટે જણાવે છે કે કારણ કે અહીં અધ્યાત્મની ચર્ચા ચાલતી હોવાથી આરાધ્ય દેવ તરીકે ઈન્દ્રને બતાવવાનું અનુચિત છે. પરમારાધ્ય પરમાત્માનું જ ઇન્દ્ર શબ્દ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે.
—
३०. शास्त्रद्दष्ट्या तूपदेशो वामदेववत् ।
અર્થ
ઉપદેશઃ= ઈન્દ્ર પોતાને પ્રાણ કહે છે તે,
તુ = તો.
વામદેવવત્ = વામદેવની જેમ.
શાસ્ત્રદ્દષ્ટયા = શાસ્ત્રદૃષ્ટિથી જ છે.
ભાવાર્થ
પ્રાણ શબ્દ જો ઈન્દ્રનો વાચક ના હોય તો ઈન્દ્રે કહ્યું છે કે હું જ પ્રજ્ઞાન સ્વરૂપ પ્રાણ છું. મારી ઉપાસના કરો. એ વચનોનો અર્થ કેવી રીતે કરી શકશે, એવા વિચારના અનુસંધાનમાં આ સૂત્ર રચાયું છે.
આત્મદર્શી પુરૂષ સમસ્ત વિશ્વના સાથે એકતાનતા અનુભવે છે, સર્વત્ર પરમાત્માનું દર્શન કરે છે, ને પરમાત્મા સ્વરૂપ બને છે વામદેવ એવા જ આત્મદર્શી મહાપુરૂષ હોવાથી સમસ્ત વિશ્વની અને પરમાત્માની સાથે અભિન્ન અંતરંગ એકતાને અનુભવતા હોવાથી જાણી શક્યા કે ‘હું જ મનુ થયો ને સૂર્ય બન્યો.’
ભગવાન કૃષ્ણે પણ ગીતામાં પરબ્રહ્મ પરમાત્મા સાથેની આત્મિક એકતાનો અનુભવ કરતાં એવા એવા અનેકવિધ વચનો કહ્યા છે. દસમા અધ્યાયમાં પોતાની નાનીમોટી વિવિધ વિભૂતિઓનું વર્ણન કરી બતાવ્યું છે અને અન્યત્ર કહ્યું છે કે મારામાં મનને રાખ, મારો ભક્ત બન, મારી પૂજા કર અને મને પ્રણામ કર. તો એવી રીતે આત્માને મારી સાથે જોડી, મારે પરાયણ બનીને મને પામી લઈશ. ઈન્દ્રે પણ આત્માનુભૂતિની અલૌકિક અવસ્થામાં એવું કહ્યું કે હું પ્રાણ છું, પરમ જ્ઞાનમય છું, તો એમાં કશું ખોટું નથી. હું પ્રાણ છું એટલે સૌને જીવન પ્રદાન કરૂં છું. પરમજ્ઞાનમય છું. એટલે મારામાં અવિદ્યારૂપી અંધકારનો અંશ પણ નથી. એ પોતાને પરમાત્મામય માનીને પોતાના રૂપમાં રહેલા પરમાત્માની ઉપાસના કરવાનું જણાવે એમાં પણ ખોટું નથી. પણ શબ્દનો પ્રયોગ એવી રીતે પરમાત્માને માટે જ થયેલો છે એ સ્પષ્ટ થાય છે.
—
३१. जीवमुरव्यप्राणलिंगोन्नति चेन्नोपासात्रैविध्यादाश्रितत्वादिह तद्योगात् ।
અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
જીવમુખ્ય પ્રાણલિંગાત = (આ પ્રસંગમાં) જીવાત્મા તથા પ્રસિદ્ધ પ્રાણનાં લક્ષણ જોવા મળે છે માટે.
ન = પ્રાણ શબ્દ પરમાત્માનો વાચક નથી.
ઇતિ ન = તો કહેવું યોગ્ય નથી.
ઉપાસત્રૈવિધ્યાત્ = કેમ કે એવું માનવાથી ત્રિવિધ ઉપાસનાનો પ્રસંગ ઊભો થશે.
આશ્રિતત્વાત્ = (એ સિવાય) સર્વે લક્ષણો પરમાત્માનાં છે.
દેહ તદ્ યોગાત્ = આ પ્રસંગમાં પરમાત્માનાં લક્ષણો કહેવામાં આવ્યા છે એટલે (પ્રાણ શબ્દ પરમાત્માનો જ વાચક છે.)
ભાવાર્થ
પ્રાણ શબ્દનો પ્રયોગ પરબ્રહ્મ પરમાત્માને માટે જ થયેલો છે. એમાં તલમાત્ર પણ સંદેહ નથી, એ વિચારધારાને અથવા નિશ્ચિત અભિપ્રાયને આગળ વધારતાં આ સૂત્રમાં સમજાવવામાં આવે છે કે કૌષીતકિ ઉપનિષદના ઉપર્યુક્ત પ્રસંગમાં જીવ તથા પ્રાણના લક્ષણો બતાવવામાં આવ્યા છે એ સાચું છે. પરંતુ એટલા માટે જ પ્રાણ શબ્દ પરમાત્માને માટે નથી વપરાયો એવું માનવાનું બરાબર નથી, કારણ કે એ પ્રકારની પરિસ્થિતિમાં પરમાત્મા ઉપરાંત જીવ તથા પ્રાણને પણ ઉપાસ્ય માનવા પડે અને ત્રિવિધ ઉપાસનાનો દોષ ઊભો થાય. જીવ તથા પ્રાણના ધર્મો પરમાત્માના પરિપૂર્ણ વિશાળ ધર્મોમાં સમાઈ જતા હોવાથી પરમાત્માના વર્ણનમાં એ ધર્મો આવી શકે છે. ત્યાં લોકાધિપતિ તથા લોકપાલ કહીને પરમાત્માનું જ વર્ણન કરેલું છે. એટલે પ્રાણ શબ્દ પરમાત્માનો જ પ્રતીક છે, બીજા કશાનો નથી. એ વાત સહજ રીતે જ સિદ્ધ થાય છે.
અધ્યાય ૧ – પાદ ૧ સંપૂર્ણ