Thursday, 14 November, 2024

Adhyay 1, Pada 2, Verse 01-02

127 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 01-02

Adhyay 1, Pada 2, Verse 01-02

127 Views

१. सर्वत्र प्रसिद्धोपदेशात् ।

અર્થ
સર્વત્ર = વેદ, ઉપનિષદાદિ જ્ઞાનગ્રંથોમાં બધે જ.
પ્રસિદ્ધોપદેશાત્ = પ્રસિદ્ધ પરબ્રહ્મ પરમાત્માનો જ ઉપાસ્યદેવ તરીકે ઉપદેશ આપવામાં આવ્યો છે.

ભાવાર્થ
પરબ્રહ્મ પરમાત્મા જ આ અખિલ જગતના એકમાત્ર કારણ છે, સ્રર્વજ્ઞ, સર્વગત, સર્વેશ્વર અને સર્વશક્તિમાન છે. એમના વિના બીજા કોની ઉપાસના કરવાનું ઉચિત લેખાય ? એમની જ ઉપાસનાનો આધાર લઈને એમના સાક્ષાત્કાર માટે સાધના કરવી જોઈએ. શાસ્ત્રોમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રકૃતિની ઉપાસના, મમતા અને આસક્તિ માનવને અશાંત અને દુઃખી કરે છે અને પરમપુરૂષ પરમાત્માની પ્રીતિ, આરાધના અથવા આસક્તિ શાંત, સંતૃપ્ત, સુખી ને મુક્ત બનાવે છે. પરમાત્મદર્શી, પરમાત્મકૃપા પાત્ર સંતોનો પણ એ જ સદુપદેશ છે. આ સૂત્રથી એ મહત્વના વિષયની વિચારણાનો આરંભ કરવામાં આવ્યો છે એટલું જ નહિ, એ સુંદર સર્વોપયોગી વિષયનું પ્રતિપાદન અથવા સમર્થન કરવામાં આવ્યું છે.

છાંદોગ્ય ઉપનિષદમાં જગતને પરમાત્મામય માનીને એમની આરાધના કરવા માટે કહેલું છે. એ પછી એ આરાધ્યદેવને માટે સત્ય સંકલ્પ, સર્વકર્મા, આકાશાત્મા જેવા શબ્દપ્રયોગો કરેલા છે. વળી એમને અણુથી અણુ અને મહાનથી મહાન તરીકે વર્ણવીને હૃદયમાં વિરાજમાન આત્મા કે બ્રહ્મના નામથી પણ ઓળખાવ્યા છે. તો એ આરાધ્યદેવ કોણ છે, જીવાત્મા, પરમાત્મા કે કોઈ બીજા ? એના ઉત્તરરૂપે અહીં જણાવવામાં આવે છે કે છાંદોગ્ય ઉપનિષદના ત્રીજા અધ્યાયના ચૌદમાં ખંડના આરંભમાં કહ્યું છે કે ‘આ જડચેતનાત્મક સમસ્ત જગત બ્રહ્મ જ છે. સાધકે રાગદ્વેષરહિત શાંત તથા શુદ્ધ બનીને એવી રીતે સમજીને પરમાત્માની આરાધના કરવી જોઈએ. મનુષ્ય સંકલ્પમય છે. આ સંસારમાં એ જેવા સંકલ્પથી સંપન્ન થાય છે તેવો જ અહીંથી વિદાય થયા પછી પરલોકમાં બની જાય છે. માટે એણે પરમાત્માની જ આરાધનાનો સંકલ્પ કરવો જોઈએ.’

सर्वे खल्विंदं ब्रह्म तज्जलानिति शान्त उपासीत ।
अय खलु क्रतुमयः पुरूषो यथाक्रतुरस्मिल्लोके पुरूषो भवति तथेतः प्रेत्य भवति स क्रर्तु कुर्वीत ।

ઉપનિષદના એ વચનાનુસાર ઉપાસના એક પરમાત્માની જ કરવી જોઈએ એ સ્પષ્ટ થાય છે. એ વચનમાં અને અન્યત્ર પરબ્રહ્મ પરમાત્માને જ ઉપાસ્યદેવ અથવા પરામારાધ્ય તરીકે માનવામાં આવ્યા છે, બીજા કોઈને પણ નહિ, એમાં સંશય નથી.


 
२. विवक्षितगुणोपपत्तेश्व ।

અર્થ
ચ = અને.
વિવક્ષિત ગુણોપપત્તેઃ = ઉપિષદમાં વર્ણવાયલા સદ્ ગુણો કે ગુણધર્મો એ પરમાત્માને જ લાગુ પડે છે એટલા માટે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં ઉપાસ્યદેવનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે ‘એ ઉપાસ્યદેવ મનોમય, પ્રાણરૂપ શરીરવાળો, પ્રકાશમય, સત્યસંકલ્પ, આકાશની પેઠે વ્યાપક, જગતનો કર્તા, પુર્ણકામ, સર્વગંધ, સર્વરસ, આ સમસ્ત સંસારને સર્વ તરફથી વ્યાપી વળનાર, વાણીરહિત તથા સંભ્રમરહિત છે.’

मनोमयः प्राणशरीरो भारूपः सत्यसंकल्प आकाशात्मा सर्वकर्मा सर्वकामः सर्वगंधः सर्वरसः सर्वमिदमभ्यात्तोङवाक्यनादरः ।

એ વર્ણનમાં બતાવેલાં લક્ષણો જીવાત્માને કે પ્રકૃતિને અથવા બીજા કોઈને લાગુ નથી પડતાં પરંતુ પરમાત્માને જ લાગુ પડે છે. માટે એમાં ઉપાસ્ય દેવ તરીકે પરમાત્માનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરમાત્માને મનોમય તથા પ્રાણમય શરીરવાળા કહ્યા છે તેથી કશી શંકા કરવાનું કારણ નથી, કારણ કે સમસ્ત બ્રહ્માંડ એમનું શરીર છે અને એ છતાં એ સૌથી બહાર રહેલા છે. એ વાતની પુષ્ટિ ઉપનિષદનાં અન્ય વચનો પરથી થઈ રહે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *