Sunday, 24 November, 2024

Adhyay 1, Pada 2, Verse 08-09

121 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 08-09

Adhyay 1, Pada 2, Verse 08-09

121 Views

८. संभोगप्राप्तिरिति चेन्न वैशेश्यात् ।

અર્થ
ચેત્ = જો.
સંભોગપ્રાપ્તિ = સુખદુઃખનો ભોગ પણ કરવો પડતો હશે.
ઈતિ ન = તો એવું કહેવું બરાબર નથી.
વૈશેષ્યાત્ = જીવાત્મા કરતાં પરમાત્મામાં વિશેષતા છે માટે.

ભાવાર્થ
પરમાત્મા સૌના હૃદયપ્રદેશમાં રહે છે તો સૌનાં સુખદુઃખોનો અનુભવ પણ કરે છે ખરા? એ સુખદુઃખોના અનુભવની અનુકૂળ અથવા પ્રતિકૂળ અસર એમની ઉપર પડે છે ખરી ? એ આકાશની પેઠે સર્વવ્યાપક હોવા છતાં જડ નથી પરંતુ ચેતન છે અને ચેતનને માટે સુખદુઃખની અનુભૂતિ સ્વાભાવિક હોય છે. એવા પ્રશ્નો અથવા વિચારોના અનુસંધાનમાં આ સૂત્ર લખીને સ્પષ્ટ કરવામાં આવે છે કે પરમાત્મા ચેતન અને સૌના હૃદયપ્રદેશમાં નિવાસ કરે છે તે છતાં પણ સુખદુઃખોનો અનુભવ નથી કરતા. એ સૌની અંદર વિરાજમાન હોવા છતાં પણ સૌના ગુણદોષોથી અલિપ્ત અને સુખદુઃખોથી અતીત છે. એમની અંદર કર્તાપણાનું અભિમાન અથવા ભોક્તત્વ નથી. એમની અંદર જીવાત્માના કર્તા તથા ભોક્તા અને સુખી તેમજ દુઃખી જેવા ગુણધર્મો નથી રહેતા. એવા ગુણધર્મોની કલ્પના પણ એમની અંદર નથી કરી શકાતી. એ જીવાત્માની જેમ અજ્ઞાનયુક્ત નથી. એ રીતે વિચારતાં એમની અંદર જીવાત્મા કરતાં ઘણી વિશેષતા રહેલી છે. એમને જીવાત્માને માટેનાં પરંપરાગત પ્રસ્થાપિત ધોરણો પ્રમાણે ના મૂલવી શકાય.

९. अत्ता चराचरग्रहणात् ।

અર્થ
ચરાચરગ્રહણાત્ = ચર અને અચર સૌને ગ્રહણ કરવાને લીધે.
અત્તા = ભોજન કરનારા.

ભાવાર્થ
પરમાત્મા સુખદુઃખના ઉપભોક્તા નથી તો પણ એમને ભોજન કરનારા કહ્યા છે એનો અર્થ જરાક જુદો છે. એ જડચેતનાત્મક સમસ્ત જગતને ધારણ કરે છે અને સૌને પોતાની અંદર વિલીન કરી દે છે. એ કાળના પણ કાળ, મહાકાળ હોવાથી સૌને પોતાના વિશાળ ઉદરમાં સમાવી લે છે. સ્થૂળ શબ્દોમાં કહીએ તો એ સર્વભક્ષી બનીને સૌનું ભક્ષણ કરી જાય છે માટે અત્તા છે. પ્રત્યેક પળ એમના મુખમાં પ્રવેશી રહી છે. કેટલાંય સામ્રાજ્યો, ભૂતો અને સંસ્કૃતિ પ્રવાહોને એમણે પોતાની અંદર સમાવી લીધા. પ્રાણીઓના શરીરમાં વૈશ્વાનરરૂપે પણ એ જ રહેલા છે.

કઠ ઉપનિષદમાં એવા વિશાળ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ‘બ્રાહ્મણ અને ક્ષત્રિય અથવા સમસ્ત જગત જે પરમાત્માનું ભોજન બની જાય છે તથા સર્વસંહારક મૃત્યુ શોક થાય છે તે પરમાત્મા ક્યાં ને કેવા છે એને, અથવા એમના વાસ્તવિક સ્વરૂપને કોણ જાણી શકે તેમ છે ?’

यस्य ब्रह्म च क्षत्रं चोमे भवत ओदनः ।
मृत्यर्यस्योषसेचनं क ईत्था वेद यत्र सः ॥

એટલે ઉપનિષદના એ શ્લોકમાં જે અત્તા અથવા ભોક્તાનું વર્ણન છે તે કોઈ સામાન્ય અત્તા કે ભોક્તાનું વર્ણન નથી સમજવાનું. પરમાત્માને જ, અને એ પણ સૌના સંહારકમા રૂપમાં, અત્તા કે ભોક્તા કહેલા છે. એને લીધે એમની અંદર સ્થૂળ કર્તૃત્વ કે સુખદુઃખોના ઉપભોગનું આરોપણ નથી કરવાનું.

એમને માટે તો પેલા સ્વાનુભવ સંપન્ન ભક્તિયુક્ત કવિએ કહ્યાં છે એ જ વચનો યથાર્થ ઠરે છે કે.
‘તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા રે !’

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *