Adhyay 1, Pada 2, Verse 10-12
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 2, Verse 10-12
By Gujju29-04-2023
१०. प्रकरणाच ।
અર્થ
પ્રકરણાત = પ્રકરણથી.
ચ = પણ.
ભાવાર્થ
કઠ ઉપનિષદમાં આવેલા પ્રકરણ પરથી પણ એ જ વસ્તુની સિદ્ધિ થાય છે. ત્યાં ઉપર્યુક્ત મંત્ર કે શ્લોકની પહેલાંના શ્લોકો પરમાત્માના સંબંધમાં જ લખાયેલા છે. એ શ્લોકો એમના સ્વરૂપને, એમના સાક્ષાત્કારના મહત્વને ને એમના અનુગ્રહની અમોઘતાને કહી બતાવે છે. ઉપર્યુક્ત શ્લોકમાં એ જ પરમાત્માને વાસ્તવિક રીતે જાણવાનું કઠિન છે એવું જણાવવામાં આવ્યું છે. એટલે અત્તા શબ્દ એમને માટે જ વાપરવામાં આવ્યો છે એ નક્કી થાય છે.
—
११. गुहां प्रबिष्टावात्मानौ हि तदर्शनात् ।
અર્થ
ગુહામ્ – હૃદયરૂપી ગુફામાં
પ્રવિષ્ટૌ -પ્રવેશેલા બંને
આત્માનૌ – જીવાત્મા ને પરમાત્મા.
ર્હિ – જ છે.
તદ્દર્શનાત્ – બીજે ઠેકાણે પણ એવું જ જોવા મળે છે તેથી.
ભાવાર્થ
કઠ ઉપનિષદના એની પછીના વર્ણનમાં કર્મફળરૂપી ઋતુને પીનારા ધૂપ તથા છાયા જેવા બે ભોક્તાઓનો ઉલ્લેખ છે. તો પછી પરમાત્મા જો કર્મફળના ભોક્તા ના હોય તો એ બે ભોક્તાઓ કયા છે એ વિચારધારાના અનુસંધાનમાં સ્પષ્ટ રીતે કહે છે કે એ બંન્ને ભોક્તાઓ જીવાત્મા તથા પરમાત્મા છે.
કઠ ઉપનિષદ એમની ઓળખાણ આપતાં જણાવે છે.
ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे ।
छायातपौ ब्रह्मविदो वदंति पंचाग्नेया ये च त्रिणाचिकेताः ॥
એટલે કે શુભકર્મોના ફળરૂપે મળેલા માનવ શરીરમાં પરમાત્માના શ્રેષ્ઠ નિવાસ હૃદયમાં સત્યનું પાન કરનારા બે છે. તે છાયા તથા પ્રકાશ જેવા છે. બ્રહ્મજ્ઞાની પુરૂષો એવું જણાવે છે. ત્રણવાર નાચિકેત અગ્નિને એકત્ર કરનારા પંચાગ્નિસંપન્ન પુરૂષો પણ એવું કહી બતાવે છે. એમાં જણાવેલા ભોક્તાઓ પરમાત્મા અને જીવાત્મા છે. છાયા પ્રકાશની હોય છે તેમ જીવાત્મા પરમાત્માના અંશરૂપ હોવાથી પરમાત્મા વિના રહી નથી શકતો.
છાંદોગ્ય ઉપનિષદમાં પણ આવે છે કે પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું જીવાત્મા સાથે પ્રકાશાદિ ત્રણે દેવોમાં અથવા એમના કાર્યરૂપ શરીરમાં પ્રવેશીને નામ તથા રૂપને પ્રગટ કરૂં.
પરમાત્માને ઉપનિષદમાં ભોક્તા કહેવાનું કારણ એ છે કે સઘળાં કર્મો એમની પાસે પહોંચી જાય છે. અને જુદા જુદા દેવોનાં રૂપમાં, એમની અંદર રહીને એ કર્મોને ગ્રહણ કરે છે ને ફળ આપે છે. તો પણ એ સર્વથા અલિપ્ત રહે છે. એમનું એ ભોકતૃત્વ લૌકિક નથી સમજવાનું.
—
१२. विशेषणाच्च ।
અર્થ
વિશેષણાત્ = બંનેનાં જુદાં જુદાં વિશેષણો કે લક્ષણો બતાવવામાં આવ્યા છે. એથી.
ચ = પણ.
ભાવાર્થ
જીવાત્મા તથા પરમાત્માને માટે બીજા શ્લોકોમાં જુદાં જુદાં વિશેષણો વાપરવામાં આવ્યાં છે. જીવાત્માને રથી અને પરમાત્માને પરમપ્રાપ્તવ્ય વિષ્ણુના પરમધામ કહ્યા છે, તથા બીજે ઠેકાણે સંસારને પાર કરવાની ઈચ્છાવાળાને માટે અભયપદ તરીકે વર્ણવ્યા છે. એથી સ્પષ્ટ થાય છે કે હૃદયરુપી ગુફામાં રહેનારા જીવાત્મા ને પરમાત્મા છે. મુંડક ઉપનિષદમાં પણ ‘દ્વા સુપર્ણા સયુજા સખાયા, સમાનં વૃક્ષં પરીષષ્વ જાતે’ કહીને એ બંનેને શરીરરૂપી વૃક્ષમાં વસનારા સમાન રૂપરંગવાળા સખા તરીકે વર્ણવ્યા છે.