Thursday, 26 December, 2024

Adhyay 1, Pada 2, Verse 13

133 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 13

Adhyay 1, Pada 2, Verse 13

133 Views

१३. अन्तर  उपपत्ते: ।

અર્થ
અન્તરે = નેત્રમાં દેખાનાર કહ્યા છે તે પરમાત્મા જ છે
ઉપપત્તેઃ = પૂર્વાપર પ્રસંગનો મેળ એવું માનવાથી જ બેસી શકે છે માટે.

ભાવાર્થ
ઉપનિષદમાં પરમાત્માવિષયક જે વિવિધ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પરમાત્માને આંખમાં દેખાનારા પણ કહ્યા છે. એ વર્ણનને અનુલક્ષીને આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે આંખમાં પરબ્રહ્મ પરમાત્માનો જ પ્રકાશ પ્રકટ થાય છે, જીવાત્માનો કે બીજી કોઈ સામાન્ય વસ્તુનો નહિ. પરમાત્માને ઉપનિષદમાં આત્મા, અમૃત, અભય અને બ્રહ્મ કહેલા છે. એ વર્ણન પ્રમાણે આંખમાં દેખાય છે તે પરમાત્મા જ દેખાય છે એમ સમજીને સર્વત્ર પરમાત્માનું દર્શન કરી શકાય છે. પરમાત્મદર્શનની એ પદ્ધતિ ખૂબ જ સુંદર ને સહેલી છે. સૌની આંખમાં જો પરમાત્મદર્શન કરવાની ટેવ પડે તો મોહ તથા વિકારનું વિષચક્ર આપોઆપ દૂર થાય ને જીવન નિર્મળ તેમજ જ્યોતિર્મય બની જાય.

છાંદોગ્ય ઉપનિષદમાં પ્રસંગ આવે છે કે ઉપકોસલ નામે બ્રહ્મચારી સત્યકામ ઋષિના આશ્રમમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતાં ગુરૂ તથા અગ્નિની સેવામાં રત હતો. બાર વરસ વીતવા છતાં પણ ગુરૂએ એને સદુપદેશ ના આપ્યો ત્યારે ઋષિપત્નીએ ઋષિને જણાવ્યું કે ઉપકોસલે અગ્નિની સુચારુરૂપે સેવા તથા તપશ્ચર્યા કરી હોવાથી એને ઉપદેશ આપો. પરંતુ ઋષિ પત્નીની વાતને માનવાને બદલે બહાર ચાલી નીકળ્યા. એથી દુઃખી થઈને ઉપકોસલે ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. એ જોઈને અગ્નિયોએ એની સેવાથી પ્રસન્ન બનીને એને જણાવ્યું કે પ્રાણ બ્રહ્મ છે, ક બ્રહ્મ છે, ખ બ્રહ્મ છે. ઉપકોસલે કહ્યું કે પ્રાણ બ્રહ્મ છે તે તો જાણું છું પરંતુ ક તથા ખ શું છે તે નથી જાણતો. અગ્નિયોએ જણાવ્યું કે જે ક છે તે ખ છે, ખ છે તે ક છે, તથા પ્રાણ પણ તે જ છે. એવી રીતે એમણે બ્રહ્મને ક એટલે સુખસ્વરૂપ, ખ એટલે વ્યોમની પેઠે સૃક્ષ્મ તથા સર્વવ્યાપક, અને પ્રાણરુપે સૌને ચેતન પ્રદાન કરનારા કે જીવન દેનારા કહ્યા. એ પછી ગાર્હપત્ય અગ્નિએ પ્રકટ બનીને જણાવ્યું કે સૂર્યમાં આ જે પુરૂષ દેખાય છે તે હું છું. એવી રીતે જાણીને ઉપાસના કરનારો ઉપાસક પાપમુક્ત બનીને ઉત્તમ લોકોને ને પૂર્ણ આયુને અથવા ઉજ્જવળ જીવનને મેળવે છે. એના વંશનો કદી નાશ નથી થતો.

એ પછી અન્વાહાર્યપચન નામના અગ્નિએ પ્રકટીને જણાવ્યું કે ચંદ્રમાં આ જે પુરૂષ દેખાય છે તે હું છું. એ રહસ્યને જાણીને ઉપાસના કરનારને ઉત્તમ લોકોની પ્રાપ્તિ થાય છે.

એ પછી આહવનીય અગ્નિએ કહ્યું કે વીજળીમાં જે આ પુરૂષ છે તે હું છું.

પછી બધા અગ્નિયો એકસાથે બોલ્યા કે અમે તને અગ્નિવિદ્યા અને આત્મવિદ્યા બંનેનો ઉપદેશ આપ્યો. ગુરૂ તને એનું રહસ્ય બતાવશે.

એટલામાં ગુરૂ સત્યકામ આવી પહોંચ્યા ને બોલ્યા કે ઉપકોસલ, તારૂં મુખમંડળ બ્રહ્મજ્ઞાનીની પેઠે ચમકે છે. તને કોઈએ ઉપદેશ આપ્યો લાગે છે.

ઉપકોસલે સઘળી કથા કહી બતાવી એટલે ગુરૂએ જણાવ્યું કે એમણે તને ઉત્તમ પ્રકારના લોકોની પ્રાપ્તિનો જ ઉપદેશ આપ્યો છે. હું તને જે ઉપદેશ આપું છું એને લીધે પદ્મના પત્રને પાણીનો સંસ્પર્શ નથી થતો તેમ પાપ નહિ સ્પર્શી શકે. આંખમાં આ પુરૂષ દેખાય છે એ આત્મા છે, અમૃત છે, અલય છે, બ્રહ્મ છે.’

य एषोङक्षिणि  पुरूषो द्दश्यन्त एव आत्मेति होवाचैतदमृतमभयमेतद् ब्रह्मेति ।

જ્ઞાન અને ધ્યાનમાર્ગની અભિરુચિવાળા સાધકો ઉપનિષદના આ વર્ણનમાંથી એક અનોખી પ્રેરણાની પ્રાપ્તિ કરી શકે છે. એ પ્રેરણા આંખની અંદર પરબ્રહ્મ પરમાત્માનો પરમ પ્રકાશ  પ્રકટેલો છે એવું સમજીને આંખમાં મનને કેન્દ્રિત કરીને ધ્યાનમાં લગાડવાની કે જોડવાની છે. મનને આંખમાં એકાગ્ર કરીને એવી રીતે ધ્યાન કરવાથી સંકલ્પ વિકલ્પો સહેલાઈથી શમી જશે ને સમાધિની અલૌકિક અનિર્વચનીય અવસ્થા સહજ બનશે. આપણે ત્યાં ભ્રૂમધ્યમાં અથવા આજ્ઞાચક્રમાં વૃત્તિને સ્થાપીને ધ્યાન કરવાની પરિપાટી પ્રચલિત છે. એની ભલામણ કરવામાં આવી છે. એવી રીતે આંખને બંધ કરીને એમા પ્રકાશયુક્ત સૂક્ષ્મ તથા પાવન પ્રદેશમાં ધ્યાન કરવાની પદ્ધતિનો આધાર લેવામાં આવે તો એ આશીર્વાદરુપ બની શકે એમ છે. સાધકો એનો આધાર લઈ શકે છે. એથી ધ્યાનની પરંપરાગત પદ્ધતિઓમાં એક અદ્ ભુત પદ્ધતિનો ઉમેરો થશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *