Friday, 27 December, 2024

Adhyay 1, Pada 2, Verse 19-21

124 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 19-21

Adhyay 1, Pada 2, Verse 19-21

124 Views

१९.  न च स्मार्तमतद् धर्माभिलापात् ।

અર્થ
સ્માર્તમ્ = સાંખ્ય દ્વારા પ્રતિપાદિત પ્રધાન અથવા જડ પ્રકૃતિ.
ચ = પણ. 
ન = અંતર્યામી નથી.
અતદ્દધર્માભિલાપાત્ = આ પ્રકરણમાં દર્શાવેલા દૃષ્ટાપણાના ને બીજા ધર્મ પ્રકૃતિના નથી માટે.

ભાવાર્થ
કોઈને એવું કહેવાનું મન થાય કે અંતર્યામી શબ્દનો પ્રયોગ પ્રકૃતિને માટે કરવામાં આવ્યો છે એવું માનીએ તો શી હરકત છે, તો એના સ્પષ્ટીકરણ માટે આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે અંતર્યામી શબ્દ જડ પ્રકૃતિને માટે નથી વપરાયો. જો જડ પ્રકૃતિને માટે વપરાયો હોત તો એના લક્ષણો જુદાં જ હોત. અહીં જે લક્ષણો જોવા મળે છે તે લક્ષણો પ્રકૃતિ સાથે સંબંધ નથી ધરાવતા પરંતુ પરમાત્મા સાથે જ સંબંધ ધરાવે છે. માટે અંતર્યામી શબ્દ પ્રયોગ પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે એવું માનવું બરાબર છે.

२०.  शारीरचश्चोभयेङपि  हि भेदेनैनमधीयते ।

અર્થ
શરીર = શરીરમાં રહેનારો જીવાત્મા.
ચ = પણ.
ન = અંતર્યામી નથી.
હિ = કારણ કે.
ઉભયેઙપિ = માધ્યંદિની તથા કાણ્વ, બંને શાખવાળા.
એનમ્ = આ જીવાત્માને.
ભેદેન = અંતર્યામીથી ભિન્ન માનીને. 
અધીયતે = અભ્યાસ કરે છે.

ભાવાર્થ
જડ પ્રકૃતિ જો અંતર્યામી ના હોય તો જીવાત્મા તો ચેતન છે, એને અંતર્યામી ના કહી શકાય ? ના. કારણ કે વેદની માધ્યંદિની અને કાણ્વ બંને શાખાવાળા વિદ્વાનો અંતર્યામીને જીવાત્માની પણ અંદર રહીને એનું નિયમન કરનાર માને છે એ સંબંધી એમનામાં કોઈપણ પ્રકારનો મતભેદ નથી દેખાતો. જીવાત્મા જ જો અંતર્યામી હોત તો એને માટે ‘જીવાત્માની અંદર રહીને એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોત. બૃહદારાણ્યક ઉપનિષદ જણાવે છે કે ‘જે જીવાત્માની અંદર રહેનાર, જીવાત્મા છે, જેને જીવાત્મા નથી જાણતો, જીવાત્મા જેનું શરીર છે, અને જીવાત્માની અંદર રહીને જે જીવાત્માનું નિયમન કરે છે, તે તમારો આત્મા અંતર્યામી અમૃત છે.’ એ વર્ણન પરથી જીવાત્મા અંતર્યામી નથી એની ખાતરી થાય છે.

२१. अद्दश्यत्वादिगुणको धर्मोक्तेः ।

અર્થ
અદૃશ્યત્વાદિગુણક = અદૃશ્યતાદિ ગુણવાળા પરમાત્મા જ છે.
ધર્મોકતેઃ = એ સ્થળે સર્વજ્ઞતા જેવા એમના જ ધર્મોનું વર્ણન છે તેથી.

ભાવાર્થ
ઉપનિષદમાં પરમાત્માને ઈન્દ્રિયોની સીમામાં કેદ નહિ થનારા વર્ણ તથા ગોત્રાદિથી રહિત, હાથપગ અને આંખકાન વગરના, નિત્ય, વ્યાપક, સર્વગત સૂક્ષ્મ તથા અવિનાશી કહેલા છે. એમને માટે સર્વજ્ઞ, જ્ઞાનરૂપી તપવાળા તથા નામરૂપથી ભરપુર સમસ્ત જગતના કારણ અથવા કર્તા જેવા શબ્દો પણ વાપરવામાં આવ્યા છે. મુંડક ઉપનિષદમાં એમને જાણી લેવાથી બીજું બધું જ જાણી શકાય છે એવું કહેવામાં આવ્યું છે. મુંડક ઉપનિષદના એ કથન પરથી સ્પષ્ટ થાય છે કે ઈન્દ્રિયોથી અગોચર અદૃશ્યતાદિ ગુણધર્મ પરમાત્માને જ લાગુ પડે છે. ત્યાં સર્વજ્ઞતા જેવા ગુણધર્મો પણ પરમાત્મા સાથે જ સંબંધ ધરાવે છે. બીજી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે જે સર્વજ્ઞ છે એ જ પરમાત્મા ઈન્દ્રિયોથી અસ્પર્શ્ય અથવા અગોચર છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *