Adhyay 1, Pada 2, Verse 22-23
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 2, Verse 22-23
By Gujju29-04-2023
२२. विशेषणभेदव्यपदेशाभ्यां च नेतरौ ।
અર્થ
વિશેષણભેદવ્યપદેશાભ્યામ્ = પરમાત્મા સંબંધી વિશેષણો વપરાયાં હોવાથી તથા જીવાત્મા તેમ જ પ્રકૃતિથી એમને અનોખા કહી બતાવ્યા છે. માટે.
ચ = પણ.
ઈતરો = બીજાં બંને, જીવાત્મા અને પ્રકૃતિ, અદૃશ્યતાદિ લક્ષણથી યુક્ત જગતના કારણરૂપ ના કહી શકાય.
ભાવાર્થ
જીવાત્મા તથા પ્રકૃતિ બંનેને સર્વજ્ઞ ના કહી શકાય અને અદૃશ્યતાદિ લક્ષણોથી યુક્ત પણ ના માની શકાય કારણ કે પ્રકૃતિ જડ છે ને જીવાત્મા અલ્પજ્ઞ. પરમાત્માને માટે વપરાયલા શબ્દો જીવાત્મા તથા પ્રકૃતિને લેશ પણ લાગુ ના પાડી શકાય. અલ્પ શક્તિવાળા જીવાત્માને તથા જડ પ્રકૃતિને જગતનું કારણ પણ ના માની શકાય.
મુંડક ઉપનિષદમાં રજૂ કરવામાં આવેલા એક જ વૃક્ષની ડાળી પર બેઠેલાં બે પક્ષીઓના રસમય રૂપકમાં જીવાત્માના ને પરમાત્માના ભેદને સુસ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે. એ રૂપક પ્રમાણે પરમાત્મા જીવાત્માથી તથા શરીરરૂપી વૃક્ષથી જુદા છે. એ જ ઉપનિષદોક્ત ગુણધર્મોથી યુક્ત જગતના એક માત્ર કારણ છે.
—
२३. रूपोपन्यासाच्च ।
અર્થ
રૂપોપન્યાસાત્ = ઉપનિષદમાં એમના જ વિરાટ વિશ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એથી.
ચ = પણ.
ભાવાર્થ
પરમાત્માને સમસ્ત સંસારના મૂળભૂત એકમાત્ર કારણ કહેવા માટે અહીં એક બીજી વિચારધારા રજૂ કરવામાં આવે છે. ઉપનિષદ અને વેદાદિ ગ્રંથોમાં એમના વિરાટ વિશ્વરૂપનું વર્ણન કરીને એમને સૌના અંતર્યામી અને સારરૂપ અથવા સર્વાધાર કહી બતાવ્યા છે.
ગીતાના અગિયારમા અધ્યાયમાં પણ એમના અદ્ ભુત વિશ્વરૂપ દર્શનનો રસમય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘અગ્નિ પરમાત્માનું મસ્તક છે, સૂર્ય તથા ચંદ્ર બંને નેત્ર છે, દિશાઓ કાન છે, વેદ પરમાત્માની વાણી છે, વાયુ એમનો પ્રાણ અને સમસ્ત વિશ્વ હૃદય છે. એમના પગમાંથી પૃથ્વી પેદા થઈ છે. સમસ્ત સૃષ્ટિના, જીવમાત્રના અંતરાત્મા એ જ છે.’
अग्निर्भूर्धा चक्षुषी च्चन्द्रसूर्यो दिशः श्रोत्रे वाग् विवृताश्व वेदाः ।
वायुः प्राणो हृदयं विश्वमस्य पदभ्यां पृथिवी होष सर्वभूतान्तशत्मा ॥
એટલે ભૂતયોની શબ્દ પરમાત્માને માટે જ વાપરવામાં આવ્યો છે. પરમાત્મા જ સમસ્ત ભૂતોના એકમાત્ર કારણ છે.