Thursday, 19 September, 2024

Adhyay 1, Pada 2, Verse 24

98 Views
Share :
Adhyay 1,  							Pada 2, Verse 24

Adhyay 1, Pada 2, Verse 24

98 Views

२४. वैश्वानरःसाधाररीशब्दविशेषातू ।

અર્થ
વૈશ્વાનરઃ= વૈશ્વાનર નામથી પરમાત્માનું જ વર્ણન કરાયલું છે.
સાધારણ શબ્દ વિશેષાત્ = એ વર્ણનમાં વૈશ્વાનર અને આત્મા જેવા સાધારણ શબ્દો કરતાં વિશેષ શબ્દોનો ઉપયોગ કરાયો છે તેથી.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં વૈશ્વાનરના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં ધુલોકને એનું મસ્તક કહ્યું છે. વૈશ્વાનર શબ્દ આમ તો જઠરાગ્નિનો વાચક છે. તો એ વર્ણન જઠરાગ્નિના સંબંધમાં છે કે બીજા કોઈના સંબંધમાં એવી શક્ય શંકાના સમાધાન સારુ અહીં કહેવામાં આવે છે કે વૈશ્વાનર શબ્દ ત્યાં સામાન્ય જઠરાગ્નિના અર્થમાં નથી પ્રયોજાયો. પરંતુ પરમાત્માના અર્થમાં જ વપરાયો છે. જઠરાગ્નિ શબ્દ સ્થૂળ, સીમિત અથવા સાધારણ અર્થમાં વપરાયો હોત તો ધુલોકને એનું મસ્તક ના કહેવામાં આવત. ધુલોકને તો સર્વશક્તિમાન સર્વવ્યાપક પરમાત્માનું જ મસ્તક કહી શકાય.
 
છાંદોગ્ય ઉપનિષદમાં કથા આવે છે કે પ્રાચીનશાલ, સત્યયજ્ઞ, જન, બુડિલ તથા ઈન્દ્રધુમ્ન એ પાંચ ઋષિ ઉત્તમ ગૃહસ્થ તથા વેદજ્ઞ હતા. એ આત્મા તથા બ્રહ્મના સ્વરૂપસંબંધી માહિતી મેળવવા વૈશ્વાનર આત્માના જ્ઞાતા મહર્ષિ ઉદ્દાલક પાસે પહોંચ્યા.

ઉદ્દાલક મુનિએ એમને જોઈને એમનો અભિપ્રાય જાણી લઈને વિચાર્યું કે મારાથી આમને સાચો ને સંપૂર્ણ ઉપદેશ નહિ આપી શકાય તેથી બીજા કોઈક ઉપદેશકનું નામ આપું. એમણે જણાવ્યું કે અત્યારે વૈશ્વાનર આત્માનું સમ્યક જ્ઞાન કેવળ રાજા અશ્વપતિ ધરાવે છે. આપણે એમની પાસે જઈએ એ વધારે ઉચિત મનાશે.

ઉદ્દાલક મુનિ એ સૌની સાથે રાજા અશ્વપતિ પાસે જઈ પહોંચ્યા.

રાજાએ સૌની ભાવનાને સમજી લઈને બીજે દિવસે સૌને વારાફરતી પ્રશ્નો પૂછ્યા. એમના પ્રશ્નના ઉત્તરમાં પ્રાચીનશાલે જણાવ્યુ કે હું સૂર્યને ઉપાસુ છું. ઈન્દ્રધુમ્ને કહ્યું કે હું વાયુની ઉપાસના કરું છું.  જને તથા બુડિલે પોતે અનુક્રમે આકાશ અને જલને ઉપાસે છે એવું જણાવ્યું.

રાજાએ કહ્યું કે તમે વિશ્વાત્મા વૈશ્વાનરની ઉપાસના કરો છો તો ખરા પરંતુ એ ઉપાસના એના એકેક વિશિષ્ટ અંગની હોવાથી સર્વાંગીણ નથી. એ વિશ્વના આત્મા વૈશ્વાનરનું મસ્તક ધુલોક છે, સૂર્ય નેત્ર છે, વાયુ પ્રાણ છે, આકાશ શરીરનો મધ્યભાગ છે. જળ બસ્તિસ્થાન છે, પૃથ્વી ચરણ, વેહી વક્ષસ્થળ, દર્ભ લોમ, ગાર્હપત્ય અગ્નિ હૃદય, અન્વાહાર્યપચન અગ્નિ મન અને આહવનીય અગ્નિ મુખ છે.

પાંચે જિજ્ઞાસુઓને ને મુનિ ઉદ્દાલકને એ સ્પષ્ટીકરણથી સંતોષ થયો.

એ પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે કે રાજા અશ્વપતિએ સાધારણ વૈશ્વાનરની વાત નહોતી કરી પરંતુ સમસ્ત વિશ્વના આત્મા વૈશ્વાનરની ઉપાસનાની વાત કરેલી. અને વિશ્વના આત્મા તો પરમાત્મા વિના બીજા કોણ હોઈ શકે ? વૈશ્વાનર કહો કે વિશ્વના આત્મા અથવા પરમાત્મા કહો, સર્વકાંઈ એક જ છે. શબ્દો જ જુદા છે, તત્વ કે સત્તા એક જ છે. નરસી ભગત કહે છે તેમ.
‘ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *